રોહિત વેમુલા કેસમાં મોટો ઘટસ્ફોટ : જાતિની ઓળખ સામે આવવાના ડરથી કર્યો હતો આપઘાત, પોલીસે તપાસ બંધ કરી
Rohit Vemula Suicide Case : વિદ્યાર્થી રોહિત વેમુલાના મોત મામલે હૈદરાબાદ પોલીસ તરફથી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસે તેલંગાણા હાઈકોર્ટમાં આ મામલે ક્લોઝર રિપોર્ટ કરી છે, જેમાં મોટી વાત સામે આવી છે.
2016માં રોહિત વેમુલાએ કરી હતી આત્મહત્યા
કેસની તપાસ બંધ કરતા પોલીસ તરફથી તેલંગાણા હાઈકોર્ટમાં આ દાવો કરાયો છે કે રોહિતને એ ખબર હતી કે તેઓ દલિત ન હતા અને જાતિની ઓળખ સામે આવવાના ડરથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી. જાન્યુઆરી 2016માં રોહિત વેમુલાની આત્મહત્યાના કારણે વિશ્વવિદ્યાલયોમાં દલિતો વિરૂદ્ધ ભેદભાવને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.
આ નેતાઓને મળી ક્લીનચીટ
પોલીસ તરફથી દાખલ કરાયેલી ક્લોઝર રિપોર્ટમાં સિકંદરાબાદના સાંસદ બંડારૂ દત્તાત્રેય, એન.રામચંદર રાવ, કુલપતિ અપ્પા રાવ, એબીવીપી નેતાઓ, સ્મૃતિ ઈરાની સહિત કેટલીક મોટી રાજકીય હસ્તીઓને નિર્દોષ સાબિત કરે છે.
પોલીસ તપાસમાં શું આવ્યું સામે?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રોહિતે પોતાની સાચી જાતિ સામે આવવાની ડરથી આત્મહત્યા કરી હતી. તેમણે ખુદને અનુસૂચિત જાતિથી સંબંધિત નહોતા ગણાવ્યા. રોહિતને ડર હતો કે તેમની જાતિનું સત્ય બહાર આવશે, કારણ કે તે અનુસૂચિત જાતિથી નહોતા આવતા. પોલીસે પોતાનો રિપોર્ટ તેલંગાણા હાઈકોર્ટને સોંપ્યો છે અને કહ્યું છે કે, રોહિતને ખબર હતી કે તેમની માતાએ તેમને અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ અપાવ્યું હતું.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે, રોહિત વેમુલા આ સર્ટિફિકેટ દ્વારા પોતાની એકેડિમિક ઉપલબ્ધિઓ હાંસલ કરી અને આગળ વધી રહ્યો હતો. પોલીસના અનુસાર, રોહિત વેમુલાને ડર હતો કે જો તેમની જાતિનું સત્ય સામે આવશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. પોલીસના અનુસાર, રોહિત વેમુલાને સતત એ ડર સતાવી રહ્યો હતો.
શું હતો રોહિત વેમુલાનો મામલો?
17 જાન્યુઆરી 2016ના રોજ રોહિત વેમુલાએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં પોતાના હોસ્ટેલ રૂમમાં આપઘાત કરી લીધો હતો. આ આપઘાત બાદ દેશભના વિશ્વવિદ્યાલયોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. રોહિત વેમુલા આંબેડકર સ્ટૂડેન્ટ્સ એસોસિયેશન નામના સંગઠનના સભ્ય હતા. તેઓ હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના તે પાંચ વિદ્યાર્થીઓમાં સામેલ હતા, જેમને હોસ્ટેલથી હાંકી કઢાયા હતા.
રોહિત સહિત પાંચ વિદ્યાર્થીઓ પર વર્ષ 2015માં આરોપ લાગ્યો હતો કે તેમણે ABVPના સભ્ય પર હુમલો કર્યો હતો. યુનિવર્સિટીએ પોતાની પ્રાથમિક તપાસમાં પાંચેય વિદ્યાર્થીઓને ક્લીનચીટ આપી દીધી હતી, પરંતુ બાદમાં પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.