Get The App

તારામાં કોમનસેન્સ નથી...!, મંત્રીએ જાહેરમાં મહિલા કલેક્ટરને તતડાવ્યા, VIDEO વાયરલ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
તારામાં કોમનસેન્સ નથી...!, મંત્રીએ જાહેરમાં મહિલા કલેક્ટરને તતડાવ્યા, VIDEO વાયરલ 1 - image


Ponguleti Srinivasa Reddy: તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી વિવાદોમાં ઘેરાયા છે. શુક્રવારે કરીમનગરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જિલ્લા કલેક્ટર પમેલા સતપથીને જાહેરમાં તતડાવ્યા અને તેમના 'કોમનસેન્સ' પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

મહિલા કલેક્ટર પર કેમ ગુસ્સે થયા મંત્રી?

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા, જેઓ કરીમનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં પ્રોટોકોલને લઈને ગડબડ થઈ હતી, જેના કારણે મંત્રી રેડ્ડી ગુસ્સે થઈ ગયા અને બધાની સામે મહિલા કલેક્ટરને તતડાવ્યા હતા. તેમણે ગુસ્સામાં કહ્યું કે, તમે કરી શું રહ્યા છો? શું તમારામાં કોમનસેન્સ પણ નથી? કલેક્ટર પમેલાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મંત્રી રેડ્ડીએ તેમની વાત સાંભળ્યા વિના જ તેમને ઠપકો આપવાનું ચાલુ રાખ્યું.


બીઆરએસ નેતા કવિતાએ સખત નિંદા કરી

હવે આ ઘટનાનો વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. મંત્રીની આ હરકત પર નેતાઓ અને સામાન્ય લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. બીઆરએસ નેતા અને મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કવિતાએ આ ઘટનાની સખત નિંદા કરી અને તેને શરમજનક અને અસ્વીકાર્ય ગણાવી છે. કવિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'મંત્રીનું આ વર્તન માત્ર મહિલા કલેક્ટરનું અપમાન નથી પરંતુ સમગ્ર વહીવટી માળખાનું પણ અપમાન છે. સત્તામાં ઘમંડ અને મહિલાઓ પ્રત્યે દ્વેષભાવ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.'

આ પણ વાંચો: વિશ્વનું એક અનોખું મંદિર, જ્યાં લોકો માનતા પૂર્ણ કરવા ભગવાન શિવને અર્પણ કરે છે જીવતા કરચલા

કવિતાએ કોંગ્રેસ પાર્ટી પાસે મંત્રી રેડ્ડી સામે કાર્યવાહી કરવાની માગ કરી. તેમણે કહ્યું કે, અમે આ આદરણીય મહિલા કલેક્ટરની સાથે મજબૂત રીતે ઊભા છીએ અને મંત્રી અને કોંગ્રેસ પાર્ટી પાસેથી જવાબદારીની માંગ કરીએ છીએ.

લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી

સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે લોકોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે, મહિલા અધિકારીઓનું આ પ્રકારનું અપમાન સરકારની અસંવેદનશીલતા દર્શાવે છે. બીજી તરફ અન્ય ઘણા યુઝર્સે મંત્રીને તેમના પદ પરથી હટાવી દેવાની માગ કરી છે.

આ ઘટના માત્ર વહીવટી ભૂલ તરફ જ ઇશારો નથી કરતી પરંતુ સત્તામાં બેઠેલા લોકો તેમના વર્તનમાં કેટલા જવાબદાર છે તે પણ દર્શાવે છે. 


Google NewsGoogle News