જમ્મુ-કાશ્મીરમાં 6 આતંકી ઠાર, બે જવાન શહીદ, હજુ બે ઠેકાણે એન્કાઉન્ટરની સ્થિતિ યથાવત્
Terrorist Attack in Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુલગામના ફ્રિસલ ચિન્નીગામ અને મોદરામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે હજુ પણ અથડામણ ચાલી રહી છે. મોદરામમાં અથડામણમાં વધુ એક આતંકી ઠાર મરાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, 'બંને એન્કાઉન્ટરમાં અત્યાર સુધી કુલ 6 આતંકી ઠાર મરાયા છે. આતંકીઓ સાથે લડતાં એક વિશેષ પેરા કમાન્ડો સહિત સૈન્યના બે જવાનો શહીદ થયા છે.'
મહારાષ્ટ્રમાં જવાન શહીદના અંતિમ સંસ્કાર કરાશે
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડાણમણમાં બલિદાન આપી ચૂકેલા સૈન્યના જવાન પ્રભાકર જંજાલના અંતિમ સંસ્કાર આઠમી જુલાઈએ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તેમના વતનમાં કરાશે. શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ચાર આતંકી ઠાર મરાયા હતા.
આ પણ વાંચો: ચીનની ફરી અવળચંડાઈ, પેંગોંગ તળાવ નજીક બંકરો બનાવ્યા, સેટેલાઈટ તસવીરો દ્વારા ખુલાસો
હિજબુલ મુજાહિદ્દીનનો ડિવિઝનલ કમાન્ડર ફસાયો
ચિન્નીગામમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો સ્વયંભૂ ડિવિઝનલ કમાન્ડર ફારુક અહેમદ બટ ફસાઈ ગયો છે. માહિતી અનુસાર, આતંકીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. સુરક્ષાદળોએ તાત્કાલિક ઘેરાબંદી કરી અવર-જવરના તમામ રસ્તા બંધ કરી દીધા છે. તેના બાદથી જવાનોએ વિસ્તારમાં તલાશી અભિયાન ચલાવ્યું છે.