10 અને 20 રૂપિયાના સિક્કા મુદ્દે મોટા સમાચાર, સરકારે લોકસભામાં આપી જાણકારી
Ministry of Finance: દેશમાં અવાર-નવાર લોકો વચ્ચે ચર્ચા થતી રહે છે કે, 10 અને 20 રૂપિયાનો સિક્કો બંધ થવાનો છે. જોકે, હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે 10 અને 20ના સિક્કા તેમજ નોટને લઈને મોટી જાણકારી આપી છે. આ જવાબમાં લોકોના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નો તેમજ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલયે આપ્યો જવાબ
નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, દેશમાં હાલ 10 રૂપિયાના કેટલા સિક્કા અને નોટ ચાલી રહ્યા છે? જેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આજે પણ 10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે. 31 ડિસેમ્બર 2024 સુધી 2,52,886 લાખ 10 રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી છે, જેની કિંમત 25,289 કરોડ છે. વળી, 31 ડિસેમ્બર 2024 સુધી દેશમાં 79,502 લાખ 10 રૂપિયાના સિક્કા બજારમાં હાજર છે, જેની કિંમત 7950 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં મતદાન પહેલા AAP અને BJP વચ્ચે વિવાદ, CM આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે FIR
હજુ પણ છપાય છે 20 રૂપિયાની નોટ
આ સિવાય નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો કે, શું દેશમાં 20 રૂપિયાની નવી નોટ છાપવા પર રોક લગાવવામાં આવી છે? આ સવાલનો જવાબ આપતાં નાણાં મંત્રાલયે કહ્યું કે, આ સત્ય નથી. એટલે સ્પષ્ટ છે કે, ભલે બજારમાં 10 અને 20 રૂપિયાની નોટ અને સિક્કા આપણને ઓછા જોવા મળતા હોય, પરંતુ તે ચલણમાં છે. સમયાંતરે બંધ થવા તેમજ ચલણથી બહાર હોવાની ખબર સામે આવે છે, તે સંપૂર્ણપણે ભ્રામક છે.
આ પણ વાંચોઃ શું પેટ્રોલ-ડીઝલ પણ GST હેઠળ આવશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2020માં પહેલીવાર રજૂ કરાયો 20 રૂપિયાનો સિક્કો
નોંધનીય છે કે, સરકારે પહેલીવાર 20 રૂપિયાનો સિક્કો 2020માં રજૂ કર્યો હતો. તે સમયે સરકારે જણાવ્યું હતું કે, 20 રૂપિયાનો સિક્કો 12 ધારવાળો બહુકોણ હશે, જેમાં અનાજની આકૃતિ હશે, જે દેશમાં કૃષિનું પ્રભુત્વ દર્શાવશે. આ સિવાય એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કાની નવી શૃંખલા પણ બહાર પાડવામાં આવશે, જે ગોળાકાર ડિઝાઇનમાં હશે, જેના પર હિન્દી લિપિમાં મૂલ્ય લખેલું હશે.