તમિલનાડુ: વીમાના 1 કરોડ રૂપિયા મેળવવા માટે યુવકે ઘડ્યુ ખતરનાક કાવતરું, પોતાના જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
તમિલનાડુ: વીમાના 1 કરોડ રૂપિયા મેળવવા માટે યુવકે ઘડ્યુ ખતરનાક કાવતરું, પોતાના જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ 1 - image


Image Source: Freepik

- પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા

નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી 2024, મંગળવાર

તમિલનાડુમાં ગl વર્ષે સપ્ટેમ્બરમાં ચેંગલપેટ વિસ્તારના ગામમાં એક ઝૂંપડીમાં આગ લાગી ગઈ હતી અને આ આગમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું. પોલીસે તેને અકસ્માત માનીને તપાસ લગભગ બંધ કરી દીધી હતી પરંતુ બાદમાં પોલીસને કંઈક એવી માહિતી મળી કે તેમણે ફરીથી આ કેસની તપાસ હાથ ધરી. તપાસ શરૂ કર્યા બાદ જે ખુલાસો થયો તેનાથી પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, જે વ્યક્તિને તેઓ મૃત માની રહ્યા હતા તે જીવિત છે અને તેણે પોતાના મૃત્યુનું ષડયંત્ર રચવા માટે પોતાના જ મિત્રની ક્રૂર હત્યા કરી નાખી હતી.

શું છે સમગ્ર મામલો

સુરેશ આર (38 વર્ષ) નામનો યુવક ચેન્નાઈમાં રહીને જીમમાં ફિઝિકલ ટ્રેનરનું કામ કરતો હતો. થોડા દિવસો પહેલા જ તે ચેન્નાઈથી પરત પોતાના ગામ ચેંગલપેટના અલ્લાનૂરમાં આવીને રહેવા લાગ્યો હતો. ગત વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સુરેશ જે ઘરમાં રહેતો હતો ત્યાં આગ લાગી ગઈ હતી. આ આગમાં એક વ્યક્તિનું સળગીને મોત થઈ ગયુ હતું જેને સુરેશની માતાએ પોતાનો પુત્ર ગણાવ્યો હતો. આ અંગે પોલીસે પણ એવું જ માની લીધું હતું કે, મૃતક યુવક સુરેશ જ હતો પરંતુ ડિસેમ્બરમાં પોલીસને માહિતી મળી કે સુરેશ જીવિત છે. જેના આધારે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી.

સુરેશના મૃત્યુ બાદથી ગાયબ હતો તેનો મિત્ર

તપાસ દરમિયાન પોલીસને એ જાણવા મળ્યું કે, સુરેશનો એક મિત્ર દિલ્લી બાબુ એ સમયથી જ ગુમ છે જ્યારે સુરેશનું મોત થઈ ગયુ હતું. બાબુના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસને બાબુના મોટા ભાઈ પલાની પાસેથી જાણવા મળ્યું કે બાબુ અવારનવાર સુરેશના ઘરે જતો હતો અને તેઓ બંને મિત્રો હતા. ત્યારબાદ પોલીસને શંકા જતા પોલીસે એ એંગલથી તપાસ કરી તો જાણવા મળ્યું કે, સુરેશના ઘરમાં આગ લાગી ત્યારે બાબુ એ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો.

પોલીસે કર્યો ખુલાસો

આ વચ્ચે પોલીસને જાણ થઈ કે કોઈકે સુરેશને જોયો છે. તપાસ દરમિયાન પોલીસને હરિકૃષ્ણ વિશે ખબર પડી જે સુરેશનો નજીકનો મિત્ર હતો. તેના પર પોલીસ વેલ્લોરમાં હરિકૃષ્ણના ઘરે પહોંચી જ્યાં પોલીસને હરિકૃષ્ણના પિતા પાસેથી તેનો ફોન નંબર મળી ગયો. આ ફોન નંબરની મદદથી પોલીસ વેલ્લોરના અરક્કોનમ વિસ્તારમાં હરિકૃષ્ણના ઠેકાણા પર પહોંચી હતી. જ્યારે પોલીસ હરિકૃષ્ણના રૂમમાં પહોંચી તો ત્યાં હરિકૃષ્ણની સાથે જ સુરેશ પણ મળી ગયો.

ત્યારબાદ પોલીસે સુરેશની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, સુરેશે પોતાનો એક કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો હતો. તેણે વીમાની રકમ મેળવવા માટે દિલ્લી બાબુની હત્યા કરીને પોતાના મોતનું કાવતરું ઘડ્યું જેથી તેને વીમાના એક કરોડ રૂપિયા મળી શકે. આ કામમાં સુરેશને હરિકૃષ્ણ અને તેના ગામનો જ એક બીજો મિત્ર કીર્તિ રંજનનો પણ સાથ મળ્યો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે. 


Google NewsGoogle News