લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપની તબિયત લથડી, છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા
- આ અગાઉ જુલાઈ 2023માં પણ તેજ પ્રતાપ યાદવની તબિયત બગડી હતી
Image Source: Twitter
પટના, તા. 15 માર્ચ 2024, શુક્રવાર
બિહારના પૂર્વ મંત્રી અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેજ પ્રતાપને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ થઈ હતી ત્યારબાદ તેમને તાત્કાલિક પટનાના રાજેન્દ્ર નગર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર્સની ટીમ તેજ પ્રતાપની સારવાર કરી રહી છે. તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં તેઓ ઓક્સિજન માસ્ક પહેરેલા નજર આવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે તેજ પ્રતાપ પોતાના ઘર પર હતા ત્યારે જ તેમને છાતીમાં દુ:ખાવો થયો અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગુરુવારે તેજ પ્રતાપ યાદવ બક્સર જિલ્લાની મુલાકાતે હતા ત્યાં તેમને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને પછી કૃષ્ણબ્રહ્મમાં જ્ઞાન બિંદુ લાઈબ્રેરીનું ઉદ્ધાટન પણ કર્યું હતું.
આ અગાઉ જુલાઈ 2023માં પણ તેજ પ્રતાપ યાદવની તબિયત બગડી હતી. ત્યારે તેમને પટનાના કંકડબાગ સ્થિત મેડીવર્સલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ICUમાં થોડો સમય સારવાર કર્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી.
તેજ પ્રતાપ યાદવ બિહારની હસનપુર વિધાનસભા સીટથી આરજેડીના ધારાસભ્ય છે. રાજ્યમાં જ્યારે નીતિશ કુમાર અને આરજેડીની ગઠબંધન સરકાર હતી ત્યારે તેઓ સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી હતા. આ પહેલા તેઓ બિહારના સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.