કાશ્મીરમાં આતંકી હુમલો : ચાર જવાન શહીદ, ત્રણને ઈજા

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
કાશ્મીરમાં આતંકી હુમલો : ચાર જવાન શહીદ, ત્રણને ઈજા 1 - image


- પૂંચ જિલ્લાના સૂરનકોટ નજીક લશ્કરના બે વાહનોને નિશાન બનાવાયા

- આતંકવાદીઓને શોધવા માટે ચાલતા સર્ચ ઓપરેશનમાં મદદ કરવા જતાં હતા ત્યારે જ સૈનિકો પર ગોળીઓ વરસી : આખા વિસ્તારને કોર્ડન કરીને શોધખોળ આદરી

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અચાનક અંધાધૂંધ ગોળીબાર થવા માંડયો હતો. જવાનોએ તુરંત વળતો જવાબ આપ્યો હતો. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે અગાઉથી જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને લશ્કરનું સંયુક્ત ઓપરેશન ચાલતું હતું. એમાં મદદ કરવા માટે આર્મીના બે વાહનોમાં સૈનિકો જતા હતા ત્યારે હુમલો થયો હતો. હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા, ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. સૈન્યએ આખાય વિસ્તારને કોર્ડન કરીને નવેસરથી સર્ચ ઓપેરશન હાથ ધર્યું છે. તોયબાના આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સૈનિકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હથિયારો સાથે રસ્તાની વચ્ચે ધસી આવ્યા હોય એવી સંભાવના છે.

પૂંચ જિલ્લાના સૂરનકોટ તાલુકામાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી સૈન્યને મળી હતી. બાતમીના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને લશ્કરીદળોનું એક સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલતું હતું. એ ઓપરેશનમાં મદદ માટે વધુ બે વાહનોમાં સૈનિકોને મોકલાયા હતા. એક લશ્કરી ટ્રક અને એક જીપમાં સૈનિકો સંયુક્ત ઓપરેશનમાં મદદ માટે જતા હતા ત્યારે બફલિયાઝ પોલીસ સ્ટેશન મંડી રોડ પાસે આતંકીઓએ સૈનિકોના વાહનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલાથી તુરંત સાવધાન થયેલા જવાનોએ વળતું ફાયરિંગ શરૂ કર્યું હતું. સામ-સામા ફાયરિંગ દરમિયાન સાત-આઠ જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. એમાંથી ચાર જવાનો શહીદ થયા હતા અને ત્રણને ઈજા પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળની તસવીરો સામે આવી હતી, જે વિચલિત કરી દે તેવી છે. રસ્તામાં સૈનિકોના તૂટેલા હેલ્મેટ, ગાડીના કારના ટૂકડા વેરાયેલા પડયા છે. આખોય રસ્તો સૈનિકોના લોહીથી ઉભરાઈ ગયો છે. 

આ હુમલા બાદ સૈન્યએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે. થન્નામંડી ડીકેજી બુફલિયાઝ રોડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને આસપાસના લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. રાજૌરી-પૂંચ નેશનલ હાઈવે પર એલર્ટ જારી કરાયો છે. ઠેર-ઠેર સુરક્ષાદળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ૪૮ રાષ્ટ્રીય રાઈફલના જવાનો સંયુક્ત ઓપરેશનને મદદ કરવા જતા હતા ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારોનો જથ્થો લઈને રસ્તાની વચ્ચે આવી ગયા હોય એવી પ્રાથમિક શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ગયા મહિને પાંચ જવાનો શહીદ થયા હતા

રાજૌરી જિલ્લામાં નવેમ્બર માસમાં સૈનિકોને નિશાન બનાવાયા હતા. એક ઊંચાઈવાળા સ્થળેથી આતંકીઓએ સૈન્યના જવાનો પર હુમલો કર્યો હતો. બાતમીના આધારે સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનોને પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, જેમાં બે કેપ્ટન સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. એ ઓપરેશનમાં તોયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરાયા હતા. કારી નામનો આતંકવાદી પાકિસ્તાની નાગરિક હતો અને તેણે પાકિસ્તાનમાં આતંકી કેમ્પો ઉપરાંત અફઘાનિસ્તાનમાં જઈને બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી.

અગાઉ એપ્રિલ માસમાં પણ રાજૌરી અને પૂંચ જિલ્લાના વનમાં આર્મી પર આતંકી હુમલો થયો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. તે પછીના સર્ચ ઓપરેશનમાં આતંકવીદઓને ઠાર કરી દેવાયા હતા. આ વર્ષમાં જ આતંકીઓની સંખ્યા જ્યાં સૌથી વધુ જોવા મળે છે એ રાજોરી, પૂંચ અને રઈસી જિલ્લામાં કુલ ૧૯ જવાનો શહીદ થયા છે. બીજી તરફ કુલ ૨૮ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News