ટેકનોલોજી કંપનીઓએ ઓગસ્ટમાં 27 હજારને પાણીચું પકડાવ્યું
- ગયા મહિને 40થી વધુ ટેક કંપનીઓએ છટણી કરી
- 2024માં અત્યાર સુધીમાં વિશ્વમાં કુલ 1.36 લાખ ટેક પ્રોફેશનલ્સે નોકરીથી હાથ ધોવા પડયા
નવી દિલ્હી : ટેકનોલોજી સેક્ટરમાં છટણીની સુનામી આવી છે. સમગ્ર વિશ્વમાં આઇટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેના લીધે ઓગસ્ટમાં જ કુલ ૨૭ હજાર લોકોએ નોકરીઓ ગુમાવી છે. ઇન્ટેલ, આઇબીએમ અને સિસ્કો સિસ્ટમ્સ જેવી કંપનીઓએ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. ઓગસ્ટમાં ટેક સેક્ટરમાં ૪૦થી વધુ કંપનીઓએ છટણી કરી છે.
આ વર્ષે અત્યારે સુધીમાં કુલ ૧.૩૬ લાખ ટેક પ્રોફેશનલ્સ છટણીનો શિકાર બન્યા છે. ઓગસ્ટમાં વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપનીઓમાં એક ઇન્ટેલે તેના કુલ વર્કફોર્સના ૧૫ ટકા એટલે કે ૧૫ હજાર કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીએ ૨૦૨૫ સુધીમાં દસ અબજ ડોલરનો ખર્ચ ઘટાડવા માટે આ પગલું ઉઠાવ્યું છે. ખર્ચમાં કાપ અને વ્યૂહરચનામાં ફેરફારના પગલે ઇન્ટેલને આવો નિર્ણય લેવાની ફરજ પડી છે.
તેના પછી નેટવર્કિંગની દુનિયામાં મોટા નામ સિસ્કો સિસ્ટમ્સે પણ છ હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. આમ તે તેના વર્કફોર્સમાં સાત ટકાનો ઘટાડો કરશે.
કંપનીનું ફોકસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાઇબર સિક્યોરિટી સેક્ટર પર છે. આ ઉપરાંત જે મોટી કંપનીઓએ છટણીની જાહેરાત કરી છે તેમા આઇબીએમે ચીનમાં પોતાનું આર એન્ડ ડી ઓપરેશન બંધ કરી હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે.
ડેલે પણ તેના વૈશ્વિક વર્કફોર્સમાં દસ ટકા કાપની જાહેરાત કરી છે. તેના પગલે ૧૨,૫૦૦ કર્મચારીઓને બહારનો રસ્તો બતાડી શકાય છે. ટેકનોલોજી સેક્ટરમાં છટણીનો આ દોર આગળ પણ જારી રહેવાની સંભાવના છે. આ સંખ્યા વધી શકે છે. આ સંજોગોમાં બેરોજગારોની વધતી સંખ્યા મુસીબત બની શકે છે.
આઇટી કંપનીમાં આ વખતે છટણી ૨૦૨૩ના વર્ષમાં ગયા વર્ષ કરતાં ૧૫ ટકા વધારે હતો ૨૦૨૩માં કુલ ૧,૧૫૦ ટેકનોલોજી કંપનીઓએ ૨,૬૦,૦૦૦થી વધુ લોકોની છટણી કરી હતી, એમ લેઓફ એફવાયઆઇના ડેટા જણાવે છે.
એમેઝોને કુલ ૧૬,૦૦૦, માઇક્રોસોફ્ટે ૧૦ હજાર, મેટાએ ૧૦ હજાર અને સેપે આઠ હજાર કર્મચારીની હકાલપટ્ટી કરી હતી. આ વર્ષે જુલાઈ ૨૦૨૪માં પણ ટેકનોલોજી સેક્ટરમાં છટણીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. તેના પરિણામે ૩૪ ટેક કંપનીઓમાં આઠ હજારથી વધુ જોબ લોસ જોવા મળ્યો હતો.
ઇન્ટેલ સીપીયુ ચિપ ક્રાંતિમાં છેલ્લા ૨૫ વર્ષથી આગેવાન હોવા છતાં આવકવૃદ્ધિમાં ઘટાડા માટે તેના સીઇઓ પેટ જેલ્સિંગરે ઊંચા ખર્ચ અને નીચા માર્જિનને જવાબદાર ઠેરવ્યા હતા. કંપનીની વાર્ષિક આવક ૨૦૨૦થી ૨૦૨૩ની વચ્ચે ૨૪ અબજ ડોલર ઘટી છે. જ્યારે આ સમયગાળા દરમિયાન કર્મચારીઓની સંખ્યામાં દસ ટકાનો વધારો થયો છે.
બીજી બાજુએ ડેલે તેની વેચાણ ટીમને રીઓર્ગેનાઇઝ કરતું હોવાથી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યું છે. સેલ્સ એક્ઝિક્યુટિવ્સ બિલ સ્કેનલ અને જોન બાયરને જણાવ્યું હતું કે કંપનીનું મેનેજમેન્ટ વધુ સ્ટ્રીમલાઇન થતું હોવાથી અને તેની અગ્રતાઓ નવેસરથી નક્કી થતી હોવાના લીધે ૧૨,૫૦૦ કર્મચારીની છટણી કરવામાં આવી છે.
કંપની |
કર્મચારી |
ઇન્ટેલ |
૧૫,૦૦૦ |
ડેલ |
૧૨,૫૦૦ |
સિસ્કો |
૬,૦૦૦ |
ઇન્ફીનીયોન |
૧,૪૦૦ |
આઇબીએમ |
૧૦૦૦ |