સાઉથ ગ્રૂપ સાથે લિંક, 100 કરોડની લાંચ... જાણો દિલ્હી લિકર કૌભાંડમાં કવિતાની ધરપકડ કેમ કરાઈ?

કવિતા અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી મુજબ 100 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હોવાનો આક્ષેપ

KCRની પુત્રી કે.કવિતા લિકર ઉદ્યોગપતિઓના ‘સાઉથ ગ્રૂપ’ લોબી ગ્રૂપમાં સામેલ હોવાનો ઈડીનો દાવો

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
સાઉથ ગ્રૂપ સાથે લિંક, 100 કરોડની લાંચ... જાણો દિલ્હી લિકર કૌભાંડમાં કવિતાની ધરપકડ કેમ કરાઈ? 1 - image


Delhi Excise Policy Liquor Scam : ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના લિકર પોલિસી કૌભાંડમાં વધુ એક મોટી ધરપકડ કરી છે. ઈડીએ આ કેસમાં તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી કે.કવિતા (K Kavitha)ની આજે ધરપકડ કરી છે. કથિત લિકર કૌભાંડમાં આ ત્રીજી મોટી ધરપકડ છે. અગાઉ ઈડીએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ની ધરપકડ કરી છે.

દિલ્હી લિકર કૌભાંડમાં કવિતા કેવી રીતે ફસાઈ?

ઈડીની ટીમે કવિતાની તેમના હૈદરાબાદ સ્થિત નિવાસ સ્થાનેથી ધરપકડ કરી છે અને હવે તેમને દિલ્હી લવાશે. બીઆરએસ નેતા પ્રસંત રેડ્ડીએ કહ્યું કે, કવિતાની ધરપકડ કર્યા પહેલા ઈડીએ દિલ્હીની ફ્લાઈટની ટિકિટ પણ બુક કરાવી હતી. કવિતા ભારત રાષ્ટ્ર સમિતિ (Bharat Rashtra Samithi)ની સાંસદ પણ છે. લિકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કવિતાની ઘણીવાર પૂછરછ કરી છે. એવું કહેવાય છે કે, તેમને બે વખત સમન્સ પાઠવાયું છતાં તેઓ પૂછપરછ માટે હાજર થયા નથી, તેથી ઈડીએ તેમની ધરપકડ કરી લીધી. જોકે આ તમામ બાબતો વચ્ચે એવો પ્રશ્ન થાય છે કે, કવિતા દિલ્હી લિકર કૌભાંડમાં કેવી રીતે ફસાઈ ? તેમની કંઈ આરોપોમાં ધરપકડ કરવામાં આવી?

‘સાઉથ ગ્રૂપ’ સાથે લિંક

ઈડીનો દાવો છે કે, કે.કવિતા લિકર ઉદ્યોગપતિઓના ‘સાઉથ ગ્રૂપ’ લોબીંગ સાથે સંકળાયેલી હતી. દિલ્હી સરકાર દ્વારા લવાયેલ એક્સાઈઝ પોલિસી 2021-22માં સાઉથ ગ્રૂપની મુખ્ય ભૂમિકા હતી. આરોપ છે કે, લિકર કૌભાંડમાં આરોપી વિજય નાયર (Vijay Nair)ને સાઉથ ગ્રૂપ (South Group) દ્વારા કથિત રીતે ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા મળ્યા હતા. આ લાંચ નાયરને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતાઓને પહોંચાડવા માટે અપાઈ હતી. ઈડીએ પૂછપરછ માટે હૈદરાબાદના ઉદ્યોગપતિ અરૂણ રામચંદ્રન પિલ્લઈ (Arun Ramachandra Pillai) અને કવિતાને સામ-સામે બેસાડ્યા હતા. આ મમલે પિલ્લઈની ધરપકડ થઈ ચુકી છે. પિલ્લઈ કવિતાનો નજીકનો હોવાનું કહેવાય છે. જોકે કવિતાએ ત્યારે દાવો કર્યો હતો કે, તેમણે કંઈપણ ખોટું કર્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ તેલંગણામાં ‘બેકડોરથી એન્ટ્રી’ કરી શકતી ન હોવાથી કેન્દ્ર સરકાર ઈડીનો ઉપયોગ કરી રહી છે.

