દિલ્હીમાં બદમાશોનો આતંક, અનેક વિસ્તારમાં આડેધડ ફાયરિંગ, એકનું મોત, એક ઈજાગ્રસ્ત
Image: X
Firing in Delhi: દિલ્હીના વેલકમ વિસ્તારમાં બાઈક સવાર બદમાશો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક અન્ય ઈજાગ્રસ્ત છે. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશ પોતાની મોટરસાઈકલ છોડીને ફરાર થઈ ગયો. ઘટના વિશે જાણકારી આપતાં પોલીસે જણાવ્યું કે બદમાશોના હુમલામાં નદીમ નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે શહેનવાઝ નામનો એક અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. એક અન્ય ઘટનામાં જ્યોતિનગર વિસ્તારમાં સ્થિત ન્યૂ કરદમપુરીની ગલી નંબર 5 માં અમુક બદમાશોએ હવામાં ફાયરિંગ કર્યું અને ઘટના સ્થળેથી ભાગી ગયો. ઘટના સ્થળેથી 7 ખાલી કારતૂસ અને એક જીવિત કારતૂસ જપ્ત થયા છે.
મૃતકનો મોબાઈલ ફોન અને સ્કૂટી લઈને ભાગી ગયા આરોપી
ઘટના વિશે જાણકારી આપતાં DCP દિલ્હી નોર્થ-ઈસ્ટ રાકેશ પાવરિયાએ કહ્યું, 'રાત્રે વેલકમ વિસ્તારમાં એક ઘટના ઘટી જેમાં નદીમ નામના એક વ્યક્તિને માથા પર અને શરીરના નીચલા ભાગમાં ગોળી વાગી અને તેનું મોત નીપજ્યું. તેની સાથે હાજર અન્ય એક વ્યક્તિ શહેનવાઝને પણ પગમાં ગોળી વાગી. તેના થોડા સમય બાદ જ્યોતિનગરમાં પણ એક ઘટના ઘટી જ્યાં હવામાં ફાયરિંગ થયુ. અમે બંને ઘટનાઓ પર કાર્યવાહી કરી રહ્યાં છીએ. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલુ છે. વેલકમના હુમલામાં જીવ ગુમાવનાર નદીમનું જીન્સનું કારખાનું છે. નદીમની હત્યા બાદ આરોપી પોતાની બાઈક મૂકી ગયો અને મૃતકની સ્કૂટી અને મોબાઈલ ફોન લઈને ભાગી ગયો.
આ પણ વાંચો: 'મારાથી ભૂલ થઈ ગઈ...', નડ્ડા સાથેની ગુપચુપ બેઠક બાદ નીતિશ કુમારનું નિવેદન ચર્ચામાં
જ્યોતિનગરમાં બદમાશોએ મકાન પર કર્યું ફાયરિંગ
જ્યોતિનગરમાં થયેલી ઘટનામાં પોલીસને PCR કોલ મળ્યો હતો. વિસ્તારના ન્યૂ કરદમપુરીના રહેવાસી પ્રમોદે પોલીસને ગલી નંબર 5 માં ફાયરિંગની માહિતી આપી હતી. પ્રમોદે પોલીસને જણાવ્યું કે 3 લોકો સ્કૂટી પર આવ્યા અને તેમણે તેના મકાનને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું. મળતી માહિતી અનુસાર પોલીસને ઘટના સ્થળેથી 5 ખાલી અને એક જીવિત કારતૂસ મળ્યા છે. પોલીસે જણાવ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે જેના કારણે સંબંધિત વિસ્તારોમાં ભયનો માહોલ છે.