જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ 1 - image


- પેટ્રોલિંગ કરી રહેલ ટીમ પર આતંકવાદીઓનું ફાયરિંગ

- બસંતગઢના અંતરિયાળ વિસ્તાર ડુડુમાં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસના એસઓજીના કર્મચારીઓ પર હુમલો

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સોમવારે સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગુ્રપ (એસઓજી)ના કર્મચારીઓ પર બસંતગઢના અંતરિયાળ વિસ્તાર ડુડુમાં બપોરે ૩.૩૦ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ઇન્સ્પેક્ટર કુલદીપ કુમાર ૧૮૭મી બટાલિયન સાથે સંકળાયેલા હતાં. કુમારને હોસ્પિટલ લઇ જતી વખતે જ તેમનું મોત થયું હતું.

હુમલો કરીને આતંકવાદીઓ ભાગી ગયા હતાં. જો કે આ આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શહીદ થયેલા ઇન્સ્પેક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હેડ કવાર્ટર લઇ જવામાં આવ્યો છે.

બસંતગઢ વિસ્તારના વન વિસ્તારમાં એપ્રિલથી અત્યાર સુધીમાં બે આતંકવાદી હુમલા થયા છે. ડોડા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના પાંચ દિવસ પછી આ હુમલો કરવામાં આવ્યો છે.

આજના હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે થયેલા આતંકી હુમલાઓમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૪ થઇ ગઇ છે. મૃત્યુ પામેલા ૭૪ લોકોમાં ૨૧ સુરક્ષા જવાનો અને ૩૫ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. 

જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાઓ ડોડા, કથુઆ, રેઅસી, પૂંચ, રાજોરીમાં ચાલુ વર્ષે થયેલા આંતકી હુમલાઓમાં ૩૦ લોકોનાં મોત થયા છે. જેમાં ૧૪ સુરક્ષા જવાનો અને ૬ આતંકવાદીઓ સામેલ છે.


Google NewsGoogle News