લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તમિલનાડુના સાંસદે ઝેર ગટગટાવ્યું, હાલત ગંભીર
તમિલનાડુના ઈરોડના સાંસદ એ. ગણેશમૂર્તિને પક્ષે ટિકિટ ના આપતા ઝેર ગટગટાવી લીધું હતું. ગણેશમૂર્તિ તેમના નિવાસ સ્થાને બેભાનાવસ્થામાં મળી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, તેમણે જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર છે.
ટિકિટ નહીં મળતા ખૂબ તણાવમાં હતાઃ પરિવાર
ગણેશમૂર્તિના પરિવારે કહ્યું છે કે, ‘આ લોકસભા ચૂંટણીમાં તેમને ડીએમકે તરફથી ટિકિટની આશા હતી, પરંતુ ટિકિટ નહીં મળતા તેઓ ખૂબ તણાવમાં હતા. આ કારણસર તેમણે ઝેર ખાઈ લીધું હતું.’ નોંધનીય છે કે, ગણેશમૂર્તિ ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ તરફથી એમડીએમકેની ટિકિટ પર ઈરોડથી ચૂંટણી લડ્યા હતા. વાઈકોએ 1994માં ડીએમકેમાંથી છૂટા પડીને એમડીએમકેની સ્થાપના કરી હતી.
ડીએમકે મોરચાએ ઈરોડથી ઈ. પ્રકાશને ટિકિટ આપી
ડીએમકે મોરચાએ ઈરોડથી ગણેશમૂર્તિના બદલે યુવા નેતા ઈ. પ્રકાશને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના નજીકના મનાય છે. બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે, વાઈકો પોતાના પુત્ર દુરઈ વાઈકોને રાજકારણમાં પ્રમોટ કરવા માંગતા હતા. આ કારણસર તેઓ ઈચ્છતા હતા કે, એમડીએમકેને ઈરોડના બદલે તિરુચિ બેઠક ફાળવવામાં આવે. એ બેઠક એમડીએમકેને મળે તો તેમના પુત્રની જીત થઈ શકે એમ હતી.
એઆઈડીએમકેના નેતાને જંગી મતોથી હરાવ્યા હતા
વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ગણેશમૂર્તિએ ઈરોડ બેઠક પર એઆઈડીએમકેના જી. મણિમારનને 2,10,618 મતથી હરાવ્યા હતા. ગણેશમૂર્તિ 12મી 13મી લોકસભામાં ઈરોડથી સાંસદ રહી ચૂક્યા છે.