ખાલિસ્તાની આતંકી પન્નુનો ભારતના મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ, વીડિયો જાહેર કરી ઝેર ઓક્યું
-ટૂંક સમયમાં ભારતમાં નમાઝ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે
નવી મુંબઇ,તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલ્લાની મૂર્તિને અહીં જલદી જ ધામધૂમથી પ્રતિષ્ઠિત કરવામાં આવનાર છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યું છે. આ પહેલા શહેરને સુશોભિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. જેની તૈયારીઓ પણ ધામધુમથી થઇ રહી છે.
આ ક્રમમાં PM મોદી શનિવારે 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. અહીં તેઓ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક પહેલા શનિવારે અયોધ્યાની મુલાકાતે આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસે 15 કિલોમીટર લાંબો રોડ શો પણ કરવાના છે. જે NH-27, ધરમ પથ, લતા મંગેશકર ચોક, રામ પથ, તેઢી બજાર થઈને અયોધ્યા રેલવે સ્ટેશન પહોંચી શકે છે.
PM મોદીના કાર્યક્રમ પહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારતમાં રહેતા મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે અયોધ્યાના મુસ્લિમોને વડાપ્રધાનના રોડ-શોમાં હંગામો મચાવવા અને નવા દેશની માંગ કરવાની અપીલ કરી છે. તાજેતરની ઘટનાઓને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ભારતના મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. પન્નુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અયોધ્યામાં મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. આ વીડિયોમાં કહ્યું કે, “ટૂંક સમયમાં ભારતમાં નમાઝ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. “
પોતાના વીડિયોમાં ભારતીય મુસ્લિમોને ઉશ્કેરતા પન્નુ કહે છે કે, “UPના મુસ્લિમોએ 30 ડિસેમ્બરે અયોધ્યામાં યોજાનાર વડાપ્રધાન મોદીના રોડ શોને નિશાન બનાવો. તમે પણ તમારા માટે નવો દેશ 'ઉર્દૂસ્તાન' બનાવવાની માગણી કરો, નહીંતર ભારતમાં જલ્દી જ નમાઝ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.”