મેડિક્લેમ પર પણ લાગે છે GST, ભાજપના જ દિગ્ગજ નેતાની સરકાર સમક્ષ ટેક્સ નાબુદીની માગ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
GST On Insurance


Nitin Gadkari Letter To FM Nirmala Sitharaman: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ત્રીજા કાર્યકાળના પ્રથમ કેન્દ્રીય બજેટને અમુક લોકોએ વધાવ્યું છે, તો ઘણા લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. ઘણી અપેક્ષિત જોગવાઈઓની જાહેરાતો ન કરવામાં આવતાં ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પત્ર લખી લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓના પ્રીમિયમ લાગૂ જીએસટી રદ્દ કરવા અરજ કરી છે. નીતિન ગડકરીએ પત્રમાં લખ્યું છે કે “નાગપુર ડિવિઝનલ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયનના મેમોરેન્ડમ બાદ નાણામંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમાં લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી હટાવવાની માગ કરવામાં આવી છે.

લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જ્યારે લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી વસૂલવો તે જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લાદવા જેવુ છે...“ વધુમાં જણાવ્યું હતું કે 'કર્મચારીઓના યુનિયનનું માનવુ છે કે, જે વ્યક્તિ પોતાના પરિવારની સુરક્ષા માટે જીવનની અનિશ્ચિતતાઓના જોખમોને કવર કરવા ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યો છે, તેના પ્રીમિયમ પર ટેક્સ વસૂલવો યોગ્ય નથી.’

ગડકરીના જણાવ્યા મુજબ, કર્મચારીઓના યુનિયને વધુમાં જણાવ્યું હતું કે, "તે જ રીતે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18% જીએસટી આ બિઝનેસના ગ્રોથમાં પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે. જો કે, આ બિઝનેસ સામાજિક રૂપે આવશ્યક છે... તેથી, કર્મચારીઓના યુનિયન તેમાં લાગૂ જીએસટી પાછો ખેંચી લેવા વિનંતી કરે છે."

આ બેઠક દરમિયાન, કર્મચારીઓના યુનિયને લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા કરવામાં આવતી બચતમાં વિરોધાભાસ, હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ માટે ઈનકમ ટેક્સ કપાતની પુનઃ રજૂઆત અને જાહેર તથા સામાન્ય વીમા કંપનીઓના એકીકરણ અંગે ચિંતા વ્યક્ત કરતાં સંબંધિત મુદ્દાઓ  ઉઠાવ્યા હતાં. નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં, નીતિન ગડકરીએ આગળ લખ્યું હતું કે, "ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી તમને લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર લાગુ જીએસટી દૂર કરવાના સૂચનને પ્રાથમિકતાના ધોરણે ધ્યાનમાં લેવા વિનંતી છે..." 

પ્રીમિયમ ખર્ચ કેવી રીતે વધે છે?

ટર્મ અને મેડિકલ ઈન્સ્યોરન્સના કુલ પ્રીમિયમની રકમ પર GST લાગુ થાય છે. જો તમે મેડિકલ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો છો અને તેનું કવરેજ રૂ. 5 લાખ છે, તો પ્રીમિયમની કિંમત લગભગ રૂ. 11,000 પ્રતિ વર્ષ છે. તેના પર 18 ટકાના દરે જીએસટી વસૂલવાની ગણતરી કરીએ, તો તે [11000/(100 + 18%)] છે એટલે કે દરેક પ્રીમિયમ પર તમારે જીએસટી પેટે રૂ. 1980ની વધારાની રકમ ચૂકવવી પડશે અને તમારું પ્રીમિયમ 12,980 થાય છે. આ રીતે, જીએસટી લાગુ થયા પછી હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદનારાઓ પર રૂ. 1980નો બોજો વધે છે.

  મેડિક્લેમ પર પણ લાગે છે GST, ભાજપના જ દિગ્ગજ નેતાની સરકાર સમક્ષ ટેક્સ નાબુદીની માગ 2 - image


Google NewsGoogle News