આ કેવી દાદાગીરી! છેડતીની ફરિયાદ કરવા ગઈ તો પીડિત મહિલા સામે જ વેશ્યાવૃતિનો કેસ નોંધ્યો
Harassment Case: કોલકત્તા કાંડ બાદ દેશભરમાં ચોતરફ ફેલાયેલ જાગૃતિને કારણે હવે મહિલાઓ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હિંમત કરતી દેખાઈ રહી છે પરંતુ આ દેશનું સિસ્ટમ હજી પણ ઉંધમાં જ જણાઈ રહ્યું છે. ચેન્નાઈમાં એક મહિલા જ્યારે છેડતીની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ તો પોલીસે મહિલા પર જ ઉંધો કેસ કરી દીધો છે. મહિલા જ્યારે ઓટોરિક્ષા ચાલકો દ્વારા છેડતીની ફરિયાદ નોંધાવવા પહોંચી તો પોલીસે ફરિયાદ જ ના નોંધી. ઉલટાનું સામે પોલીસે મહિલાની વેશ્યાવૃત્તિના આરોપમાં ધરપકડ કરી લીધી.
મળતી માહિતી મુજબ, હવે આ મામલે તમિલનાડુ રાજ્ય મહિલા આયોગ એક્શનમાં આવ્યું છે.આયોગે કાર્યવાહી કરવાની ભલામણ સાથે બે પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય તપાસની માંગ કરી છે. તમિલનાડુ રાજ્ય મહિલા આયોગે પોલીસ કમિશનર તાંબરમને પત્ર લખીને કહ્યું કે ઉથિરામેરુરની રહેવાસી એક મહિલાએ કમિશનને ફરિયાદ કરી છે કે તેણીએ 9 ઓગસ્ટ, 2023ના રોજ તાંબરમ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને છેડતીની ફરિયાદ કરી હતી. બીજા દિવસે 10 ઓગસ્ટ 2023ના રોજ તે પોતે આ ફરિયાદ મામલે પોલીસ સ્ટેશન ગઈ હતી.
ફોટો પાડવા પર વિરોધ, તો પોલીસે કેસ કરી દીધો :
પોલીસે રીક્ષા ચાલકો દ્વારા છેડતીની મહિલાની ફરિયાદને આધારે કેસ તો ના જ નોંધ્યો. પોલીસે મોબાઈલથી તેનો ફોટો પાડતા મામલો વધુ બિચક્યો. મહિલાએ ફરી વિરોધ કર્યો તો એક પોલીસ અધિકારીએ અપશબ્દો ભાંડ્યા હતા. મહિલા દ્વારા હજી પણ વિરોધ ચાલુ રહેતા સબ ઇન્સ્પેક્ટરે તેને ખોટા આરોપમાં ધરપકડ કરવાની ધમકી પણ આપી. માત્ર ધમકી જ નહિ પરંતુ મહિલાની ખોટા આરોપમાં ધરપકડ પણ કરવામાં આવી હતી અને પાંચ મહિનાની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
મહિલાએ કમિશનને જણાવ્યું કે પોલીસે તેની વિરુદ્ધ વેશ્યાવૃત્તિના આરોપમાં કેસ નોંધ્યો છે. આ મામલે દરમિયાનગીરી કરતા રાજ્ય મહિલા આયોગને જાણવા મળ્યું કે મહિલાની ધરપકડ દરમિયાન જરૂરી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં નહોતું આવ્યું. રાજ્ય મહિલા આયોગે ઈન્સ્પેક્ટર ચાર્લ્સ અને સબ ઈન્સ્પેક્ટર દુર્ગા વિરુદ્ધ વિભાગીય તપાસની ભલામણ કરી છે. આ સાથે પંચે મહિલાને વળતરની પણ ભલામણ કરી છે.