તેજસ્વી યાદવ સાથે લગ્ન કરવા ખ્રિસ્તી રશેલે કર્યુ ધર્મપરિવર્તન, હવે રાજેશ્વરી યાદવ તરીકે ઓળખાશે
પટના, તા. 10. ડિસેમ્બર, 2021 શુક્રવાર
લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે ગઈકાલે દિલ્હીમાં અચાનક જ અને ગૂપચૂપ રીતે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે.
તેજસ્વી યાદવે એલેક્સિસ ઉર્ફે રશેલ ગોડિન્હો સાથે લગ્ન કર્યા બાદ એવી ચર્ચા શરુ થઈ છે કે, લગ્ન કરવા માટે એલેક્સિસ ઉર્ફે રશેલને ધર્મ પરિવર્તન કરવુ પડ્યુ છે.
રશેલ ખ્રિસ્તી છે અને લાલુ પ્રસાદ યાદવ તેમજ રાબડી દેવી આ બાબતને લઈને તેજસ્વીના લગ્નથી ખુશ નહોતા.આખરે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને રાજી કરવા માટે એલેક્સિસ ઉર્ફે રશેલે ધર્મ પરિવર્તન કરવાની તૈયારી બતાવી હતી.એ પછી લાલુ પ્રસાદ યાદવે લગ્ન માટે મંજૂરી આપી હતી.
ચર્ચા ચાલે છે કે, હવે રશેલનુ નામ રાજેશ્વરી યાદવ કરવામાં આવ્યુ છે.લગ્ન પહેલા હિન્દુ ધર્મ અંગિકાર કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને રશેલે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.
જોકે લાલુ પરિવાર તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ નિવેદન આવ્યુ નથી.દરમિયાન નાના ભાઈ તેજસ્વીના લગ્નમાં પહોંચેલા મોટા ભાઈ તેજપ્રતાપે કહ્યુ હતુ કે, મારો આશીર્વાદ તેમના પર છે અને બહુ જલદી લગ્ન કર્યા હોવાથી ઓછા મહેમાનોને બોલાવી શકાયા છે.
દરમિયાન બિહારમાં તેજસ્વીના લગ્નની ઉજવણી આરજેડીના કાર્યકરોએ કરી હતી.દરમિયાન હવે પટણા જઈને તેજસ્વી યાદવ રિસેપ્શનનુ આયોજન કરે તેવી શક્યતા છે.