તેલંગણા સરકારે અદાણી જૂથના રૂ. 100 કરોડનું દાન ફગાવી દીધું
- અદાણીએ યંગ ઇન્ડિયા સ્કીલ યુનિવર્સિટી માટે ફંડની ઓફર કરી હતી
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી વિરુદ્ધ કડક વલણ અપનાવતાં મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીનો નિર્ણય
નવી દિલ્હી : અદાણી મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમિયાન તેલંગણાની કોંગ્રેસ સરકારે અદાણી ગુ્રપ દ્વારા ઓફર કરવામાં આવેલા ૧૦૦ કરોડ રૂપિયા નહીં લેવાનો નિર્ણય લીધો છે.
તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે યંગ ઇન્ડિયા સ્કીલ યુનિવર્સિટી માટે અનેક કંપનીઓએ ફંડની ઓફર કરી હતી. આ જ સંદર્ભમાં અદાણી ગુ્રપે પણ ૧૦૦ કરોડ રૂપિયા ઓફર કર્યા હતાં. જો કે હવે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે અદાણી ગુ્રપની તરફથી ઓફર કરવામાં આવેલા ફંડનો સ્વીકાર કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે અમેરિકન તપાસ એજન્સીની તરફથી અદાણી ગુ્રપ પર પ્રશ્રો ઉઠાવવામાં આવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અદાણી પર સતત પ્રહારો કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો મૂક્યા હતાં.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગૌતમ અદાણીને બચાવવાના આરોપ મૂકતા જણાવ્યું હતું કે તે દરરોજ આ મુદ્દાને ઉઠાવશે. આ સાથે જ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અદાણીને દેશમાં મળેલા તમામ કોન્ટ્રાક્ટની તપાસ થવી જોઇએ.
આ પત્રકાર પરિષદમાં પત્રકારોએ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ અદાણીના મોટા પ્રોજેક્ટ છે અને તેલંગણાની કોંગ્રેસ સરકારે તો યંગ ઇન્ડિયા સ્કીલના નામે અદાણી ગુ્રપ પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા લેવાની ઓફર સ્વીકારી છે.
રાહુલ ગાંધીના કડક વલણ પછી તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ અદાણી ગુ્રપ પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા નહીં લેવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાને જણાવ્યું છે કે આ સંદર્ભમાં અદાણી જૂથને પત્ર લખી જાણ કરી દેવામાં આવી છે. તેલંગણા સરકારના ઔદ્યોગિક સંવર્ધન કમિશનરના વિશેષ મુખ્ય સચિવ જયેશ રંજને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. પ્રીતિ અદાણીને આ સંદર્ભમાં એક પત્ર લખ્યો છે.