Get The App

યાસીન મલિકે ક્યારેય કાશ્મીરનુ ભલુ ઈચ્છ્યુ નહીં, વાંચો... નફરતની આગ ફેલાવનારા મલિકના કારનામા

Updated: May 25th, 2022


Google NewsGoogle News
યાસીન મલિકે ક્યારેય કાશ્મીરનુ ભલુ ઈચ્છ્યુ નહીં, વાંચો... નફરતની આગ ફેલાવનારા મલિકના કારનામા 1 - image


નવી દિલ્હી, તા. 25 મે 2022 બુધવાર

તારીખ હતી 13 ઓક્ટોબર 1983. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહી હતી. લંચ બ્રેક થયો. ત્યારે કેટલાક લોકો પિચની નજીક ચાલ્યા ગયા અને તેને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો. આ મામલે 12 લોકો પર કેસ ચલાવવામાં આવ્યો. આ સમગ્ર કાંડ જે સંગઠને કર્યુ હતુ, તેનુ નામ હતુ 'તાલા પાર્ટી'.

બે વર્ષ બાદ 13 જુલાઈ 1985એ ખ્વાજા બજારમાં નેશનલ કોન્ફરન્સની રેલી થઈ રહી હતી. આ રેલીમાં 70 યુવક પહોંચ્યા અને ફટાકડા ફોડ્યા. સૌ ને લાગ્યુ બોમ્બ વિસ્ફોટ થયો છે. ચારે તરફ અફરા-તફરી મચી ગઈ. નેશનલ કોન્ફરન્સે એક 19 વર્ષના યુવકને પકડી લીધો. આ યુવકનુ નામ હતુ- યાસીન મલિક.

તે યાસીન મલિક, જેણે જમ્મુ-કાશ્મીરમાં આતંકને વધાર્યો. કાશ્મીરની આઝાદીની વકાલત કરતો રહ્યો. દારૂગોળો અને બંદૂકના દમ પર ડર ફેલાવતો રહ્યો. આજે તે જ યાસીન મલિકની સજાનુ એલાન થવાનુ છે. યાસિન મલિક પર આતંકી ઘટનાઓ સાથે જોડાવા અને કાશ્મીર ખીણમાં માહોલ ખરાબ કરવાનુ ષડયંત્ર રચવાનો દોષ સાબિત થયો છે. 

મલિક પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદો (UAPA)ની કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), કલમ 17 (આતંકી ફંડિંગ), કલમ 18 (આતંકી ગતિવિધિનુ ષડયંત્ર અને કલમ 20  (આતંકવાદી જૂથ કે સંગઠનનુ સભ્ય હોવુ) સહિત આઈપીસી ની કમલ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ 2017નો છે. યાસીન મલિકે પોતે ગુનો કબૂલ કર્યો છે. 

યાસીન મલિક અત્યારે તિહાડ જેલમાં કેદ છે. તે પહેલીવાર જ્યારે જેલમાં ગયો હતો, ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી.

આ 'તાલા પાર્ટી' ની કહાની શુ છે ? 

યાસીન મલિકનો જન્મ 3 એપ્રિલ 1966એ શ્રીનગરના મયસૂમા વિસ્તારમાં થયો હતો. મયસૂમા ખૂબ ગીચ વિસ્તાર છે. જેની દક્ષિણમાં લાલ ચોક છે અને પશ્ચિમમાં જેલમ નદી છે.

યાસીન મલિક દાવો કરે છે કે 80 ના દાયકામાં તેણે હિંદુસ્તાની સેનાનો અત્યાચાર જોયો હતો, જેણે તેને હથિયાર ઉઠાવવા માટે મજબૂર કર્યો. તે દાવો કરે છે કે તે સમયે તેણે ટેક્સી ડ્રાઈવરો પર સેનાની હિંસા જોઈ હતી. 

