‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન
Bihar Assembly Election 2025 : બિહારમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) અને ભાજપ સાંસદ નિશિકાંત દુબે (Nishikant Dubey) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મુખ્મયંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યું કે, ‘બીજા લોકો પર સવાલ ઉઠાવનારાઓએ જવાબ આપવો જોઈએ કે, ચૂંટણી પ્રચારમાં પ્રજાના નાણાંનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે?
ભાજપ સાંસદ સામે કોર્ટના અપમાનનો કેસ થવો જોઈએ : તેજસ્વી
તેજસ્વીએ BJP સાંસદને પણ આડે હાથ લીધા છે. દુબેએ ભારતના મુખ્ય ન્યાયાધીશ પર આપેલા નિવેદન પર તેમણે કહ્યું કે, ‘દુબે વિરુદ્ધ કોર્ટના અપમાનનો કેસ થવો જોઈએ.’ તેમણે બિહારમાં ટેન્ડરમાં કમિશનખોરી ચાલતી હોવાનો ફરી દાવો કર્યો છે અને કહ્યું કે, ‘અમારી સરકાર વખતે કોઈ કૌભાંડ થયું છે, તો તેને સરકાર ઠીક કરે, તમને કોણ ના પાડી રહ્યું છે?
‘નાયબ મુખ્યમંત્રી મગજ વગરની વાતો કરી રહ્યા છે’
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા (Vijay Sinha)એ મંત્રી પદે રહીને તેજસ્વીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, જેનો જવાબ આપતા યાદવે કહ્યું કે, ‘નાયબ મુખ્યમંત્રી પાસે મગજ ક્યાં છે? તેઓ મગજ વગરની વાતો કરી રહ્યા છે. અમે ટેન્ડર કૌભાંડ અંગે ઘણી વખત પ્રશ્નો કર્યા, પરંતુ તેઓએ એક વખત પણ જવાબ આપ્યો નથી. ચૂંટણી પ્રચાર માટે સરકારી નાણાંનો ઉપયોગ થઈ રહ્યો છે, રાજ્યમાં ભ્રષ્ચાચાર ચરમસીમાએ છે. સર્કલ ઓફિસર, બીડીઓ સહિત તમામ સ્તરે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેમ છતાં સરકાર કોઈ કાર્યવાહી કરી રહી નથી.