‘ભાજપ સત્તામાં આવશે તો...’ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે 30 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
Police Complaint File Against Rahul Gandhi : રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન આપેલા નિવેદનોનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે તમિલનાડુના ચેન્નઈમાં ભાજપ નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે અલગ-અલગ જિલ્લાની 30 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ નેતા ડૉ. વેંકટેશ મૌર્યએ અમેરિકામાં રાહુલ ગાંધીના અનામત મુદ્દે આપેલા નિવેદન પર ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં મૌર્યએ કહ્યું છે કે, ‘રાહુલ ગાંધીએ જાહેરમાં દાવો કર્યો હતો કે, ભાજપ સત્તામાં આવશે તો એસસી-એસટી અને ઓબીસી અનામત ખતમ કરી દેશે.’
દેશ વિરોધી કલમો હેઠળ ગુનો નોંધવાની માગ
ભાજપ નેતા વેંકટેશ મૌર્યએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું કે, 'વિપક્ષના નેતા અને સાંસદ હોવાના કારણે રાહુલ ગાંધીએ દેશની બહાર આ પ્રકારની વાત ન કરવી જોઈએ. તે દેશની અંદર કંઈ પણ બોલી શકે છે. વિદેશમાં તેઓએ ભારત સરકાર, એસસી-એસટી અને ઓબીસી સંબંધિત દુષ્પ્રચાર કર્યો છે. અમે પોલીસમાં રાહુલ ગાંધીની સામે ફરિયાદ કરીને તેમની સામે દેશ વિરોધી કલમો હેઠળ ગુનો નોંધવાની માગ કરી છે. જરૂર પડે તેમની ધરપકડ પણ થવી જોઈએ. અમે સ્પીકર પાસે પણ માગ કરી છે કે, તેમનું સંસદનું સભ્યપદ રદ કરી દેવું જોઈએ. અમે 30 સપ્ટેમ્બરે ચેન્નઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેઓએ પોતાના નિવેદનને લઈને માફી માંગવી જોઈએ.'
વિવિધ મુદ્દે કરી ટિપ્પણી
અમેરિકા પ્રવાસ સમયે અલગ-અલગ કાર્યક્રમમાં સામેલ થઈને રાહુલ ગાંધીએ દેશમાં અનામતની સાથોસાથ બેકારી, ચીન અને શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વોંશ્ગિટન ડીસીમાં જૉર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરતા સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં કુશળતાની કમી નથી, પરંતુ કુશળ લોકોનું સન્માન નથી થતું.
અનામત પર રાહુલ ગાંધીનું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જ્યારે અનામતને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, 'કોંગ્રેસ તેને ક્યારેય ખતમ કરવાનું નહીં વિચારે, દેશમાં તમામને સમાન અધિકારની તક મળવી જોઈએ. પરંતુ, હાલ ભારતમાં આવી સ્થિતિ નથી.' આ સિવાય રાહુલ ગાંધીએ ભારતની હાલની કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં હતાં અને તેમની નીતિઓની કડક ટીકા પણ કરી હતી.
ભાજપે રાહુલની ટિપ્પણીનો કર્યો વિરોધ
અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનો પર ભાજપે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ નેતાઓનું કહેવું છે કે, રાહુલ હવે ફક્ત એક નેતા અને સાંસદ નથી, તે નેતા પ્રતિપક્ષ છે એવામાં તેઓએ પોતાની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારના નિવેદન આપીને વિદેશમાં ભારતની છબી પર ખરાબ અસર પડી શકે છે.