Get The App

સંભલમાં 46 વર્ષથી બંધ મંદિર ખોલાયું લાઉડસ્પીકર બદલ ઇમામની ધરપકડ

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
સંભલમાં 46 વર્ષથી બંધ મંદિર ખોલાયું લાઉડસ્પીકર બદલ ઇમામની ધરપકડ 1 - image


હિંસાગ્રસ્ત સંભલમાં શાંતિ ડોળવાનો ઇમામનો પ્રયાસ, બે લાખ ભરવા પડયા

૧૯૭૮ની હિંસા બાદ મંદિરના દ્વાર બંધ કરાયા હતા એસડીએમનું ધ્યાન જતા ખોલાવ્યા, સાફસફાઇ કરાઇ

સંભલ: તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદમાં કોર્ટના આદેશથી સરવે હાથ ધરાયો હતો જેને કારણે હિંસા ફાટી નીકળી હતી, આ સંભલ જિલ્લાના ખગ્ગુસરાયમાં ૪૬ વર્ષ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ડીએમ-એસપીના અભિયાન દરમિયાન સામે આવ્યું કે આ વિસ્તારમાં એક મંદિર વર્ષોથી બંધ છે. હિંસા બાદ આ મંદિરને બંધ કરાયું હતું, જેને અંતે સ્થાનિકોની રજુઆત બાદ ખોલવામાં આવ્યું હતું.

હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભસ્મ શંકર મંદિરને ૧૯૭૮ની હિંસા બાદ બંધ કરી દેવાયું હતું, હવે તેને ખોલવામાં આવ્યું છે. એસડીએમ વંદના મિશ્રા આ વિસ્તારમાં વીજળી ચોરી સામે કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અમે વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે અમારી નજર આ મંદિર પર પડી હતી. મંદિર બંધ હોવાની જાણ પ્રશાસનને કરાઇ અને તેના દ્વાર ખોલવામાં આવ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ૪૬ વર્ષથી આ મંદિર બંધ છે. મંદિરની બાજુમાં જ એક વાવ પણ આવેલી છે જેેને ખોલવાનું પ્રશાસને નક્કી કર્યું છે. હાલ સમગ્ર મંદિરની સાફસફાઇ કરવામાં આવી રહી છે. મંદિરમાં હનુમાનની મૂર્તી અને શિવલિંગ છે.  

બીજી તરફ સંભલમાં હજુ પણ સુરક્ષાને લઇને કડક કાર્યવાહી કરાઇ રહી છે. જ્યારે પોલીસ આ વિસ્તારમાં તપાસ માટે નીકળી હતી ત્યારે અચાનક જ એક મસ્જિદમાં ઉંચા અવાજે લાઉડ સ્પીકર સંભળાયું હતું. અવાજ સાંભળતા જ પોલીસ અધિકારીઓએ મસ્જિદ પહોંચ્યા હતા અને ત્યાંના ઇમામની ધરપકડ કરાઇ હતી. જે બાદ એસડીએમએ શાંતિભંગ બદલ બે લાખના બોન્ડ પર ઇમામને પાબંદ કર્યા હતા, ઇમામે બે લાખ જમા કરાવ્યા જે બાદ તેને છોડવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા જ શાંતિ જાળવવા માટે એસપી અને સીઓએ ધર્મગુરુઓની સાથે બેઠક યોજી હતી અને સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપ્યો હતો, આ બેઠકમાં ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર હટાવવા અને સ્પીકરનો અવાજ ધાર્મિક સ્થળો સુધી જ સિમિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. એસડીએમ વંદના મિશ્રાએ જણાવ્યું હતું કે સંભલમાં જુમાની નમાઝ દરમિયાન અનાર વાલી મસ્જિદની અંદરથી લાઉડ સ્પીકરનો અવાજ આવ્યો હતો. બાદમાં ઇમામને મસ્જિદની બહાર બોલાવીને તેની ધરપકડ કરી હતી. 



Google NewsGoogle News