Get The App

લોકસભા સ્પીકરના પદને લઈને TDPએ મૂકી આવી શરત, વધ્યું ભાજપનું ટેન્શન, શું કરશે નીતિશ કુમાર?

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
લોકસભા સ્પીકરના પદને લઈને TDPએ મૂકી આવી શરત, વધ્યું ભાજપનું ટેન્શન, શું કરશે નીતિશ કુમાર? 1 - image


Image Source: Twitter

Lok Sabha Speaker Election: સતત ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળની NDA સરકારના શપથ ગ્રહણ બાદ સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સત્ર આઠ દિવસ સુધી ચાલશે.  આ સત્રના ત્રીજા દિવસે 26 જૂનના રોજ લોકસભા સ્પીકર પદની ચૂંટણી થશે. આ ચૂંટણી પહેલા વિપક્ષ વારંવાર એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે, એનડીએના સાથી પક્ષમાંથી કોઈ પાસે લોકસભા સ્પીકરનું પદ હોવું જોઈએ.

આ મુદ્દે નીતિશ કુમારના જનતા દળ (યુનાઈટેડ)એ સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપ જે પણ નિર્ણય કરશે તેનું પાર્ટી સમર્થન કરશે. બીજી તરફ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું છે કે ગઠબંધનમાં તમામ પક્ષોની સહમતિથી ઉમેદવારની પસંદગી કરવી જોઈએ.

જેડીયુએ કર્યું હતું સમર્થનનું એલાન

જનતા દળ (યુનાઈટેડ)ના નેતા કેસી ત્યાગીએ શનિવારે કહ્યું હતું કે, જેડીયુ અને ટીડીપી એનડીએમાં સામેલ છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકિત ઉમેદવારનું સમર્થન કરશે. કે. સી. ત્યાગીએ જણાવ્યું કે, JDU (જનતા દળ યુનાઈટેડ) અને TDP (તેલુગુ દેશમ પાર્ટી) NDAમાં મજબૂત સ્થિતિમાં છે. અમે ભાજપ દ્વારા (સ્પીકર માટે) નામાંકિત વ્યક્તિનું સમર્થન કરીશું.

ટીડીપીએ કહી આ વાત

ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા પટ્ટાભિ રામ કોમારેડ્ડીએ કહ્યું કે, ‘સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને જ સ્પીકર પદ મળશે. આ મુદ્દે એનડીએ સાથી પક્ષના નેતાઓ સાથે બેઠક કરીને નક્કી કરશે કે, સ્પીકર માટે અમારો ઉમેદવાર કોણ હશે. તમામની સહમતિ પછી જ ઉમેદવાર નક્કી કરાશે અને ટીડીપી સહિત તમામ સહયોગી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.’

કોંગ્રેસે સાધ્યું હતું નિશાન

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘લોકસભા સ્પીકર પદની ચૂંટણી તરફ માત્ર ટીડીપી અને જેડીયુ જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતા આતુરતાથી જોઈ રહી છે. જો ભાજપના મનમાં આગળ જઈને કોઈ પણ અલોકતાંત્રિક કૃત્ય કરવાનો ઈરાદો ન હોય તો તેમણે સ્પીકરનું પદ સાથી પક્ષને જ આપવું જોઈએ. ગઠબંધન ધર્મને નિભાવતા 1998થી 2004 સુધી અટલ બિહારી વાજપેયીની સરકારમાં ટીડીપી અને શિવસેનાના સ્પીકર હતા અને UPA સરકારમાં 2004થી 2009 સુધી CPI(M) ના સ્પીકર હતા અને લોકસભાનું સારી રીતે સંચાલન કર્યું હતું.’

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ‘ટીડીપી અને જેડીયુને મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ દ્વારા સરકાર તોડવાના કાવતરા ભૂલવા ન જોઈએ. આ પૈકી ઘણાં રાજ્યોમાં તો સ્પીકરની ભૂમિકાને કારણે જ સરકાર પડી ભાંગી અને પક્ષો તૂટી ગયા. 2019માં ટીડીપીના 6માંથી 4 રાજ્યસભાના સાંસદો ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને ત્યારે ટીડીપી કંઈ નહોતી કરી શકી. હવે જો ભાજપ લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખે છે તો ટીડીપી અને જેડીયુએ પોતાના સાંસદોનું હોર્સ ટ્રેડિંગ થતું જોવા માટે તૈયાર રહેવું જોઈએ.’



Google NewsGoogle News