KCRના દીકરા KTRએ તેલંગાણાના EXIT POLLને હાસ્યાસ્પદ ગણાવ્યાં, ચૂંટણીપંચ સામે તાક્યું નિશાન
એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પર લોકોએ વધુ વિશ્વાસ વ્યક્ત કર્યાનો દાવો
કેટીઆરએ કહ્યું કે મતદાન ચાલતુ જ હતું અને ચૂંટણીપંચે એક્ઝિટ પોલ જાહેર કરવાની મંજૂરી આપી દીધી
Telangana Election 2023 Exit Poll: ગુરુવારે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી અહીં કુલ 63.94 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ન્યૂઝ24 અને ટુડેઝચાણક્ય એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં સૌથી વધુ 49 ટકા SC મતદારોએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે માત્ર 8 ટકા એસસી મતદારોએ ભાજપને મત આપ્યો હતો. તે જ સમયે, 35 ટકા લોકોએ કેસીઆરના બીઆરએસને મત આપ્યો. ચૂંટણી પૂરી થતા જ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે.
તેલંગાણાના મંત્રી શું બોલ્યાં?
તેલંગાણાના મંત્રી અને BRS નેતા કેટીઆર રાવે એક્ઝિટ પોલ અંગે ચૂંટણી પંચ પર પ્રહાર કરતા કહ્યું કે એક્ઝિટ પોલ હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું કે લોકો મતદાન કરી રહ્યા હતા અને ચૂંટણી પંચે સાંજે 5:30 વાગ્યા સુધીમાં તો એક્ઝિટ પોલ જાહેર કરવાની મંજૂરી આપી દીધી જે ખરેખર હાસ્યાસ્પદ છે.
અતાર્કિક એક્ઝિટ પોલ ગણાવ્યો
તેમણે કહ્યું કે આ એક અતાર્કિક એક્ઝિટ પોલ છે. લોકો હજુ પણ મતદાન કરી રહ્યા હતા. જ્યારે લોકો રાત્રે 9 વાગ્યા સુધી મતદાન કરવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે ભારતના ચૂંટણી પંચે સાંજે 5:30 વાગ્યાથી એક્ઝિટ પોલને મંજૂરી આપી દીધી જે હાસ્યાસ્પદ છે. મને લાગે છે કે આ ખૂબ જ હાસ્યાસ્પદ છે. હું અહીં આવ્યો છું કારણ કે હું મારા પક્ષના કેડરને કહેવા માંગતો હતો કે આ બકવાસ પર વિશ્વાસ ન કરશો.
3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે
તેલંગાણામાં 119 વિધાનસભા સીટો માટે ગુરુવારે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની BRS ત્રીજી વખત સત્તા જાળવી રાખવાના લક્ષ્ય સાથે મેદાને ઊતરી હતી, ત્યારે કોંગ્રેસ રાજ્યમાંથી શાસક પક્ષને સત્તા બહાર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. સાંજે 5 વાગ્યે મતદાન સમાપ્ત થતાંની સાથે જ રાજ્યના એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.