'હલ્દવાની ઘટના માટે CM ધામી જવાબદાર', IMCના વડાએ વીએચપી અને બજરંગ દળ પર સાધ્યું નિશાન

વીએચપી અને બજરંગ દળ જેવા સંગઠનો પર અંકુશ લાવવો જોઈએ

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
'હલ્દવાની ઘટના માટે CM ધામી જવાબદાર', IMCના વડાએ વીએચપી અને બજરંગ દળ પર સાધ્યું નિશાન 1 - image


Maulana Taukeer Raza: હલ્દવાની હિંસા અને જ્ઞાનવાપી પર કોર્ટના નિર્ણયનો વિરોધ કરતા ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC)ના વડા મૌલાના તૌકીર રઝાએ બરેલીમાં સામૂહિક ધરપકડ અને જેલ ભરો આંદોલનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઈએમસીના વડા મૌલાના તૌકીર રઝાની ઉત્તર પ્રદેશ પોલીસે અટકાયત કરી હતી. બાદમાં એક પત્રકાર પરિષદ કરીને તૌકીર રઝાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. સાથે જ તેમણે હલ્દવાની ઘટના માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને જવાબદાર ઠેરવ્યા હતા.

વીએચપી અને બજરંગ દળ પર પ્રહારો કરતા મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, 'હલ્દવાની હિંસા માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જવાબદાર છે, તેમની ધરપકડ થવી જોઈએ. અમારા લોકોને બળજબરીથી રોકવામાં આવ્યા છે. અમારા યુવાનોને નિયંત્રણમાં છે. વીએચપી અને બજરંગ દળ જેવા સંગઠનો સત્તાના દમ પર અપ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે. વીએચપી અને બજરંગ દળ જેવા સંગઠનો પર અંકુશ નહીં આવ્યો તો મુશ્કેલી થશે.'

મૌલાના મુફ્તી સલમાન અઝહરીને લઈને ઈએમસીના વડાએ કહ્યું કે, 'જો અમારા નેતા જવાબ આપશે તો દેશની સ્થિતિ બગડી જશે. જો સરકાર રમખાણો ઈચ્છે છે તો અમે તૈયાર છીએ, મારી માગ છે કે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મુક્ત કરવામાં આવે. બુલડોઝરની કાર્યવાહી શા માટે થઈ રહી છે? આરોપીને કોર્ટમાં રજૂ કરો. સુપ્રીમ કોર્ટે બુલડોઝર સામે સંજ્ઞાન લેવું જોઈએ, શાંતિ જાળવવા બુલડોઝરની કાર્યવાહી બંધ થવી જોઈએ.'

મૌલાના તૌકીર રઝા અંગે બરેલી ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક પીસી મીનીએ કહ્યું કે, 'શાંત થયા બાદ મૌલાનાને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.'

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બુલડોઝર ફરતાં સ્થાનિક લોકોએ નગર પાલિકા તેમ જ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી હતી. સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે આ વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. 


Google NewsGoogle News