ગુરુ-શિષ્યના સંબંધોને લજવતી ઘટના, લખનઉમાં શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થિની પર 2 વર્ષ દુષ્કર્મ આચર્યું
Teacher Raped Student: લખનઉમાં ગુરૂ-શિષ્યના સંબંધને લજાવતી ઘટના બની છે. એક શિક્ષકે નશીલુ પીણું પીવડાવી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યો હતો. શિક્ષકે આટલેથી જ ન અટકતાં વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી વારંવાર બે વર્ષ સુધી યૌન શોષણ કર્યુ હતું. વધુમાં તે વિદ્યાર્થિની સાથે લગ્ન પણ કર્યા હતા. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી શિક્ષકની અટકાયત કરી છે.
બારમામાં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ
ઓક્ટોબર, 2023માં લખનઉમાં ફિઝિક્સના એક શિક્ષકે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બોલાવી તેને નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ હતું. શિક્ષકે વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો પણ ઉતાર્યો હતો. અને તે વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરતાં શિક્ષકે દબાણમાં આવી વિદ્યાર્થિની સાથે લગ્ન પણ કર્યા હતા.
શિક્ષકે કર્યા બીજા લગ્ન
પીડિતાની ફરિયાદ અનુસાર, શિક્ષક અગાઉથી જ પરિણિત હતો. પીડિતાના પરિવારના દબાણમાં આવતાં તેણે પીડિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે, પીડિતાને આરોપી શિક્ષકની પહેલી પત્ની વિશે બાદમાં જાણ થઈ હતી. આ મામલે પૂછપરછ કરતાં શિક્ષકે પીડિતાને માર પણ માર્યો હતો. અંતે પીડિતાએ પોલીસ સમક્ષ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક જિતેન્દ્રકુમાર શર્માની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તથ્યોના આધારે કાર્યવાહી કરશે.