તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, 7 ડિસેમ્બરે લેશે શપથ, કોંગ્રેસનું સત્તાવાર એલાન
રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરે સવારે 11.00 કલાકે મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરશે
નાયબ CM તરીકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉત્તમકુમાર રેડ્ડી અને ભટ્ટી વિક્રમાર્ક પર મહોર
હૈદરાબાદ, તા.05 નવેમ્બર-2023, મંગળવાર
Telangana CM : તેલંગણાના નના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના રેવંત રેડ્ડી (Anumula Revanth Reddy) ના નામની કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. મહત્વનું છે કે, તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 64 બેઠકો જીતીને 10 વર્ષથી સત્તા ભોગવી રહેલા BRSને સત્તામાંથી ઉખેડી ફેંકી હતી. ગત બે ચૂંટણીમાં બમ્પર બેઠકો મેળવનાર BRSએ આ વખતે માત્ર 39 બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો છે. જ્યારે ભાજપે માત્ર 8 બેઠકો મેળવી હતી.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે આ એલાન મંગળવારે (3 ડિસેમ્બર) કરતા કહ્યું કે, રેવંત રેડ્ડી પાર્ટી ધારાસભ્ય દળના નેતા નિમાયા છે.
કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરતા કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક સોમવારે (4 ડિસેમ્બર)એ હૈદરાબાદમાં થઈ. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સહિત અન્ય નેતા મીટિંગમાં સામેલ થયા. સીએલપી મીટિંગમાં બે-ત્રણ પ્રસ્તાવ થયા. જેમાં તેલંગાણાના લોકો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર માન્યો. બેઠકના રિપોર્ટ અને ચર્ચા જાણ્યા બાદ ખડગેએ રેવંત રેડીને ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા.
મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડી દાવેદાર
તેલંગણામાં રેવંત રેડ્ડીની મહેનતના કારણે કોંગ્રેસે ભવ્ય જીત સાથે સત્તા મેળવી હોવાનું મનાય છે. આ સિવાય મુખ્યમંત્રી પદ માટે પણ સૌથી વધુ તેમનું જ નામ ચર્ચાઈ રહ્યું હતું. રેવંત રેડ્ડી તેલંગણાના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે. રેડ્ડી તેલંગણામાં કોંગ્રેસના તે 3 લોકસભા સાંસદોમાં સામેલ છે, જેમણે 2019માં જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પણ રેવંત રેડ્ડી કામારેડ્ડી વિધાનસભા બેઠક પર તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (CM K. Chandrashekar Rao) સામે લડ્યા, જોકે ભાજપના ઉમેદવારો બંનેને માત આપી દીધી છે.
કોણ છે રેવંત રેડ્ડી ?
અવિભાજીત આંધ્રપ્રદેશના મહબૂબનગરમાં 1969માં જન્મેલા રેવંત રેડ્ડીએ રાજકીય શરૂઆત ABCPથી કરી હતી. ત્યારબાદ તેઓ ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ની તેલુગુ દેશમ પાર્ટીમાં સામેલ થયા હતા. 2009માં તેઓ આંધ્રની કોડાંગલમાંથી TDPની ટિકટ પર ધારાસભ્ય બન્યા હતા. 2014માં તેઓ તેલંગણા વિધાનસભામાં ટીડીપીના ગૃહ નેતા બન્યા હતા. 2017માં રેવંત રેડ્ડી કોંગ્રેસમાં સામેલ થયા, જોકે તેઓ 2018માં વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસે તેમને 2019 લોકસભા ચૂંટણીમાં મલકાજગિરિથી ટિકિટ આપી, જેમાં તેમનો વિજય થયો. 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી આપી પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા.