VIDEO: સંપત્તિ માટે સગા દીકરાએ પિતાને ઢોર માર માર્યો, આઘાતના કારણે વૃદ્ધનું નિધન
Image Source: Freepik
Son Beats Father For Property: હાલમાં સોશિયલ મીડિયા પર એક કળયુગી દીકરાની કરતૂતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ માણસ ખુરશી પર બેઠા છે. ત્યાં એક વ્યક્તિ તેમની નજીક આવે છે અને તેમની સાથે મારપીટ કરવા લાગે છે. થોડીક સેકન્ડ સુધી ચાલેલા વિડિયોમાં વ્યક્તિ વૃદ્ધના ચહેરા પર અનેક વાર મુક્કા મારતો નજર આવે છે. એટલું જ નહીં વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિને તેના ચહેરા પર લાત પણ મારે છે. આ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સંપત્તિ માટે સગા દીકરાએ પિતાને ઢોર માર માર્યો છે.
આ વાયરલ વીડિયો તમિલનાડુના પેરમ્બલુર જિલ્લાનો હોવાની માહિતી મળી રહી છે. જ્યાં સંતોષ નામના એક વ્યક્તિએ સંપત્તિ માટે પોતાના 63 વર્ષના વૃદ્ધ પિતા કુલનથાઈવેલુ સાથે મારપીટ કરી છે. આ ઘટના 16 ફેબ્રુઆરીએ બની હોવાની જાણકારી સામે આવી રહી છે. આરોપી પોતાના પિતા પાસેથી સાબુદાણા પ્લાન્ટ સહિતની બાકીની પ્રોપર્ટી પોતાના નામે કરવા કહી રહ્યો હતો. પરંતુ જ્યારે પિતાએ તેના માટે ઈનકાર કરી દીધો તો આરોપી દીકરાએ તેમને ઢોર માર માર્યો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કુલનથાઈવેલુ નામના એક વૃદ્ધ પોતાના ઘરની એક ખુરશી પર બેઠા છે. ત્યારબાદ આરોપી સંતોષ આવે છે અને તેમને માર મારવા લાગે છે. જેના કારણે વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈને ત્યાં જ ઢળી પડે છે. ત્યારબાદ એક વ્યક્તિ ત્યાં આવે છે અને દરમિયાનગીરી કરે છે. એક અહેવાલ પ્રમાણે આ ઘટના બાદ આરોપી પોતાના પિતાને લઈને સારવાર માટે હોસ્પિટલ પણ પહોંચ્યો હતો. પરંતુ આ દરમિયાન પણ તેનો ગુસ્સો શાંત ન થયો અને તેણે ફરીથી પોતાના પિતા સાથે મારપીટ કરી. જેના કારણે 18 એપ્રિલના રોજ કુલનથાઈવેલુનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. અહેવાલ પ્રમાણે કુલનથાઈવેલુ કથિત રીતે આ આઘાત સહન ન કરી શક્યા અને તેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયુ.
આરોપીની ધરપકડ કરાઈ
કુલનથાઈવેલુએ આ ઘટના અંગે અગાઉ પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ થોડા સમય બાદ તેમણે આ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જો કે કુલનથાઈવેલુના મૃત્યુ બાદ પરિવારના અન્ય સભ્યોએ સંતોષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ત્રણ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે IPCની કલમ 323, 324 અને 506 (ii) હેઠળ કેસ નોંધ્યો છે. ત્યારબાદ આરોપી સંતોષની 25 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.