ટેન્કર પલટી ખાતા ફ્યુઅલ રોડ પર ઢોળાયું, લોકો ડોલ ભરી-ભરીને લૂંટી ગયા; પોલીસે સત્ય જાહેર કરતાં જોવા જેવી થઈ!
રાજધાની જયપુરમાં બુધવારે એક વિચિત્ર ઘટના બની. જયપુર-દિલ્હી NH પર એલબીએસ કોલેજની સામે બુધવારે મોડી સાંજે એવિએશન ટર્બાઇન એટલે ઇંધણથી ભરેલું ટેન્કર અન્ય વાહન સાથે અથડાયું હતું. જેના કારણે ટેન્કરના પાછળના ભાગમાંથી ઇંધણ વહેવા લાગ્યું હતું.
મામલો રાજધાનીના કોટપુતલી વિસ્તારનો છે. ટેન્કર હરિયાણાના બલ્લભગઢથી જોધપુરના ફલોદી જઈ રહ્યું હતું. ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટેન્કરની પાછળ મોટો ખાડો પડી ગયો હતો. આ પછી આસપાસના લોકો અને દુકાનદારો ઇંધણ લૂંટવા દોડી ગયા હતા.જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લાઠીચાર્જ કર્યો હતો.
મળતી માહિતી મુજબ,આ અકસ્માત બાદ ઇંધણ લૂંટવા માટે લોકોની કતાર લાગી ગઈ. ટેન્કરના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, આ પ્લેનમાં ભરવા માટેનો ઈંધણ છે અને તરત જ આગ પકડી શકે છે. આ પછી પોલીસે કેમિકલનો છંટકાવ કર્યો હતો.
ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટેન્કરમાં 25 હજાર લીટર ઈંધણ હતું. તેમાંથી 4 હજાર લીટર ઈંધણ વહી ગયું અથવા તો લોકોએ લૂંટી લીધું. આ પછી પોલીસે લોકોને સમજાવ્યું કે, આ પ્લેનમાં ભરવાનું ઈંધણ છે પેટ્રોલ નહીં, જેથી લોકોએ લગભગ 1 હજાર લિટર ઈંધણ પરત કર્યું હતુ. ડ્રાઈવરના કહેવા પ્રમાણે, આ ઈંધણની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે.