વર્ષોથી સેવા આપતા હંગામી કર્મીઓને કાયમી જેવા અધિકાર
- કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ શોષણ કરવા, લાભોથી વંચિત રાખવા ના કરી શકો : સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદો
- ભારતીય શ્રમ કાયદો કાયમી કામ હોય ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિની તરફેણ નથી કરતો, અમારા ચુકાદાની આડ ના લો, સમાન કામ માટે સમાન વેતન જરૂરી : સુપ્રીમ
- કામચલાઉ ભરતીમાં લેવાયેલા શ્રમિકો વર્ષો સુધી સેવા આપે છે, તેમનું યોગદાન કાયમી કર્મચારીઓ કરતાં ઓછું કેવી રીતે હોઇ શકે
- ગાઝિયાબાદ નગર પાલિકા સામે અધિકારો માટે શ્રમિકો ૨૫ વર્ષ સુધી લડયા અંતે સુપ્રીમે ન્યાય કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ, મજૂરોને લઇને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એટલુ જ નહીં કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની પણ ટિકા કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહે છે છતા તેમને એક કાયમી શ્રમિકના લાભોથી વંચિત રખાય છે જેને ના ચલાવી લેવાય. આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટતા કરી હતી કે જો કોઇ કર્મચારી-મજૂરનેી નિમણુંક કામચલાઉ હોય અને વર્ષો સુધી તેણે સેવા આપી હોય તો તેને પણ એક કાયમી કર્મચારી જેટલા જ અધિકારો મળે છે. સુપ્રીમે એવી પણ ટકોર કરી હતી કે અમારા અગાઉના ચુકાદાઓનો ઉપયોગ શ્રમિકોને તેના અધિકારોથી વંચિત રાખવા માટે ના કરી શકો.
ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ નગર પાલિકામાં સેવા આપનારા શ્રમિકો ન્યાય માટે ૨૫ વર્ષ સુધી કોર્ટ કચેરીઓમાં કેસ લડયા હતા, લેબર કોર્ટથી લઇને હાઇકોર્ટ ને અંતે સુપ્રીમ કોર્ટમાં તેમને ન્યાય મળ્યો હતો. આ શ્રમિકો નગર પંચાયતની હદમાં આવતા બગીચાઓની દેખરેખથી લઇને અન્ય કાર્ય વર્ષ ૧૯૯૯ સુધી કરતા હતા. વર્ષ ૨૦૦૪માં કામદારોએ કાઉન્સિલિએશન અધિકારી સમક્ષ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્પ્ટુટ દાખલ કર્યો હતો અને તેમને કાયમી કરીને કાયદેસર મળતા લાભોની માગ કરી હતી. જોકે, તેમની આ માગણીઓના પગલે જુલાઈ ૨૦૦૫માં ગાઝિયાબાદ નગર પાલિકાએ કોઈપણ લેખિત આદેશ, નોટિસ અથવા છટણીના વળતર વિના મૌખિરૂપે તેમની સેવાઓ બંધ કરી દીધી હતી એટલે કે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.
આ કેસમાં સુનાવણી કરતાં લેબર કોર્ટે વિરોધાભાસી ચૂકાદો આપ્યો હતો. લેબર કોર્ટે પહેલાં કર્મચારીની તરફેણમાં ચૂકાદો આપતા તેને ૩૦ ટકા પાછલાં ભથ્થાં સાથે નોકરી પર પાછા લેવાના નિર્દેશ આપ્યા અને પછી શ્રમિકો નગર પાલિકાના પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ કામ નહીં કરતા હોવાનું જણાતા નગર પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અલ્લાહાબાદ હાઈકોર્ટમાં આ કેસમાં અપીલ કરાતા હાઈકોર્ટે શ્રમિકોને દૈનિક ભથ્થાં પર પુનઃ નોકરી પર રાખવા અને કાયમી કર્મચારીની સમકક્ષ પગાર ચૂકવવાનો તેમજ નગર પાલિકાને કાયમી નિમણૂક પર ભાવી વિચારણાની મંજૂરી આપતો ચૂકાદો આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ પ્રસન્ના બી વરાલેની બેંચે કહ્યું હતું કે, કોઈ કર્મચારી લાંબા સમય સુધી સ્થાયી કર્મચારી જેવું કામ કરતો હોય તો તે પણ સ્થાયી કર્મચારી જેટલું જ વળતર મેળવવાનો અધિકાર ધરાવે છે. નોકરશાહીની મર્યાદાઓના કારણે કામદારોને તેમના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલાને દેશમાં પ્રચલિત કોન્ટ્રાક્ટ પદ્ધતી સાથે પણ જોડયો હતો અને વિસ્તારથી ચુકાદો આપીને દેશના શ્રમિકોની સ્થિતિ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી.
દેશમાં કોન્ટ્રાક્ટ રાજ સામે સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન
- સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંત સામે આંખ આડા કાન ના કરી શકો
- શોષણ કરવા માટે ઉમા દેવી કેસ (સુપ્રીમનો ચુકાદો)નો ઉપયોગ ઢાલ તરીકે ના કરી શકો
- શ્રમિકો લાભ વગર પણ વર્ષો સુધી કામ કરતા રહ્યા છતા તેમના કામની નોંધ ના લેવાઇ
- ભારતીય શ્રમ કાયદો કાયમી કાર્યો જણાય તેવા કામ માટે કોન્ટ્રાક્ટ પદ્ધતીની તરફેણ નથી કરતો
- શ્રમિકો વર્ષો સુધી સેવા આપતા હોય તેવી સ્થિતિમાં યોગ્ય કોન્ટ્રાક્ટ કરારોના દસ્તાવેજો ના હોય તો પણ તેમને મળનારા લાભથી વંચિત ના રાખી શકો
- જગ્ગો-ભારત સરકાર કેસમાં સુપ્રીમે સ્પષ્ટ કહ્યું છે કે કામચલાઉ કોન્ટ્રાક્ટનો ઇરાદાપૂર્વક શ્રમિકોને તેના નોકરી અને અન્ય લાભોથી વંચિત રાખવા થઇ રહ્યો છે.
- ખાનગી ક્ષેત્રમાં ગીગ ઇકોનોમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં પણ નોકરીની સુરક્ષા અને યોગ્ય લાભોનો અભાવ જોવા મળી રહ્યો છે.
- કોન્ટ્રાક્ટ પદ્ધતી માત્ર ટુંકાગાળાના કામ માટે જ અપનાવાઇ છે, પરંતુ તેનો સરકારી વિભાગોમાં પણ દુરુપયોગ કરીને શ્રમિકોનું શોષણ કરાય છે.
- કાયમી કામ માટે શ્રમિકોને કામચલાઉ કાર્ય તરીકે કોન્ટ્રાક્ટ પર કેવી રીતે લઇ શકો?
- અગાઉ નોટિસ આપ્યા વગર જ કામચલાઉ કર્મચારીઓને કાઢી મુકવામાં આવે છે.
- જે શ્રમિકો કામચલાઉ કાર્યમાં વર્ષો સુધી સેવા આપે છે તેઓનું યોગદાન કાયમી કર્મચારીઓ કરતા ઓછુ ના ગણી શકો
- કામચલાઉ શ્રમિક તરીકે ભરતી કરાયેલા લોકો વર્ષો સુધી સેવા આપે છતા તેમને મૂળભૂત અધિકારો જેવા કે પેંશન, પ્રોવિડેન્ટ ફંડ, સ્વાસ્થ્ય વીમો, મળતી રજાઓથી વંચિત રખાય છે.