તેલંગાણા ટનલ દુર્ઘટના : 7 દિવસે 4 શ્રમિકોનું લોકેશન મળ્યું, પણ સરકારે ટેન્શન વધારતો દાવો કર્યો
Telangana Tunnel collapse: તેલંગાણામાં એક અઠવાડિયા પહેલા ધરાશાયી થયેલી એસએલબીસી ટનલમાં હજી બચાવ કામગીરી ચાલુ છે. જેમાં એક અઠવાડિયા બાદ અંદર ફસાયેલા આઠ લોકોમાંથી ચાર લોકોના લોકેશન જાણવામાં સફળતા મળી છે. ખૂબ જ કાદવ-કીચડ તેમજ કાટમાળના કારણે બચાવ ટીમ ફસાયેલા લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. તેણે અનેક મણ કાટમાળ-કીચડ બહાર કાઢ્યો છે. ટનલના બાંધકામમાં નુકસાનગ્રસ્ત કન્વેયર બેલ્ટ સોમવાર સુધીમાં રિપેર થઈ જવાની શક્યતા છે. ત્યારબાદ બચાવ ટીમ વધુ ઝડપથી અને સરળતાથી કાટમાળ હટાવી શકશે.
બચવાની અપેક્ષા નહિંવત્ત
રાજ્યના આબકારી મંત્રી જુપલ્લી કૃષ્ણરાવે ગઈકાલે માહિતી આપી હતી કે, 'ટનલની અંદર ફસાયેલા આઠ લોકોમાંથી ચાર લોકોના લોકેશન મળી ગયા છે. બચાવ ટીમ તુરંત તે દિશામાં આગળ વધી રહી છે. જો કે, ટનલમાં ફસાયેલા લોકોની બચવાની અપેક્ષા ખૂબ ઓછી છે. તેમ છતાં અમે છેક સુધી પ્રયાસ કરતા રહીશું. મેં સિંચાઈ મંત્રી એન. ઉત્તમકુમાર રેડ્ડી સાથે મળી બચાવ અભિયાનમાં સામેલ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બચાવ કામગીરીમાં પ્રગતિ જોવા મળી છે. રડાર મારફત ચાર લોકોના લોકેશન મળી આવ્યા છે. જ્યાં ટીમ હાથથી કાદવ બહાર કાઢી રહી છે. આજે સાંજ સુધીમાં તેમને બહાર કાઢવામાં આવશે.'
આ પણ વાંચોઃ સામનામાં મોટો દાવો- એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ માગતાં અમિત શાહે મૂકી મોટી શરત
11 એજન્સીના કર્મી બચાવમાં સામેલ
નેશનલ જિઓફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ ગ્રાઉન્ડ પેનેટ્રેટીંગ રડારની મદદથી મહત્ત્વપૂર્ણ લોકેશન મેળવ્યું છે. અન્ય ચાર લોકો પણ ટનલ બોરિંગ મશીનની નીચે ફસાયેલા હોવાનો અંદાજ છે. કૃષ્ણરાવે જણાવ્યું હતું કે, 450 ફૂટ ઊંચી ટીબીએમને કાપી રહ્યા છે. આ અભિયાનમાં 11 એજન્સીઓના કર્મી સામેલ છે. અભિયાનમાં વિલંબ થતાં વિપક્ષ ટીકાઓ કરી રહ્યું છે. પરંતુ આ પ્રયાસમાં નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. અંદર ખૂબ જ કાદવ હોવાથી બચાવ કામગીરી જટિલ બની છે.
તેલંગાણામાં બની રહેલી શ્રીશૈલમ લેફ્ટ બેન્ક કેનાલ (એસએલબીસી) ટનલની છત 22 ફેબ્રુઆરીએ ધરાશાયી થઈ હતી. જેની નીચે આઠ લોકો ફસાયા હતા. ટનલ ધરાશાયી થઈ ત્યારે 50 લોકો અંદર કામ કરી રહ્યા હતાં. પરંતુ ધરાશાયી થતાં જ 42 લોકો બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે આઠ લોકો અંદર ફસાયા હતાં.