મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા 6 લોકોના મોત, એકની હાલત ગંભીર
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલના સોનખાંબ ગામ નજીક આ અકસ્માતની ઘટના બની હતી
અકસ્માતની ઘટના એટલી ગંભીર હતી કે કારનું પડીકું વળી ગયું હતું
Major Road Accident in maharashtra : દેશમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા
અકસ્માતની વધુ વિગત મુજ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલના સોનખાંબ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા કારમાં સવાર છ લોકોમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ચાર લોકોના હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે. કાટોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના મોડી રાતે બની હતી અને બંને વાહનોની સ્પીડ વધુ હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ સાત લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેની કારની સોયાબીન લઈ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર થઈ હતી.
કારનું પડીકું વળી ગયું
આ અકસ્માતની ઘટના એટલી ગંભીર હતી કે કારનું પડીકું વળી ગયું હતું અને આગળનો ભાગ બહાર આવી ગયો હતો. સ્થાનિક લોકોએ આ આકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. હાલ પોલીસ અકસ્માતની ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.