Get The App

હૈદરાબાદ કે ભાગ્યનગર! જાણો તેલંગાણાની રાજધાનીના નામ પર થયેલા હોબાળા પાછળ શું છે ઈતિહાસ?

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના છેલ્લા તબક્કામાં છે. આ દરમિયાન હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાને લઈને રાજકારણ જોરમાં છે

એવામાં તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી. કિશન રેડ્ડીએ કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવામાં આવશે

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
હૈદરાબાદ કે ભાગ્યનગર! જાણો તેલંગાણાની રાજધાનીના નામ પર થયેલા હોબાળા પાછળ શું છે ઈતિહાસ? 1 - image


Was Bhagyanagar really Hyderabad's first name? તેલંગાણા ભાજપના અધ્યક્ષ અને સાંસદ જી. કિશન રેડ્ડીએ કહ્યું, હૈદરાબાદનું નામ કેમ ન બદલવું જોઈએ? હૈદર કોણ છે? હૈદર ક્યાંથી આવ્યો? હૈદરનું નામ જરૂરી છે? ભાગ્યનગર એક જૂનું નામ છે. નિઝામ યુગ દરમિયાન નામ બદલવામાં આવ્યું હતું. અમે સત્તામાં આવ્યા પછી હૈદરાબાદનું નામ ભાગ્યનગર રાખીશું. આ સિવાય જી. કિશન રેડ્ડી પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની વાત કરી હતી.

મોદીએ પણ હૈદરાબાદને 'ભાગ્યનગર' કહ્યું હતું

ગયા વર્ષે જયારે હૈદરાબાદમાં જયારે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં પણ પીએમ મોદીએ હૈદરાબાદને 'ભાગ્યનગર' કહ્યું હતું. એવામાં પ્રશ્ન થાય કે શું વાસ્તવમાં હૈદરાબાદનું નામ કોઈ જમાનામાં ભાગ્યનગર હતું? જો હતું તો તેનું પાછળનો તર્ક શું છે?

શું છે તેનો ઈતિહાસ?

15મી સદીમાં તેલંગાણા વિસ્તારમાં અશાંતિ વધતા સુલતાન મુહમ્મદ શાહ બાહમાની બીજાએ સુલતાન કુલી કુતુબ-ઉલ-મુલ્કને અહીં મોકલ્યો. સુલતાન કુલીએ વિસ્તારમાં ફેલાયેલી અશાંતિને શાંત કરી અને પ્રશાસક બન્યા. સુલતાન કુલીએ ગોલકોંડાના કાકટિયા પહાડી વિસ્તારમાં એક બેઝ બનાવ્યો હતો. સદીના અંત સુધી, સુલતાન કુલીએ ગોલકોંડાથી તેલંગાણા પ્રદેશના સુબેદાર તરીકે સેવા આપી હતી.

બહમાની સલ્તનત તેલંગાણા પ્રદેશમાં વિસ્તરી રહી હતી. 1518 સુધીમાં, બહમાની સલ્તનત અહમદનગર, બેરાર, બિદર અને બીજાપુરમાં ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ સુલતાન કુલીએ બહમાની સલ્તનતથી ગોલકોંડાની સ્વતંત્રતા માંગી અને 'સુલતાન કુલી કુતુબ શાહ'ના બિરુદ સાથે ગોલકોંડા સલ્તનતની સ્થાપના કરી. સુલતાન કુલીએ ગોલકોંડાના માટીના કિલ્લાનું પુનઃ નિર્માણ કર્યું અને શહેરનું નામ મુહમ્મદ નગર રાખ્યું.

હૈદરાબાદ કે ભાગ્યનગર?

ગોલકોંડામાં પાણીની અછતને દૂર કરવા માટે 1591માં કુતુબ શાહી વંશના પાંચમા શાસક મુહમ્મદ કુલી કુતુબ શાહે મુસી નદીના કિનારે એક શહેરની સ્થાપના કરી હતી. જે આજે હૈદરાબાદ નામે ઓળખાય છે. એવું કહેવાય છે કે મોહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા જે શહેરની સ્થાપના કરવામાં આવી હતી તેનું નામ 1596માં 'ફરખુંદા બુનિયાદ' રાખવામાં આવ્યું હતું. આ એક પર્શિયન શબ્દ છે, જેનો અર્થ થાય છે 'લકી સિટી'.