આ કથિત હિંસાનો જવાબ આપવા માટે યાસીન મલિકે એક સંગઠન બનાવ્યુ. તેનુ નામ રાખ્યુ તાલા પાર્ટી. આ સંગઠન હિંસા કરવા અને માહોલ બગાડવાનો વારંવાર પ્રયત્ન કરતુ રહેતુ હતુ. 1983ના ભારત - વેસ્ટ ઈન્ડિઝની મેચમાં પણ અવરોધ ઉભો કર્યો હતો. તે હરકતમાં યાસીન મલિક તો સામેલ નહોતો, પરંતુ તેના સંગઠને આને અંજામ આપ્યો હતો. આ મામલે 28 વર્ષ બાદ 2011માં કોર્ટનો ચુકાદો આવ્યો અને તમામ 12 આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કરી દેવાયા. 

આ દરમિયાન 11 ફેબ્રુઆરી 1984એ આતંકી મકબૂલ ભટને ફાંસી પર ચઢાવી દેવાયો. તાલા પાર્ટીએ આ ફાંસીનો ખૂબ વિરોધ કર્યો. મકબૂલ ભટના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. આ મામલે યાસીન મલિકની ધરપકડ કરી લેવાઈ. તે 4 મહિના સુધી જેલમાં રહ્યો.

જેલમાંથી મુક્ત થયા બાદ 1986માં તાલા પાર્ટીનુ નામ બદલીને ઈસ્લામિક સ્ટુડન્ટ લીગ (ISL) રાખવામાં આવ્યુ. યાસીન મલિક આનો મહાસચિવ બન્યો. કાશ્મીરની આઝાદીની લડતમાં આઈએસએલ ઉભરીને સામે આવ્યુ. અશફાક મજીદ વાની, જાવેદ મીર અને અબ્દુલ હામીદ શેખ જેવા આતંકી આના સદસ્ય હતા.

પછી તે સમય આવ્યો જેણે બધુ જ બદલી દીધુ

કાશ્મીર ખીણમાં પાકિસ્તાનના કારણે માહોલ હંમેશા ખરાબ જ રહેતો હતો. તણાવ રહેતો હતો. હિંસા થતી રહેતી હતી. ત્યારે તારીખ આવી 7 માર્ચ 1986. કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી. તેમણે જમ્મુ-કાશ્મીરની ગુલામ મોહમ્મદ શેખની સરકારને બરતરફ કરી દીધી. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થઈ ગયુ. આઠ મહિના બાદ માર્ચ 1986માં ફારુખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે હાથ મિલાવ્યા. માર્ચ 1987માં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થઈ. જે બાદ ખીણમાં બધુ જ બદલાઈ ગયુ. કાશ્મીર માટે આ ચૂંટણી ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

ચૂંટણી પહેલા જમાત-એ-ઈસ્લામી અને ઈત્તેહાદુલ-ઉલ-મુસલમીન જેવી અલગાવવાદી પાર્ટીઓ સાથે આવી અને મુસ્લિમ યુનાઈટેડ ફ્રંટ (MUF) બનાવ્યુ. આ ગઠબંધને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વિરુદ્ધ ચૂંટણી લડી. આ ચૂંટણીમાં શ્રીનગર અમીરાકદલ સીટ પરથી મોહમ્મદ યુસુફ શાહ MUFનો ઉમેદવાર હતો. યાસીન મલિકે યુસુફ શાહના સમર્થનમાં પ્રચાર કર્યો. આ તે જ મોહમ્મદ યુસુફ શાહ હતો , જેણે આગળ જઈને હિજબુલ મુજાહિદ્દીન નામનુ આતંકી સંગઠન બનાવ્યુ. આજે તેને સૈયદ સલાહુદ્દીનના નામથી ઓળખવામાં આવે છે. 

તે સમયે MUF ની રેલીઓમાં ખૂબ ભીડ થતી હતી. MUFની જીત લગભગ નક્કી મનાતી હતી પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો કંઈક અલગ જ થયુ. MUFની ખરાબ રીતે હાર થઈ. યુસુફ શાહ પણ હારી ગયો. આ ચૂંટણીએ કાશ્મીર ખીણમાં અલગાવવાદ અને આતંકવાદને હવા આપી. જોકે, યાસીન મલિક આનો ઈનકાર કરે છે. 

1987ની ચૂંટણી બાદ ખીણની પરિસ્થિતિ બદલાઈ ગઈ. હિંસક ઘટનાઓ વધી ગઈ. બિન-મુસ્લિમો પર હુમલા થવા લાગ્યા. મુસ્લિમ યુનાઈટેડ ફ્રંટના મોટાભાગના ઉમેદવાર બાદમાં આતંકી બની ગયા. 1988માં યાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLF સાથે જોડાઈ ગયા. યાસીન મલિકના ઈશારે આ સંગઠને ખીણમાં જોરદાર આતંક ફેલાવ્યો. યુવાઓને ગેરમાર્ગે દોરીને હથિયાર ઉઠાવડાવ્યા.

જ્યારે દેશના ગૃહમંત્રીની પુત્રીનુ અપહરણ થયુ

1987ની ચૂંટણી બાદ કેટલાક સમય માટે યાસીન મલિક પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે આતંકની ટ્રેનિંગ લીધી. 1989માં તે પાછો ફર્યો અને આવીને કત્લેઆમ મચાવવા લાગ્યો. યાસીન મલિકના ઈશારે ખીણ સળગવા લાગી. 

આ તે સમય હતો જ્યારે દેશમાં રાજનીતિક અસ્થિરતા પણ ચાલી રહી હતી. બોફોર્સ કૌભાંડનો આરોપ લાગવાથી રાજીવ ગાંધી ચૂંટણી હારી ગયા હતા. કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર આવી ગઈ હતી. વીપી સિંહની સરકારને સત્તા સંભાળે હજુ અઠવાડિયુ પણ વીત્યુ નહોતુ કે કંઈક એવુ થયુ જેણે દેશને હચમચાવી મૂક્યો. 

તે તારીખ હતી 8 ડિસેમ્બર 1989. તે સમયે દેશના ગૃહમંત્રી હતા મુફ્તી મોહમ્મદ સઈદ. સઈદ દિલ્હીના નોર્થ બ્લોકમાં અધિકારીઓની સાથે બેઠક કરી રહ્યા હતા. તેમની પુત્રી રુબિયા સઈદ એમબીબીએસનો કોર્સ પૂરો કરીને શ્રીનગરમાં ઈન્ટરશિપ કરી રહી હતી. હોસ્પિટલની ડ્યુટી પૂરી કર્યા બાદ જ્યારે તે પાછી ફરી રહી હતી, ત્યારે રસ્તામાં અમુક આતંકવાદીઓએ તેનુ અપહરણ કરી લીધુ. આ કિડનેપિંગનો માસ્ટરમાઈન્ડ હતો અશફાક વાની. જેકેએલએફના આતંકવાદીઓએ આને અંજામ આપ્યો હતો. 

રુબિયાના અપહરણથી દેશમાં હડકંપ મચી ગયો. દેશની કાનૂન વ્યવસ્થાની જવાબદારી સંભાળનારા વ્યક્તિ પોતાની દિકરીની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. દિલ્હીથી શ્રીનગર સુધી બેઠકોનો સમય શરૂ થઈ ગયો. શરૂઆતમાં જેકેએલએફએ રુબિયાની મુક્તિના બદલે 20 આતંકીઓની મુક્તિની માગ કરી. બાદમાં વાત 7 આતંકીઓની મુક્તિ પર આવી. 5 દિવસ વીતી ચૂક્યા હતા પરંતુ રુબિયા હજુ સુધી આતંકીઓના કબ્જામાંથી છૂટી શકી નહોતી. 13 ડિસેમ્બરની બપોરે સરકાર અને આતંકવાદીઓની વચ્ચે સમાધાન થયુ. રુબિયાની મુક્તિના બદલે 5 આતંકીઓને છોડવામાં આવ્યા. સાંજે 5 વાગે રુબિયાને છોડી દેવાઈ. તે રાતે 12 વાગે ખાસ વિમાનથી રુબિયાને દિલ્હી લાવવામાં આવી. રુબિયાના બદલે આતંકીઓની મુક્તિનો વિરોધ પણ થયો.

આ ઘટનાએ આતંકવાદીઓનો જોશ વધારી દીધો. કાશ્મીરના રસ્તા પર સૂત્રોચ્ચાર થવા લાગ્યા. જશ્ન મનાવાયો. સમગ્ર ખીણમાં આઝાદીના સૂત્રોચ્ચાર થવા લાગ્યા.

