મુખ્યમંત્રી બનીને જ ગૃહમાં પાછો ફરીશ... જેલથી છૂટ્યા બાદ કેવી રીતે કિંગમેકર બન્યા દિગ્ગજ નેતા
Chandrababu Naidu: ચંદ્રબાબુ નાયડુ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓ 1995-2004 અને 2014-2019માં મુખ્યમંત્રી બન્યા હતા. આંધ્રપ્રદેશના સૌથી સફળ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું રાજકીય જીવન કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરનાર TDPના વડાની રાજકીય સફર પર એક નજર કરીએ.
13 વર્ષ અને 247 દિવસ સુધી રહ્યા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી
16 લોકસભા બેઠકો જીતીને મોદી સરકાર 3.0માં મહત્વપૂર્ણ સહયોગી તરીકે ઉભરી આવેલા ચંદ્રબાબુ નાયડુને ભારતીય કે પ્રાદેશિક રાજકારણથી લગભગ દૂર થયાને એક વર્ષ પણ નથી થયું. તેમના સ્વસ્થ થવાની કોઈને આશા ન હતી.
પરંતુ ચૂંટણી દરમિયાન એક રેલીમાં તેમની કરુણ અપીલ કામ કરી ગઈ અને તેમણે વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતી લીધી. 13 વર્ષ અને 247 દિવસ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહીને તેમણે પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કર્યા હતા.
નાયડુએ તેમની પ્રતિજ્ઞા પૂરી કરી
વર્ષ 2021 માં, નાયડુએ પરિવારના સભ્ય વિરુદ્ધ તેમની ટિપ્પણીના વિરોધમાં વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બન્યા પછી જ ગૃહમાં પાછા આવશે. આ પ્રતિજ્ઞા હવે પૂરી થતી દેખાય છે.
નાયડુ 6 મહિના જેલમાં રહ્યા
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાયડુની રાજ્ય CID દ્વારા કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને લગભગ બે મહિના રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં વિતાવવા પડ્યા હતા. લગભગ આઠ મહિના પહેલાં, જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા, ત્યારે કદાચ તેમને રાજકારણમાં પાછા ફરવા માટે પોતાના પર પૂરતો વિશ્વાસ ન હતો.
તેથી જ તેમણે કુર્નૂલમાં એક જાહેર સભામાં આંધ્રપ્રદેશની જનતાને અપીલ કરી હતી કે જો તમે મને અને મારી પાર્ટી પર વિશ્વાસ મૂકીને મને વિધાનસભામાં મોકલશો તો જ આંધ્રપ્રદેશનો વિકાસ જોવા મળશે, નહીં તો આ મારી છેલ્લી ચૂંટણી હશે. આ અપીલ કામ કરી ગઈ અને લોકોએ તેમને સત્તા સોંપી.
પીએચડી અધૂરી છોડીને રાજકારણમાં ઝંપલાવ્યું
ચંદ્રબાબુ નાયડુનો જન્મ દક્ષિણ-પૂર્વ આંધ્રમાં તિરુપતિ પાસેના નાનકડા ગામ નરવરીપલ્લીમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ચંદ્રબાબુ પાંચ ભાઈ-બહેનના પરિવારમાં સૌથી મોટા છે.
તેમના ગામમાં કોઈ શાળા ન હોવાથી, તેમણે નજીકના શેષાપુરમની સરકારી શાળામાંથી પાંચમું ધોરણ અને ચંદ્રગિરીની સરકારી શાળામાંથી બારમું ધોરણ પૂરું કર્યું. જ્યારે તેઓ શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટી કોલેજ ઓફ આર્ટસ, તિરુપતિમાં ગ્રેજ્યુએશન વખતે તેમણે તેમની કોલેજના વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો.
1972 માં ગ્રેજ્યુએટ થઈને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ ચાલુ રાખ્યો. 1974 માં તેમણે પીએચડી પર કામ શરુ કર્યું. પરતું તે અધૂરું છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને પછી આંધ્રપ્રદેશની પ્રાદેશિક પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં ગયા. તેમણે ફિલ્મ અભિનેતા અને પાર્ટીના સ્થાપક એનટી રામારાવની પુત્રી ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા.
નાયડુ પ્રથમ વખત 1978માં ચૂંટાયા હતા
નાયડુ પ્રથમ વખત 1978માં આંધ્રપ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા અને મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 1995 માં, તેઓ તેમના સસરા એનટી રામારાવના રાજકીય બળવા પછી પ્રથમ વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.
નાયડુ 1999માં ફરીથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અને 2004 સુધી પદ પર રહ્યા. 2014માં, આંધ્રપ્રદેશનું વિભાજન કરીને તેલંગાણાની રચના થયા પછી તેઓ ત્રીજી વખત પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. 2019ની વિધાનસભા ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSR કોંગ્રેસ પાર્ટી સામે કારમી હાર બાદ TDP સત્તામાંથી બહાર થઈ ગઈ હતી.
નાયડુએ હૈદરાબાદને સાયબર સિટી તરીકે વિકસાવ્યું
નાયડુના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન તેમની છાપ એક આર્થિક સુધારક અને માહિતી ટેકનોલોજી આધારિત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતા નેતાની રહી છે. નાયડુએ હૈદરાબાદને સાયબર સિટી તરીકે વિકસાવીનેનવી રાજધાની અમરાવતી સહિતના રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન આપ્યું.
રાષ્ટ્રીય રાજકારણમાં પ્રભુત્વ
રાજ્યમાં જીત અને હાર અને રાજકીય ઉથલપાથલ છતાં ચંદ્રબાબુ નાયડુનું વર્ચસ્વ અકબંધ રહ્યું. એચડી દેવગૌડા અને આઈ. કે. ગુજરાલની આગેવાની હેઠળની સરકાર દરમિયાન 1996 અને 1998ની ચૂંટણીઓ દરમિયાન તેમણે સંયુક્ત મોરચાનું નેતૃત્વ કર્યું.
વર્ષ 1998માં ચંદ્રબાબુએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકારને બિનશરતી સમર્થન આપ્યું હતુ. તેઓ એનડીએના સંયોજક પણ હતા.
વૈશ્વિક બિન-રાજકીય થિંક ટેન્કની સ્થાપના
ચંદ્રબાબુ માત્ર રાજકીય જ નહીં પરંતુ વૈશ્વિક નેતા તરીકે પણ પોતાની છાપ છોડવા માંગે છે. તેમણે એનટીઆર મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં મફત શિક્ષણ, બ્લડ ટ્રાન્સફ્યુઝન સુવિધાઓ આપવામાં આવે છે, આરોગ્ય શિબિરોનું આયોજન અને સશક્તિકરણ તેમજ આજીવિકા કાર્યક્રમોને સમર્થન આપવા જેવા કામ આ ટ્રસ્ટ કરે છે.
વર્ષ 2020માં હૈદરાબાદમાં ચંદ્રબાબુ નાયડુએ ગ્લોબલ ફોરમ ફોર સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશન (GFST)ની સ્થાપના કરી. જેનો ઉદ્દેશ અર્થતંત્ર અને સમુદાયોમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે.