આતંકીઓની ગોળીએ ગુલામ મોહમ્મદ ડારની હત્યા કરી પુત્રીનાં લગ્ન પહેલાં હેડ કોન્સ્ટેબલની હત્યા : ઘરમાં માતમ
- જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કીલીંગ શરૂ થઈ ગયું છે : 3 દિવસમાં 2નાં મોત : ઇજાગ્રસ્ત ઇન્સ્પેકટરની હાલત પણ ગંભીર
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારની આતંકીઓ ગોળી મારી હત્યા કરી હતી. ડારની ૭ પુત્રીઓ પૈકી એકના લગ્ન યોજાવાનાં હોઈ ઘરમાં રીનોવેશનનું કામ ચાલતું હતું. ઘરમાં આનંદ હતો. પરંતુ આતંકીઓની ગોળીએ ઘરનો આનંદ આંચકી લીધો. આનંદનાં સ્થાને ઘરમાં માતમ ફેલાઈ રહ્યો છે. પિતાની રક્ત રંજિત છાતી જોઈ તેની પુત્રી બોલી ઉઠી કે હું મારા હાથે જ મારા પિતાની હત્યાનો બદલો લઈશ. તેઓની હત્યા કરનાર આતંકીને શોધીને મારી નાખીશ.
ગુલામ મોહમ્મદ ડાર ૨૫ વર્ષથી પોલીસ દળમાં હતા. અત્યારે તેઓ શ્રીનગરમાં ડયુટી ઉપર હતા. તેઓ રોજ પોતાનાં ગામ કાલપોરાથી શ્રીનગર જતા હતા. અને સાંજના ઘરે પરત આવતા હતા. ડારનાં ઘરમાં તેઓના સિવાય કોઈ પુરૂષ નથી. તેઓના પરિવારમાં ૭ પુત્રીઓ અને એક પત્ની રહ્યાં છે.
પ્રાપ્ય માહિતી પ્રમાણે ઘરમાં પ્લમ્બીંગ કામ કરતા પ્લંબરની સાથે રહી તેને બાજુનાં ગામમાં આવેલા તેના ઘરે મુકી આવી તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ઘરના દરવાજા ઉપર જ તેમને મોતને ઘાટ ઉતારી દીધા.
સૌથી વધુ દુ:ખદ વાત તો તે છે કે ઘરમાં કમાનાર વ્યકિત તેઓ એક જ હતા. ડારનાં કુટુંબીજનો ઇન્સાફ માગે છે. અને આતંકીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા સરકારને સખ્ત અનુરોધ કરે છે.
ગુલામ મહમ્મદ ડારનાં મૃત્યુ પછી કેટલાક પોલીસ કર્મચારીઓ અને આસપાસના લોકો તેમના નિવાસસ્થાને એકઠા થઈ ગયા. સૌ કોઈ ડારના સાલસ સ્વભાવની તારીફ કરતા હતા.
કેટલાક એવું અનુમાન બાંધે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું વહીવટી તંત્ર કદાચ ડારની પુત્રીઓ પૈકી કોઈ ૧૮ વર્ષની હશે તો તેને પોલીસની જ નોકરીમાં રખાશે. અથવા ડારનાં પત્નીને પોલીસ તંત્રમાં કોઈને કોઈ નોકરીએ લઈ લેવાશે.