નવ સો ઉંદરો ખાઈને બિલાડી હજ પર ગઈ

ખીણમાં જાહેરમાં કત્લેઆમ મચતુ રહ્યુ. બિન-મુસ્લિમોને મારવામાં આવ્યા અને તેમને ભગાડી દેવાયા. આ તમામ યાસીન મલિકના ઈશારે થઈ રહ્યુ હતુ. માર્ચ 1990માં સેનાએ અશફાક વાનીને મારી નાખ્યા. ઓગસ્ટ 1990માં યાસીન મલિકની પણ ઈજાગ્રસ્ત હાલતમાં ધરપકડ કરી લેવાઈ. તેની ધરપકડ બાદ જેકેએલએફના મોટાભાગના આતંકવાદી માર્યા ગયા કા તો પકડાઈ ગયા. આખરે મે 1994માં મલિકને મુક્ત કરી દેવાયો.

જેલમાંથી મુક્ત થયા બાદ યાસીન મલિકે હથિયાર નાખી દીધા. તેણે હિંસાના બદલે વાતચીતથી મુદ્દો ઉકેલવાની વાત કહી. તેણે રાજકીય મધ્યસ્થાની વાત કહી. તેણે કહ્યુ કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની સરકારની વચ્ચે વાતચીતમાં તેને પણ સામેલ કરવામાં આવે. પરંતુ ભારતને આ મંજૂર નહોતુ. 1995માં જમ્મુ-કાશ્મીરમાં જ્યારે વિધાનસભા ચૂંટણી થઈ તો મલિકે આનો વિરોધ કર્યો. મલિકે કહ્યુ કે ભારતે લોકતંત્રની આડમાં આને કાશ્મીરીઓ પર થોપી દીધુ છે. 

રાજકારણ કરતો રહ્યો યાસીન મલિક

યાસીન મલિકની જીંદગી ક્યારેક જેલની અંદર અને ક્યારેક જેલની બહાર વીતતી હતી. ઓક્ટોબર 1999માં યાસીન મલિકની પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ધરપકડ કરી લેવાઈ. જેલમાંથી અંદર-બહાર આવતા સમયે મલિક રાજકારણ કરવા લાગ્યો. તે પાકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા લાગ્યો. મલિકે ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીર ઈન્ટરનેટ પર છે.

2007માં યાસીન મલિકે સફર-એ-આઝાદી ના નામથી એક કેમ્પેઈન શરૂ કરી દીધુ. તે સમગ્ર દુનિયામાં જઈને ભારત વિરુદ્ધ માહોલ બનાવતો રહ્યો. મલિક અને તેના સાથીઓએ કાશ્મીરના સાડા ત્રણ હજારથી વધારે ગામ અને વિસ્તારમાં જઈને ભારત વિરુદ્ધ માહોલ બનાવ્યો. 

પત્ની-દિકરીની સાથે હોટલમાંથી બહાર કરાયો

2009માં યાસીન મલિકે પાકિસ્તાનની રહેવાસી મુશાલ હુસૈન સાથે લગ્ન કરી લીધા. બંનેએ પાકિસ્તાનમાં જ લગ્ન કર્યા. મુશાલ હુસૈન ન્યૂડ પેઈન્ટિંગ્સ બનાવવા માટે મશહૂર છે. 2012માં તેમણે એક દિકરીને જન્મ આપ્યો, જેનુ નામ રજિયા સુલ્તાન છે.

મુશાલ હુસૈન પાકિસ્તાનના રહેવાસી છે પરંતુ તેમનો અભ્યાસ વિદેશમાં થયો. તેમણે લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. તેમના પિતા એમએ હુસૈન જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમની માતા રેહાના પાકિસ્તાની મુસ્લિમ લીગના નેતા રહી ચૂક્યા છે.

4 ડિસેમ્બર 2013એ જેકેએલએફએ દાવો કર્યો કે નવી દિલ્હીના એક હોટલમાંથી મલિક, તેની પત્ની અને તેની 18 મહિનાની દિકરીને અલગાવવાદી વિચારધારાના કારણે કાઢી મૂક્યા હતા.


Google NewsGoogle News