ભાડાં કરાર કરતાં પહેલા ધ્યાનથી ચેક કરવી જોઈએ આ 4 બાબત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો
Image Envato |
Home Rent Agreement: દેશમાં એક મોટો વર્ગ એવો છે, જેની પાસે પોતાનું ઘર નથી અને તેઓ ભાડાના મકાનમાં રહે છે. આ તમામ લોકો જે નાના શહેરોમાંથી પોતાનું ઘર છોડીને નોકરી માટે અન્ય શહેરોમાં જાય છે, તેઓ પણ ભાડાના મકાનોમાં રહે છે. ભાડા પર મકાન લેતી પહેલા મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે ભાડા કરાર કરવામાં આવે છે. આ એક પ્રકારનો લેખિત કરાર હોય છે, જેમાં મકાન સંબંધિત ભાડા અને વ્યવસ્થા વિશે મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. જો તમે પણ ભાડુઆત છો, તો ભાડા કરાર કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જરુરી છે. જેથી કરીને પાછળથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
ભાડું અને સિક્યુરિટી
તમે મકાનમાલિકને દર મહિને કેટલું ભાડું ચૂકવશો અને તમે કેટલી સિક્યોરિટી જમા કરી છે, આ બાબતોનો ઉલ્લેખ આ રેન્ટ એગ્રીમેન્ટ (ભાડાં કરાર)માં અવશ્ય કરો. સિક્યોરિટી રકમ પરત કરવા અંગના નિયમો પણ લખી લો. જેથી તમારા અને મકાનમાલિક વચ્ચે બધું સ્પષ્ટ રહે. ધ્યાનમાં રાખો કે, એગ્રીમેન્ટ એ મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેનો કરાર છે, જો મકાનમાલિકે તેના નિયમો તેમાં લખ્યા હોય, તો તમે તમારી વાતો પણ તેમાં લખી શકો છો. એગ્રીમેન્ટમાં એકબીજાની સહી કર્યા પછી ભાડા કરારની એક નકલ તમારી પાસે રાખો, કારણ કે તે તમને તમારા બધા કામમાં મદદરુપ થઈ શકે છે.
ભાડું વધારશે અને કેટલું વધારશે
મકાનમાલિક સાથે અગાઉથી નક્કી કરો કે, તે ક્યારે ભાડું વધારશે અને કેટલું વધારશે. અને આ વાતનો ઉલ્લેખ તમારા કરારના મુદ્દામાં પણ સામેલ કરો. જેથી મકાનમાલિક નિયત રેશિયો કરતાં વધુ ભાડું વધારી શકે નહીં. સામાન્ય રીતે ઘરના ભાડામાં દર વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવતો હોય છે. જો તમે ઈચ્છો તો તમે તેના માટે સંમત થઈ શકો છો અથવા મકાનમાલિકને ભાડું થોડું ઓછું વધારવા માટે સમજાવી પણ શકો છો.
રિપેરિંગ અને મેન્ટનન્સ
આજે તમે જે ઘરમાં રહો છો, તેને સમયાંતરે સમારકામ, જાળવણી અને પેઈન્ટિંગની જરૂરીયાત હોય છે. તેથી આ ખર્ચ કોના પર થશે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરારમાં હોવો જોઈએ. જો કોઈ દુર્ઘટના સર્જાય તો ઘરને થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે? તે દરેક બાબતોનો કરારમાં ઉલ્લેખ કરવો જોઈએ.
કરારમાં કયા બિલનો ઉલ્લેખ કરવો જોઈએ?
ભાડા કરાર પર ઘણા નિયમો અને શરતો લખેલી હોય છે. આ ખૂબ જ ધ્યાનથી વાંચો. એ પણ જોઈ લેજો કે, શું મકાનમાલિકે ભાડુ મોડા ચુકવણી પર કોઈ દંડનો ઉલ્લેખ કર્યો છે કે કેમ? આ ઉપરાંત, તમારે વીજળી, પાણીનું બિલ, હાઉસ ટેક્સ અને જિમ, સ્વિમિંગ પૂલ, પાર્કિંગ, ક્લબ વગેરે જેવી સુવિધાઓ અને તેના માટે ચૂકવણી વિશે કોઈ ઉલ્લેખ કર્યો છે કે તે પણ ચેક કરી લેવું જોઈએ. આનો અર્થ એ છે કે, ધ્યાનમાં રાખો કે તમે મકાનમાલિકને જે બિલ ચૂકવશો તેનો જ ઉલ્લેખ કરારમાં હોવો જોઈએ.