આવી રીતે ફસાઈ કવિતા

ડિસેમ્બર-2022માં ઈડીએ આરોપી અમિત અરોડાના રિમાન્ડ પેપરમાં દાવો કર્યો હતો કે, સાઉથ ગ્રૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને રૂપિયા પહોંચાડવા વિજય નાયર અને અન્ય લોકોને 100 કરોડની લાંચ આપી હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં CBIએ એકાઉન્ટન્ટ બુચીબાબૂ ગોરંતલાની ધરપકડ કરી હતી. ઈડીએ બુચીબાબૂની પણ પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. એવું કહેવાય છે કે, બુચીબાબૂ કવિતાનું એકાઉન્ટ સંભાળતો હતો. ત્યારબાદ ગત વર્ષે માર્ચમાં ઈડીએ અરૂણ રામચંદ્રન પિલ્લઈની પણ ધરપકડ કરી હતી.

કવિતા અને AAP વચ્ચે સમજૂતી

પિલ્લઈએ પૂછપરછમાં કહ્યું હતું કે, કવિતા અને આમ આદમી પાર્ટી વચ્ચે એક સમજૂતી થઈ હતી. સમજૂતી મુજબ 100 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ, જેના કારણે દિલ્હીના લિકર ઉદ્યોગમાં કવિતાની કંપની ‘ઈન્ડોસ્પિરિટ્સ’ને એન્ટ્રી મળી. પિલ્લઈએ એવું પણ કહ્યું કે, એક મીટિંગ યોજાઈ હતી, જેમાં તેઓ, કવિતા, વિજય નાયર અને દિનેશ અરોડા હાજર હતા. આ મીટિંગ બાદ અપાયેલી લાંચની વસૂલી મુદ્દે ચર્ચા થઈ હતી. 

વિજય નાયરને જ 100 કરોડ અપાયા હતા

ઈડીના જણાવ્યા મુજબ, બુચીબાબૂએ જણાવ્યું કે, કે.કવિતા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજ હતી. પૂછપરછમાં પિલ્લઈએ એવું પણ કહ્યું કે, કવિતાએ 19-20 માર્ચ-2021ના રોજ વિજય નાયર સાથે મુલાકાત પણ કરી હતી. કથિત લિકર કૌભાંડમાં ઈડી અને સીબીઆઈ બંને વિજય નાયરની ધરપકડ કરી ચુકી છે. એવો આરોપ છે કે, વિજય નાયરને જ 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.

સાઉથ ગ્રૂપનો અર્થ શું છે ?

ઈડી મુજબ ‘સાઉથ ગ્રૂપ’ એ દક્ષિણના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારોનું ગ્રૂપ છે. આ ગ્રૂપમાં સરથ રેડ્ડી (અરબિંદો ફાર્માના પ્રમોટર), એમ.શ્રીનિવાસુલુ રેડ્ડી (વાઈએસઆર કોંગ્રેસના લોકસભા સાંસદ), તેમના પુત્ર રાઘવ મગુંટા અને કવિતા સામેલ હતા. આ ગ્રૂપનું પ્રતિનિધિત્વ અરૂણ પિલ્લઈ, અભિષેક બોઈનપલ્લી અને બુચીબાબૂ કરતા હતા. લિકર કૌભાંડમાં આ ત્રણેયની ધરપકડ થઈ ચુકી છે.

દિલ્હી લિકર કૌભાંડ શું છે? 

17 નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો.  જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના (Vinai Kumar Saxena)એ મુખ્ય સચિવ પારેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમા સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી. 

દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે ફોડ્યો ભાંડો

દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ બાદ વર્ષ 2022ની આઠ જુલાઈએ કથિત લિકર કૌભાંડનો ખુલાસો થયો હતો. તેમણે રિપોર્ટમાં મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ દિલ્હીના એલજી વી.કે.સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. આ મામલે 17 ઓગસ્ટ-2022ના રોજ કેસ કરાયો હતો. આમાં નાણાંની હેરાફેરીનો આક્ષેપ કરતા ઈડીએ પણ મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ કેસ નોંધ્યો. મુખ્ય સચિવે સિસોદિયા પર ખોતી રીતે પોલિસી તૈપાસ કરવાનો રિપોર્ટમાં આક્ષેપ કર્યો હતો. સિસોદિયા પાસે આબકારી ખાતુ પણ હતું. એવો આક્ષેપ કરાયો હતો કે નવી પોલિસી દ્વારા લાયસન્સ ધરાવતા દારૂના વેપારીઓને અયોગ્ય લાભો અપાયો છે. રિપોર્ટમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, કોવિડના બહાને મનમાની રીતે 144.36 કરોડની લાઈસન્સ ફી માફ કરી દેવાઈ. એરપોર્ટ ઝોનના લાઈસન્સ ધારકો પાસેથી જે રકમ જપ્ત કરવામાં આવવાની હતી, તે 30 કરોડ તેઓને પરત કરી દેવાયા હતા.


Google NewsGoogle News