ઓવૈસીના ગઢમાં ચૂંટણી લડશે સાનિયા મિર્ઝા? આ પક્ષ ટિકિટ આપે તેવી અટકળો
Sania Mirza against Asaduddin Owaisi: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં મળતી માહિતી મુજબ હૈદરાબાદની રાજનીતિમાં આ વખતે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ ચૂંટણીમાં ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝાને ચૂંટણીમાં હૈદરાબાદથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી સામે મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહ્યા છે.
અઝહરુદ્દીને પ્રસ્તાવ મૂક્યો છે
કોંગ્રેસ પાર્ટીના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદથી સાનિયા મિર્ઝાને ટિકિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મોહમ્મદ અઝહરુદ્દીનના લગ્ન સાનિયાની નાની બહેન અનમ મિર્ઝા સાથે થયા હતા, આમ તેના સાનિયા મિર્ઝા સાથે પારિવારિક સંબંધ છે.
હૈદરાબાદ લોકસભા બેઠકનું વિશેષ મહત્ત્વ
હૈદરાબાદ તેના સમૃદ્ધ સંસ્કૃતિક વારસા અને વિવિધ વસ્તી વિષયક લાક્ષણિકતાઓના કારણે જાણીતું છે તેમજ આ જ કારણોસર આ લોકસભા બેઠકનું પણ વિશેષ મહત્ત્વ છે. આ બેઠક હંમેશા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)નો ગઢ રહી છે. જોકે, તાજેતરમાં આ વિસ્તાર કોંગ્રેસ માટે ઘણો સારો સાબિત થયો છે જેમાં AIMIMને મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો છે. આ મામલે હૈદરાબાદનું મેદાન આ વખતે ખાસ બન્યું છે.
અસદુદ્દીન ઓવૈસીનો ગઢ છે હૈદરાબાદ
આ પહેલા કોંગ્રેસે છેલ્લી વખત હૈદરાબાદ સીટ 1980માં જીતી હતી જ્યારે કેએસ નારાયણ અહીંથી જીત્યા હતા. આ પછી 1984માં સુલતાન સલાહુદ્દીન ઓવૈસીએ આ સીટ અપક્ષ તરીકે જીત મેળવી હતી અને બાદમાં 1989 થી 1999 વચ્ચે તેઓ AIMIMની ટિકિટ પર અહીંથી સાંસદ બન્યા હતા. આ પછી, સુલતાન સલાહુદ્દીનના મોટા પુત્ર અસદુદ્દીન ઓવૈસી પાર્ટીનો ચહેરો બન્યા અને ત્યારથી તેઓ સતત અહીંથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. 2019ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીને 5.17 લાખ વોટ મળ્યા હતા, જે કુલ વોટ ટકાવારીના 59 ટકા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ફિરોઝ ખાનને અહીંથી માત્ર 49 હજાર મત મળ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં હોવાથી આ વખતે કોંગ્રેસ હૈદરાબાદમાં પોતાની જીતનો લાભ ઉઠાવવા માંગે છે. પરંતુ તે એટલું સરળ નહીં હોય કારણ કે તે હૈદરાબાદ લોકસભા હેઠળ આવતી વિધાનસભા બેઠકો પર સફળ રહી ન હતી અને AIMIMએ 7માંથી 6 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે એક બેઠક પર જીત મેળવી હતી.
સાનિયા મિર્ઝા માટે પડકાર
રાજકીય વિશ્લેષકો માને છે કે કોંગ્રેસ પાર્ટી સાનિયા મિર્ઝાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માંગે છે. સાનિયા મિર્ઝા ભારત રાષ્ટ્ર સમિતિ હેઠળ હૈદરાબાદ શહેરની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેમજ તે એક લઘુમતી સમુદાયની મહિલા છે, આ સંદર્ભમાં તે પાર્ટી માટે યોગ્ય ઉમેદવાર છે. જોકે, સાનિયા મિર્ઝા પર ચર્ચા બાદ AIMIM નેતાઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું માનવું છે કે હૈદરાબાદ સીટ AIMIM માટે યોગ્ય છે. સાનિયા મિર્ઝાનું નામ સામે આવ્યા બાદ શહેરના લોકોમાં ભારે ઉત્સુકતા છે. ચોક્કસપણે, તે ખૂબ જ લોકપ્રિય છે પરંતુ જો તે રાજકારણના ક્ષેત્રમાં આવે છે તો તે તેના માટે નવું છે અને તેનો સામનો એક પીઢ વ્યક્તિ સાથે થવાનો છે. તેથી તે તદ્દન પડકારરૂપ બની શકે છે.