2 BHK ઘર, 400 રૂપિયામાં સિલિન્ડર, 5 લાખનો વીમો... BRS પાર્ટીએ ચૂંટણી મેનિફેસ્ટ કર્યો જાહેર

તેલંગણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ સત્તાધારી પાર્ટી BRSએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

KCRએ રાયથુ બંધુ યોજના હેઠળ મળતી રકમ વધારવાની, નિવાસી શાળાઓ બનાવવાની સહિતના વચનો આપ્યા

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
2 BHK ઘર, 400 રૂપિયામાં સિલિન્ડર, 5 લાખનો વીમો... BRS પાર્ટીએ ચૂંટણી મેનિફેસ્ટ કર્યો જાહેર 1 - image

હૈદરાબાદ, તા.15 ઓક્ટોબર-2023, રવિવાર

તેલંગણામાં વિધાનસભા ચૂંટણી (Telangana Assembly Election)ની તારીખોની જાહેરાત થતાં જ સત્તાધારી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બીઆરએસએ ચૂંટણી ઢંઢેરામાં પ્રજાને ઘણા વચનો આપ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં તમામ પાત્ર પરિવારોને રૂ.400માં ગેસ સિલિન્ડર આપવાનું વચન અપાયું છે. ઉપરાંત પાર્ટી રાયથુ બંધુ યોજના હેઠળ મળતી રકમને 10,000 રૂપિયાથી ધીમે ધીમે વધારી 16,000 રૂપિયા પ્રતિવર્ષ કરવાનું પણ વચન અપાયું છે.

5 લાખ રૂપિયામાં વીમો

બીઆરએસ પ્રમુખ કે.ચંદ્રશેખર રાવે (K Chandrashekar Rao - KCR)એ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરતા કહ્યું કે, દિવ્યાંગ લોકો માટે સામાજિક સુરક્ષા પેન્શન 6000 રૂપિયા સુધી વધારવામાં આવશે. ઉપરાંત તેલંગણાના 93 લાખ બીપીએલ પરિવારોને કેસીઆર વીમા યોજનામાં 5 લાખ રૂપિયાનો વીમો મળશે. BRS પરિવાર દીઠ 10 લાખ રૂપિયાની અનુદાનની ‘દલિત બંધુ’ યોજના પણ યથાવત્ રાખશે. ચૂંટણી ઢંઢેરા મુજબ કેસીઆર આરોગ્ય રક્ષા યોજના અને આરોગ્યશ્રી ભીમ યોજનાનો કવરેજ વધારીને 15 લાખ રૂપિયા કરાશે.

હૈદરાબાદમાં બનાવાશે 1 લાખ 2 BHK મકાનો

ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું છે કે, હૈદરાબાદમાં એક લાખ 2 BHK ઘરો બનાવવામાં આવશે અને જમીન ન ધરાવતા લોકોની ઓળખ કરી તેમને ગૃહલક્ષ્મી યોજના હેઠળ મકાનો અપાશે. ઉપરાંત પાર્ટીએ રાજ્યમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે 119 નિવાસી શાળા બનાવવાનું પણ વચન આપ્યું છે.


Google NewsGoogle News