સમય આવી ગયો છે, 16-16 બાળકો પેદા કરો...: તમિલનાડુના CM સ્ટાલિને કેમ કહ્યું આવું?
MK Stalin on Population: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વસ્તી વધારવા પર ભાર મુક્યો છે. સીએમ સ્ટાલિને લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. ચેન્નાઈમાં સામૂહિક લગ્ન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવા પરિણીત યુગલો 16-16 બાળકો પેદા કરે.
મુખ્યમંત્રીએ 16 પ્રકારની સંપત્તિ વિષે વાત કરી
સ્ટાલિને સામૂહિક લગ્ન કાર્યક્રમમાં કહ્યું કે, 'અમારા વડીલો પહેલા નવા પરિણીત યુગલોને 16 પ્રકારની સંપત્તિ મેળવવાના આશીર્વાદ આપતા હતા. કદાચ હવે 16 પ્રકારની સંપત્તિને બદલે 16 બાળકો પેદા કરવાનો સમય આવી ગયો છે. જ્યારે વડીલો કહેતા કે,16 સંતાન મેળવો ત્યારે તેમનો અર્થ 16 બાળકો કરવાઓ નહિ પરંતુ 16 પ્રકારની સંપત્તિ મેળવવાનો થતો. 16 સંપત્તિનો ઉલ્લેખ લેખક વિશ્વનાથને તેમના પુસ્તકમાં કર્યો છે. 16 સંપત્તિ એટલે ગાય, ઘર, પત્ની, સંતાન, શિક્ષણ, જિજ્ઞાસા, જ્ઞાન, શિસ્ત, જમીન, પાણી, ઉંમર, વાહન, સોનું, સંપત્તિ, પાક અને પ્રસંશા. પરંતુ હવે કોઈ 16 પ્રકારની સંપત્તિ મેળવવાના આશીર્વાદ નથી આપતા. માત્ર સંતાન અને સમૃદ્ધિ મેળવો એવા જ આશીર્વાદ આપવામાં આવે છે.'
એમ કે સ્ટાલિને આ અંગે વધુમાં કહ્યું કે, 'વડીલો આપણને 16 પ્રકારની સંપત્તિ મેળવવા માટે આશીર્વાદ આપતા હતા. હવે કહેવાય છે કે ‘મર્યાદિત સંખ્યામાં બાળકો પેદા કરો અને સુખી જીવન જીવો’, પરંતુ આજે એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે આપણી સાંસદની બેઠકો ઓછી થઈ રહી છે, આવી સ્થિતિમાં એવી માનસિક સ્થિતિ ઊભી થઈ છે કે મર્યાદિત સંખ્યામાં બાળકો પેદા કરવા કરતા 16 બાળકો જ કેમ પેદા ન કરીએ! આપણે આ ભૂલવું ન જોઈએ.'
ચંદ્રબાબુ નાયડુએ પણ વસ્તી વધારવાની અપીલ કરી
CM સ્ટાલિને ચેન્નાઈમાં માનવ સંસાધન અને CE વિભાગના લગ્ન કાર્યક્રમના ઉદ્ઘાટન સંબોધનમાં આ વાત કહી હતી. અગાઉ, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્ર બાબુ નાયડુએ જાહેરાત કરી હતી કે આંધ્ર પ્રદેશ સરકાર વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહિત કરવાની યોજના બનાવી રહી છે અને દક્ષિણ ભારતીય રાજ્યોના લોકોને વધુ બાળકો પેદા કરવા બાબતે વિચાર કરવા આગ્રહ કરી રહી છે.
આ પણ વાંચો: NCPCRને ઝટકોઃ સરકારી નાણાં-સહાયો પર ચાલતી મદરેસાઓ બંધ કરવાની ભલામણ સુપ્રીમ કોર્ટે ફગાવી
આંધ્રપ્રદેશ સરકાર લાવશે નવો કાયદો
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશમાં યુવાનોની ઘટતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'દક્ષિણ ભારતના રાજ્યોના લોકોએ વધુને વધુ બાળકો પેદા કરવા જોઈએ. અમારી સરકાર યુવા વસ્તી અને વસ્તી દર વધારવા માટે નવો કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત આંધ્રપ્રદેશમાં માત્ર બે કે તેથી વધુ બાળકો ધરાવતા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે. સરકાર ટૂંક સમયમાં આ અંગે કાયદો બનાવવાની યોજના બનાવી રહી છે.'
બંને મુખ્યમંત્રીની વસ્તી વધારવાની વાર પર તર્ક અલગ અલગ
આંધ્રપ્રદેશના ગામડાઓમાં વૃદ્ધોની વધતી જતી વસ્તી અને યુવાનોના અન્ય સ્થળોએ સ્થળાંતરથી ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે જો આમ જ ચાલુ રહેશે તો 2047 સુધીમાં ગંભીર સમસ્યા ઊભી થશે. ઘણા ગામોમાં માત્ર વૃદ્ધોની જ વસ્તી બાકી રહેશે. તેમણે જણાયું હતું કે દેશમાં 2.1 ટકા પ્રજનન દરની સરખામણીએ રાજ્યનો સરેરાશ પ્રજનન દર 1.6 છે. જયારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ખુલ્લેઆમ સંસદીય બેઠકોની સંખ્યા વધારવા માટે વસ્તી વધારવાની વાત કરી છે.