દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતો પર ટીયર ગેસનો મારો
- 11 મહિનાથી શંભૂ બોર્ડર પર ધરણા કરી રહેલા ધરતીપુત્રો ફરી આંદોલન ઉતર્યા : સરકારને વાટાઘાટો માટે અલ્ટિમેટમ
- શંભૂ બોર્ડર પર કિલ્લેબંધી, પોલીસ કાર્યવાહીમાં આઠ ખેડૂતો ઘાયલ, અંબાલામાં ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાઇ
- ખેડૂતોને આપેલા વચનો કેમ પુરા ના કરાયા : ધનખડ
- ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને બૂસ્ટર ડોઝ આપ્યો : વિપક્ષ
નવી દિલ્હી : ફેબ્રુઆરી મહિનાથી આંદોલનકારી ખેડૂતો પંજાબ અને હરિયાણાની શંભૂ બોર્ડર પર ધરણા પર બેઠા હતા, આ ખેડૂતો હવે ફરી આંદોલન પર ઉતરી આવ્યા છે અને દિલ્હી તરફ કૂચ આગળ વધારી હતી. જોકે તેમને ફેબ્રુઆરીમાં આંસુ ગેસના શેલના મારા દ્વારા રોકવામાં આવ્યા હતા તેવી જ રીતે શુક્રવારે પણ શંભૂ બોર્ડર પર જ અટકાવી દેવાયા હતા. આગળ વધી રહેલા ખેડૂતો પર આંસુ ગેસના શેલનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેને પગલે અનેક ખેડૂતો ઘાયલ થઇ ગયા હતા, અને યુદ્ધના મેદાન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગો સાથે હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે તેમને હરિયાણાની શંભૂ બોર્ડર પર કિલ્લેબંધી કરીને અટકાવી દેવાયા હતા, જે બાદથી ખેડૂતો ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. હવે શુક્રવારે ફરી આ ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. જોકે હરિયાણા પોલીસે શંભૂ બોર્ડર પર પ્રતિબંધો લાગુ કરાયા હોવાનું કહીને તેમને આગળ જતા અટકાવ્યા હતા અને આંસુ ગેસ-વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. જોકે તેમ છતા ખેડૂતો આગળ વધ્યા હતા. આ દરમિયાન તેમના પર અનેક શેલ છોડાયા હતા.
સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મઝદૂર મોરચાએ જથ્થાને તૈયાર કર્યો હતો. જેમાં સામેલ ખેડૂતો આગળ વધતા તેમના પર શેલનો મારો ચલાવાયો હતો. ખેડૂત નેતા સરવણસિંહ પંંધેરે કહ્યું હતું કે સાંજ સુધીમાં આશરે આઠ જેટલા ખેડૂતો ઘવાયા છે. જેમાં બેની સ્થિતિ ગંભીર છે. ૧૦૧ ખેડૂતો મરજીવરાસ છે જેઓ દેશની સેવા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે. ખેડૂતો ઘવાતા અમે હાલ આ જથ્થાને પરત બોલાવી લીધો છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારી સાથે આ મુદ્દે ચર્ચા કરે. પરંતુ ચર્ચા કરવાના બદલે અમારી સાથે એવુ વર્તન કરાઇ રહ્યું છે જાણે અમે કોઇ અન્ય દેશમાંથી આવનારા દુશ્મન હોઇએ. પંજાબીઓ અને ખેડૂતોએ આ દેશ માટે સૌથી વધુ ભોગ આપ્યો છે. હવે અમે રવિવારે ફરી દિલ્હી તરફ કૂચ કરીશું. શનિવાર સુધી અમે સરકાર તરફથી વાતચીતના પ્રસ્તાવની રાહ જોઇશું. બીજી તરફ જેવા ખેડૂતો દિલ્હી તરફ આગળ વધવા નિકળ્યા કે તુરંત જ હરિયાણા સરકારે અંબાલા જિલ્લાના ૧૧ ગામોમાં મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાને સસ્પેન્ડ કરી દીધી હતી. આ પ્રતિબંધ ૯મી તારીખ સુધી લાગુ રહેશે સાથે જ શંભૂ બોર્ડર પર કિલ્લેબંધી કરી દેવાઇ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે મુંબઇમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કૃષિ મંત્રી હું તમને વિનંતી કરવા માગુ છુ કે મહેરબાની કરીને મને જણાવો, ખેડૂતોને શુ વચન આપવામાં આવ્યા હતા? આ વચનો કેમ પુરા કરવામાં ના આવ્યા? ગયા વર્ષે પણ આંદોલન હતું આ વર્ષે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ધનખડના આ નિવેદનને ટાંકીને હવે કોંગ્રેસે કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિના આ સવાલોથી ખેડૂતોને બૂસ્ટર ડોઝ (બળ) મળ્યું છે.