એક એવી પણ દલીલ કરવામાં આવે છે કે 'ફરખુંદા બુનિયાદ' માટે સંસ્કૃત શબ્દ 'ભાગ્ય'નો ઉપયોગ થવા લાગ્યો. જેના કારણે આ ફારસી નામ સંસ્કૃત-તેલુગુમાં 'ભાગ્ય નગરમ' બની ગયું.

ભાગ્યમતી નામની પણ એક દલીલ 

જ્યારે પણ હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખવાની ચર્ચા થાય છે ત્યારે 'ભાગમતી' અથવા 'ભાગ્યમતી'નામની દલીલ પણ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ભાગમતી અથવા ભાગ્યમતી વાસ્તવમાં એક નર્તકી હતી. કેટલાક ઈતિહાસકારોના મતે ભાગ્યમતી સુલતાન માટે નૃત્ય કરવા જતી હતી. આ સમય દરમિયાન સુલતાન મુહમ્મદ કુલી કુતુબ શાહ ભાગ્યમતી સાથે પ્રેમમાં પડ્યા અને તેની સાથે લગ્ન કર્યા. ત્યારબાદ ભાગ્યમતીએ ઈસ્લામ સ્વીકારી અને પોતાનું નામ બદલીને હૈદર મહેલ રાખ્યું.

જો કે, આ માટે કોઈ નક્કર પુરાવા નથી. અને ઘણા ઈતિહાસકારો પણ આ વાર્તાને નકારી કાઢે છે. પરંતુ મુહમ્મદ કુલીના દરબારના કવિ મુલ્લા વઝાહીએ તેમના પુસ્તક 'કુતુબ મુશ્ત્રી'માં આ પ્રેમકથાનો ઉલ્લેખ કર્યો છે. 

એવી દલીલ કરવામાં આવે છે કે જ્યારે મુહમ્મદ કુલીને ભાગ્યમતી સાથે પ્રેમ હતો ત્યારે તેણે આ શહેરનું નામ ભાગ્યનગર રાખ્યું હતું. જો કે, પાછળથી જ્યારે ભાગ્યમતીએ ઇસ્લામ સ્વીકારી અને હૈદર મહેલ બની, ત્યારે તેના સન્માનમાં શહેરનું નામ 'હૈદરાબાદ' રાખવામાં આવ્યું હતું.

શું ભાગ્યમતીનું પાત્ર કાલ્પનિક છે?

ભાગ્યમતી અને મુહમ્મદ કુલીનની પ્રેમકથાને મોટાભાગના ઇતિહાસકાર માત્ર કલ્પના માને છે. હૈદરાબાદની સ્થાપના પર રિસર્ચ કરી ચુકેલા રિટાયર્ડ કેપ્ટન પાંડુરંગા રેડ્ડીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુહમ્મદ કુલી અને ભાગ્યમતીની વાત માત્ર કલ્પના જ છે. 

તેનું કારણ આપતા રેડ્ડીએ જણાવ્યું 'કહેવાય છે કે મુહમ્મદ કુલી કુતુબ શાહના પિતા ઈબ્રાહિમ કુતુબ શાહે પ્રખ્યાત જૂનો પુલ બનાવ્યો હતો. મુહમ્મદ કુલી આ પુલ પરથી ભાગ્યમતીને મળવા જતો હતો. પરંતુ ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે આ પુલ 1578માં બનાવવામાં આવ્યો હતો, જ્યારે મુહમ્મદ કુલી કુતુબે 1580માં ગાદી સંભાળી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 14 વર્ષની હતી. તો તે સમયે ભાગ્યમતીની ઉંમર કેટલી હશે?'

ઈતિહાસકારો ભાગ્યમતી અને હૈદરાબાદ કે ભાગ્યનગરના સિદ્ધાંતને કાલ્પનિક માને છે. તેમનું માનવું છે કે આ વાર્તા 1940ના દાયકામાં ફેલાવા લાગી અને પછી તે લોકકથા બની ગઈ હતી.

હૈદરાબાદ કે ભાગ્યનગર! જાણો તેલંગાણાની રાજધાનીના નામ પર થયેલા હોબાળા પાછળ શું છે ઈતિહાસ? 2 - image


Google NewsGoogle News