જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો : બે કેપ્ટન, બે જવાન શહીદ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો : બે કેપ્ટન, બે જવાન શહીદ 1 - image


- રાજૌરીના જંગલમાં ત્રણ દિવસથી સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું હતું

- આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 81 આતંકીઓ ઠાર, 27 જવાનો શહીદ, માત્ર રાજૌરી-પૂંચમાં જ 47 લોકોએ જીવ ગુમાવ્યો

- રાજૌરીના ઓપરેશનમાં સૈન્યએ બે આતંકીઓને ઘેરી લેતા અંતે સરેન્ડર કરવુ પડયું, અન્યોની શોધખોળ શરૂ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ સામેના ઓપરેશન દરમિયાન સૈન્યના બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે. સૈન્ય અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ધર્મસાલના જંગલમાં આતંકીઓના ખાતમા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હોવાથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, એવામાં છુપાયેલા આતંકીઓએ અચાનક જ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે. બીજી તરફ સૈન્યના ગોળીબારમાં બે આતંકીઓ ઘાયલ થઇ ગયા હતા, જેમણે બાદમાં સરેન્ડર કરી દીધુ હતું.

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સૈન્ય દ્વારા રવિવારથી જ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. કેટલાક સ્થાનિકોએ પીટીઆઇ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવાયા હતા. લોકોને ઘરોમાં રહેવાની સલાહ અપાઇ હતી, તેથી અમે બાળકોને શાળાને નહોતા મોકલ્યા. દરમિયાન ઓપરેશનમાં બે આતંકીઓ ફસાઇ ગયા હતા, જેમણે અંતે સરેન્ડર કરી દીધુ હતું. આ આતંકીઓ પાકિસ્તાનના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પાકિસ્તાન સરહદે આવેલી રાજૌરી અને પૂંચમાં જ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આતંકીઓના હુમલામાં ૪૬ના મોત નિપજ્યા છે. રાજૌરીમાં જ નવ સૈન્ય જવાનો શહીદ  થયા અને સાત આતંકીઓ સહિત ૨૩ લોકો માર્યા ગયા હતા. જ્યારે પૂંચ જિલ્લામાં ૧૫ આતંકીઓ માર્યા ગયા હતા જ્યારે પાંચ જવાનો શહીદ થયા હતા.

જ્યારે જમ્મુ પ્રાંતમાં આ વર્ષે આતંકી હુમલાઓમાં ૧૫ જવાનો શહીદ થયા છે. જ્યારે સામે ૨૫ આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા હતા. જમ્મુના ત્રણ જિલ્લાઓમાં જ આ મોટી જાનહાની સામે આવી હતી. આ વર્ષે જ ૨૦મી એપ્રીલ અને ૫ મેના રોજ આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં ૧૦ જવાનો શહીદ થઇ ગયા હતા. જેમાં પાંચ કમાંડોનો પણ સમાવેશ થાય છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જવાનો, નાગરિકો અને આતંકીઓ સહિત કુલ ૪૭ લોકો માત્ર જમ્મુમાં જ માર્યા ગયા હતા. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે જે પણ આતંકીઓ આ વિસ્તારમાં માર્યા ગયા છે તેઓ પાકિસ્તાન સરહદ પાર કરીને જમ્મુ પ્રાંતમાં ઘૂસ્યા હતા. તેથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં સક્રિય આતંકીઓનો મુખ્ય ટાર્ગેટ જમ્મુ પ્રાંત છે. હજુ ૧૭મી નવેમ્બરના રોજ બુધાલ વિસ્તારમાં એક એન્કાઉન્ટર પાર પડાયું હતું જેમાં એક આતંકી માર્યો ગયો હતો. સમગ્ર જમ્મુ કાશ્મીરના આંકડા પર નજર કરીએ તો આ વર્ષે કુલ ૮૧ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે સામેપક્ષે ૨૭ જવાનો પણ શહીદ થયા છે. જેમાં સૈન્યના મોટા અધિકારીઓ અને એક ડીએસપીનો પણ સમાવેશ થાય છે.


Google NewsGoogle News