Terminalia Tomentosa Tree: એક એવું વૃક્ષ કે જે ઉનાળામાં પાણીનો સંગ્રહ કરે છે, આંધ્રમાં લોરેલ ટ્રી જોઈ બધા આશ્ચર્યચકિત
Image Twitter |
Terminalia Tomentosa Tree In Andhra Pradesh: ધરતી પરના અનંત રહસ્યો રહેલા છે, જેમા વૃક્ષો અને છોડ સૌથી અદ્ભુત છે. આપણે દરેક લોકો આ વૃક્ષો વિશે દરેક માહિતી હોવાનો દાવો કરીએ છીએ, પરંતુ કેટલીકવાર તેની ખાસિયતો આપણને આશ્ચર્ય પમાડે છે. આંધ્ર પ્રદેશના એએસઆર જિલ્લાના પાપીકોંડા નેશનલ પાર્કમાં જ્યારે વન અધિકારીઓએ ઈન્ડિયન લોરેન્સ નામના ઝાડની છાલને કાપી તો તે જગ્યા પરથી પાણીની ધારા વહેવા લાગી હતી. આ વૃક્ષને ભારતીય લોરેલ ટ્રી કહેવામાં આવે છે, જે ઉનાળામાં પોતાની અંદર પાણીનો સંગ્રહ કરે છે. બૌદ્ધ ધર્મના લોકો પણ આ વૃક્ષને ધાર્મિક દ્રષ્ટિકોણથી જુએ છે.
આદિવાસી કોંડા રેડ્ડી સમાજે માહિતી આપી હતી
આંધ્ર પ્રદેશના વન વિભાગના અધિકારીઓ ગત તારીખ 30 માર્ચના રોજ અલુરી સીતારામ રાજુ જિલ્લાની રામ્પા એજન્સીના પાપીકોંડા નેશનલ પાર્કમાં જોવા મળતા ભારતીય લોરેલ ટ્રીની છાલ કાપી હતી, તો ખરેખર તેમાથી પાણી નીકળવા લાગ્યું હતું, એટલે આ વૃક્ષ ખરેખર ઉનાળામાં તેની અંદર પાણી જમાં કરે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે છાલ કાપતાની સાથે જ તેમાંથી જે રીતે નળમાંથી પાણી આવે તે રીતે પાણીનો પ્રવાહ નીકળવા લાગ્યો હતો. ખાસ કરીને ગોદાવરી વિસ્તારના પહાડીઓની તળેટીમાં રહેતા આદિવાસી સમૂહ કોંડા રેડ્ડી સમુદાયે આ વૃક્ષ વિશે જાણકારી આપી હતી, જે સદીઓથી તેની છાલ કાપીને તરસ છીપાવે છે.
આ વિશે શું કહે છે અધિકારીઓ?
આ વિશે વિભાગીય વન અધિકારી જી.જી. નરેન્દ્ર કહ્યું, “જ્યારે અમે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતીય લોરેલ વૃક્ષની છાલ કાપી ત્યારે તેમાંથી પાણી નીકળ્યું. આ વિશે કોંડા રેડ્ડી જનજાતિએ અધિકારીઓને તેની માહિતી આપી હતી. ઉનાળા દરમિયાન ભારતીય લોરેલ વૃક્ષ પાણી એકઠું કરે છે, જેમાં ખૂબ ખરાબ ગંધ આવતી હોય છે અને તેનો સ્વાદ ખાટો હોય છે. ભારતીય જંગલોના વૃક્ષોમાં એક અદ્ભુત અનુકૂલન જોવા મળ્યું છે."
આ વૃક્ષનું લાકડું મોંઘા ભાવે વેચાય છે
ઈન્ડિયન સિલ્વર ઓક તરીકે પણ ઓળખાતું આ ઈન્ડિયન લોરેલનું લાકડું ખૂબ ઊંચા ભાવે વેચાય છે. તેનું વ્યાપારી મૂલ્ય ઊંચું છે. તેથી જ વન અધિકારીઓએ આ વૃક્ષોની પ્રજાતિઓને બચાવવાના પગલા તરીકે વૃક્ષોનું ચોક્કસ સ્થાન જાહેર કર્યું નથી. અને સરળ ભાષામાં તેને ક્રોકોડાઈલ બાર્ક ટ્રી ( crocodile bark tree) પણ કહેવામાં આવે છે. આ વૃક્ષની ઊંચાઈ આશરે 30 ફૂટ જેટલી થઈ શકે છે અને મોટાભાગે આ સૂકા અને ભેજવાળા જંગલોમાં જોવા મળે છે.
બૌદ્ધ સમુદાયના લોકો તેને બોધિ વૃક્ષ કહે છે
આ વૃક્ષની સૌથી ખાસ વાત એ છે કે તેના થડમાં પાણી ભરેલું છે, જ્યારે અન્ય વૃક્ષોની સરખામણીમાં તેનું થડ ફાયર પ્રૂફ છે. આ વૃક્ષની વિશિષ્ટ વિશેષતાઓને કારણે બૌદ્ધ સમુદાયના લોકો તેને બોધિ વૃક્ષ પણ કહે છે. એવી માન્યતા છે કે, આ વૃક્ષ નીચે તપસ્યા કરતી વખતે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.