જાતિગત વસતી ગણતરી દેશ માટે 'એક્સ-રે' નું કામ કરશે: રાહુલ ગાંધી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
જાતિગત વસતી ગણતરી દેશ માટે 'એક્સ-રે' નું કામ કરશે: રાહુલ ગાંધી 1 - image

Image Source: Twitter

- તેલંગાણામાં માત્ર એક પરિવારનું રાજ છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2023, ગુરુવાર

Rahul Gandhi in Telangana:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આજે તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણાના ભૂપાલપલ્લીથી પન્નૂર ગામ સુધી કોંગ્રસની એક ચૂંટણી રેલીમાં લોકોને સંબોધિત કરતા રાહુલે બીજેપી, બીઆરએસ અને AIMIM પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, કેસીઆર ચૂંટણીમાં હારી જશે. આ લડાઈ રાજા અને પ્રજાના વચ્ચેની છે. તમે ઈચ્છતા હતા કે, તેલંગાણામાં જનતાનું રાજ આવે પરંતુ અહીં માત્ર એક પરિવારનું રાજ બની ગયુ છે. 

રાહુલે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, તેલંગાણામાં માત્ર એક પરિવારનું રાજ છે. સીએમનો જનતા સાથે કોઈ મતલબ નથી. દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર તેલંગાણામાં જ છે. તેમણે કહ્યું કે, બીજેપી, બીઆરએસ અને AIMIM ત્રણેય મળેલા છે. તેલંગાણાના મુખ્યમંત્રી પાછળ CBI કે ED કેમ નથી આવતી. દેશમાં હાલમાં EDને લઈને ખૂબ જ રાજકારણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોનું કહેવું છે કે, EDને જાણી જોઈને વિપક્ષી નેતાઓ પાછળ લગાવવામાં આવી રહી છે. 

જાતિગત વસતી ગણતરી 'એક્સ-રે' નું કામ કરશે

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, જાતિગત વસતી ગણતરી દેશ માટે એક્સ-રેનું કામ કરશે. જ્યારે હું જાતિગત વસતી ગણતરીની વાત કરું છું ત્યારે ન તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંઈ બોલે છે અને ન તો તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર કંઈ બોલે છે. તાજેતરમાં બિહારમાં જાતિગત વસતી ગણતરીનો અહેવાલ બહાર આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, રાજ્યની વસતીમાં ઓબીસીનો હિસ્સો 60 ટકાથી વધુ છે. આ જ કારણ છે કે રાહુલે હવે દેશવ્યાપી જાતિગત વસતી ગણતરી કરાવવાની વાત કરી છે. તેઓ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો છે.

રેલીને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે દેશમાં સૌથી મોટો મુદ્દો જાતિગત વસતી ગણતરીનો છે. જાતિગત વસતી ગણતરીથી એ વાતની માહિતા સામે આવશે કે, દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસીઓ અને સામાન્ય વર્ગના લોકો છે અને તેમની કેટલી ભાગીદારી છે. તેમણે કહ્યું કે, આ દેશના એક્સ-રે જેવું છે અને તેનાથી એ પણ જાણી શકાશે કે દેશની સંપત્તિ કેવી રીતે વહેંચાઈ રહી છે.

તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની તો જાતિગત વસતી ગણતરી કરાવીશું

રાહુલે કહ્યું કે, આજે દેશના સૌથી અમીર લોકોનું અબજો રૂપિયાનું દેવું માફ થઈ જાય છે. પરંતુ એક ખેડૂત પોતાની બેંક લોન માફ કરાવવા માંગે છે તો તેને મારીને ભગાડી મૂકે છે. તેમણે કહ્યું કે, દુકાનદારોના ખીસામાંથી જીએસટી નીકળે છે અને અડાણીના ખીસામાં ચાલી જાય છે. આવો દેશ અમને નજી જોઈતો. એટલા માટે જાતિગત વસતી ગણતરી કરાવવી જરૂરી છે. તેના પરથી જાણી શકાશે કે, ભારતમાં કોની કેટલી વસ્તી છે અને કોની પાસે કેટલું ધન છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું.


Google NewsGoogle News