બાળકોને કહેજે મન લગાવીને ભણે...: કુવૈત અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના શબ્દો વાંચી હચમચી જશો
Kuwait Fire: 13 જૂનના રોજ કુવૈતના મંગાફ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 વિદેશી કામદારો માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાંથી 45 ભારતીય મૂળના હતા. મૃતકોમાં સૌથી વધુ 24 કેરળના, તમિલનાડુના 5, યુપીના 3, બિહારના 2 અને ઝારખંડના 1 રહેવાસી હતા.
આ સિવાય યુપીના જે ત્રણ લોકોના મોત થયા છે તેમાં ગોરખપુરના બે યુવકોનો સમાવેશ થાય છે. એક ગુલારિયાના જયરામ ગુપ્તા અને બીજો ગોરખનાથ પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર ઉત્તરના રહેવાસી અંગદ ગુપ્તા હતા. જ્યારે ત્રીજો મૃતક ગાઝીપુરનો રહેવાસી છે. ગોરખનાથ પોલીસ સ્ટેશન વિસ્તારના જેતેપુર ઉત્તરમાં રહેતો અંગદ ગુપ્તા લગભગ 9 વર્ષ પહેલા કુવૈત ગયો હતો અને ત્યાં એક ખાનગી કંપનીમાં કેશિયર તરીકે નોકરી કરતો હતો. ગુરૂવારે માંગાફ શહેરમાં એક બહુમાળી મોલમાં લાગેલી આગમાં તેનું મોત થયું હતું.
ગુરુવારે એમ્બેસી તરફથી ફોન કોલ દ્વારા આ વાત સામે આવી અને ત્યારથી પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. અંગદ ગુપ્તાની તેના પરિવારના સભ્યો સાથે છેલ્લી વાતચીત મંગળવારે થઈ હતી અને વાતચીત દરમિયાન તેમણે તેમના પરિવારના સભ્યોની સુખાકારી વિશે વાત કરી હતી અને તેના બાળકોને તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.
ત્યારે આ ઘટનાને પગલે પરિવારજનો તેમજ વિસ્તારના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંગદના નાના ભાઈ પંકજ ગુપ્તાનું કહેવું છે કે, મોટો ભાઈ પરિવારનો એકમાત્ર કમાતો સભ્ય હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી આખો પરિવાર સ્તબ્ધ છે. પરિવારની આજીવિકા અને નાણાંકીય બાબતો અંગેની કટોકટી વધુ ઘેરી બની છે.
તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે મૃતદેહને સુરક્ષિત રીતે પરત લાવવા અને પરિવારની મોટી પુત્રી અંશિકાને નોકરી અને આર્થિક સહાય આપવાની માંગ કરી છે. મૃતક અંગદ ગુપ્તાના પરિવારમાં પત્ની રીટા દેવી સાથે મોટી પુત્રી અંશિકા ગુપ્તા, પુત્ર આશુતોષ ગુપ્તા અને નાનો પુત્ર સુમિત ગુપ્તાનો સમાવેશ થાય છે.
હાલમાં, ઘટનાની માહિતી મળતાની સાથે જ રાજ્યના વડા યોગી આદિત્યનાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને વિદેશ મંત્રાલય અને કુવૈતમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે.
મૃતકોના મૃતદેહ ભારત પહોંચ્યા
મહત્વનું છેકે, કુવૈતમાં લાગેલી આગમાં માર્યા ગયેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ભારતીય વાયુસેના(IAF)નું વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું છે. વિમાનમાં રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ હાજર હતા.
ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલિસ એરક્રાફ્ટને જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું, જે કોચીમાં ઉતર્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પોતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે.
કુવૈતી મીડિયા અનુસાર, આગ રસોડામાં શરૂ થઈ હતી અને મોટાભાગના લોકોના મોત ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને 12 જૂનના રોજ સવારે 4.30 વાગ્યે અકસ્માતની જાણ કરવામાં આવી હતી.
મતલબ કે આગ વહેલી સવારે ત્યારે લાગી જ્યારે લોકો ઊંઘમાં હતા. બાંધકામ કંપની NBTC ગ્રૂપે 195 થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના હતા.
મહત્વનું છેકે, કેરળ સરકારે કુવૈત આગમાં મૃત્યુ પામેલા કેરળવાસીઓના પરિવારોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો હતો.