Get The App

હલ્દવાનીમાં મદરેસા પર બૂલડોઝર ફર્યા બાદ તંગદિલી : પોલીસ પર પથ્થરમારો

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
હલ્દવાનીમાં મદરેસા પર બૂલડોઝર ફર્યા બાદ તંગદિલી : પોલીસ પર પથ્થરમારો 1 - image


- સરકારી જમીન પર બનલાં ગેરકાયદે મદરેસા પર કાર્યવાહી

- નગર પાલિકા અને પોલીસના વાહનોમાં આગ લગાડનારા પ્રદર્શનકારીઓને દેખો ત્યાં ઠારનો મુખ્યમંત્રીનો આદેશ : 100થી વધુને ઈજા, ઈન્ટરનેટ બંધ

હલ્દવાની : ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બૂલડોઝર ફરતાં સ્થાનિક લોકોએ નગર પાલિકા તેમ જ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી હતી. સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે આખાય વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. સરકારે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી ને તોફાની તત્વોને દેખો ત્યાં ઠારનો આદેશ આપતા મામલો વધારે ગંભીર બન્યો હતો.

હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં આવેલી વિશાળ સરકારી જમીનમાં મદરેસા અને નમાઝનું સ્થળ બનાવાયું હતું. એ ગેરકાયદે બાંધકામ પર સરકારે એક્શન લીધું હતું. અગાઉ ત્રણ એકરનો એ વિસ્તાર સરકારે સીલ કરી દીધો હતો અને તેનો કબજો સરકારી હોવાની નોટિસ લગાવી દીધી હતી. નગર પાલિકાની ટીમ પોલીસ પ્રોટેક્શનમાં એ વિસ્તારમાં પહોંચી અને અગાઉ સીલ કરેલા મદરેસા પર બૂલડોઝર ચલાવવાનું શરૂ કર્યું ત્યાં જ સ્થાનિક લોકોએ સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. પહેલાં પથ્થરમારો કર્યો અને પછી સરકારી વાહનો બાળી નાખ્યા હતા. વીજ થાંભલા બાળી નાખતા એ વિસ્તારમાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનામાં પોલીસ જવાનો, નગર પાલિકાના સ્ટાફને ઈજા પહોંચી હતી. પોલીસ જવાનો, પત્રકારો, નગર પાલિકાના સ્ટાફ સહિત લગભગ ૧૦૦થી વધુને ઈજા પહોંચી હોવાનો અંદાજ છે. આખાય વિસ્તારને પ્રદર્શનકારીઓએ ચારેબાજુથી ઘેરી લીધો હતો. તેમાં સરકારી સ્ટાફ ઉપરાંત મિડીયા કર્મચારીઓ પણ ફસાઈ ગયા હતા. 

આ ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી. ઈન્ટરનેટની સર્વિસ બંધ કરાઈ હતી. વધુ સુરક્ષા માટે પેરામિલિટરીની ચાર ટૂકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આખાય વિસ્તારમાં કર્ફયૂ લગાવીને મુખ્યમંત્રીએ તમામ આરોપીઓને ઓળખીને પકડવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, હજુય તોફાનો કરતાં પ્રદર્શનકારીઓને દેખો ત્યાં ઠાર કરોનો આદેશ છૂટયો હતો. અહેવાલોમાં દાવો થઈ રહ્યો હતો કે બંને તરફથી ફાઈરિંગ શરૂ થયું છે. ટોળાને કાબૂમાં કરવા માટે ટીઅર ગેસ છોડવો પડયો હતો. ગોળીબાર થતાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો.


Google NewsGoogle News