Get The App

તમિલનાડુમાં ભાજપનો ઉદય, શું આ દક્ષિણ ભારતના દ્રવિડ રાજકારણનો યુગ પૂરો થવાની શરૂઆત છે?

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
તમિલનાડુમાં ભાજપનો ઉદય, શું આ દક્ષિણ ભારતના દ્રવિડ રાજકારણનો યુગ પૂરો થવાની શરૂઆત છે? 1 - image


Tamil Nadu Lok Sabha Elections Exit Poll 2024 : લોકસભા ચૂંટણીના મતદાન બાદ હવે એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે, જેમાં દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભાજપનો ઉદય થતો જોવા મળી રહ્યો છે. એનડીટીવીના પોલ ઑફ પોલ્સ મુજબ તમિલનાડુની 39 બેઠકોમાંથી ભાજપને ત્રણ બેઠકો મળવાના અણસાર સામે આવ્યા છે. આ તારણો બાદ રાજ્યમાં દ્રવિડ રાજકારણ ઉપર ભાજપના હિન્દુત્વના રાજકારણની જીત તરીકે જોવામાં આવી રહી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 23 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે તેણે પીએમકે (પટ્ટાલી મક્કમ કાચી)ને 10 બેઠકો અને અમ્મા મક્કમ મુનેત્ર કડગમ (AMMK)ને બે બેઠકો આપી હતી.

ભાજપે 2014માં તમિલનાડુમાં માત્ર એક બેઠક જીતી

આ પહેલા વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપે ચાર અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. તે વખતે ભાજપે રાજ્યના કુલ મતોમાંથી 5.5 ટકા મતો મેળવવાની સાથે એક બેઠક પર જીત મેળવી હતી. કન્યાકુમારી બેઠક પર ભાજપના રાધાકૃષ્ણ પી જીત્યા હતા. જ્યારે તેની સહયોગી પાર્ટી પીએમકે માત્ર એક બેઠક જીતી શકી હતી. પીએમકેએ આઠ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમને કુલ મતદારોના 4.5 ટકા મતો મળ્યા હતા.

2019માં ભાજપની સાથે સહયોગી પાર્ટીઓ પણ નિષ્ફળ

જ્યારે 2019ની ચૂંટણીમાં રાજ્યની દિગ્ગજ પાર્ટી AIDMK ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં જોડાઈ હતી. તે વખતે એઆઈડીએમકેએ 21, પીએમકેએ સાત અને ભાજપે પાંચ બેઠકો પર ઉમેદવારોને ટિકિટ આપી હતી. જોકે 2019માં પીએમકે અને ભાજપ નિષ્ફળ ગયા હતા, જ્યારે એઆઈડીએમકેએ માત્ર એક બેઠક જીતી હતી. પાંચ વર્ષ બાદ ભાજપના વોટ શેરમાં ઘટાડો થયો હતો અને તેને કુલ મતદારોમાંથી 3.7 ટકા મતદારોએ મત આપ્યા હતા.

2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 187 ઉમેદવારોમાંથી એક પણ ન જીત્યા

ત્યારબાદ 2021ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભાજપે 20 બેઠકો પર ચૂંટણી લડી ચાર બેઠકો જીતી હતી. આ દરમિયાન ભાજપને 2.6 ટકા મત મળ્યા હતા. તે પહેલા 2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 187 બેઠકો પર ચૂંટણી લડી હતી, જોકે તે એક પણ બેઠક જીતવામાં સફળ થઈ ન હતી અને ફરી તેના વોટ શેરમાં ઘટાડો થઈ 2.9 ટકા મત મેળવ્યા હતા.

ભાજપને 2024માં તમિલનાડુમાં કેટલી બેઠકો મળી શકે છે?

હવે પાંચ વર્ષ બાદ તમિલનાડુમાં ભાજપ માટે સારા તારણો સામે આવ્યા છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપ રાજ્યમાં ત્રણ બેઠકો જીતી શકે છે. જ્યારે ટુડેજ ચાણક્યના એક્ઝિટ બોલ મુજબ ભાજપે 10 બેઠકો મળવાની સંભાવના છે. આ તારણો દક્ષિણ ભારતમાં ભાજપના ઉદય તરીકે અને દ્રવિડ રાજકારણના યુગની પૂર્ણાહુતી તરીકે જોવામાં આવી  રહી છે.

તમિલનાડુમાં ભાજપની છબી બ્રાહ્મવાદી અને હિન્દુ સમર્થક પાર્ટીની

ભાજપ તરફી આવેલા આ તારણો તમિલનાડુના દ્રવિડ રાજકારણ પર ભાજપના હિન્દુત્વના રાજકારણની જીત તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ રાજ્યની દિગ્ગજ પાર્ટી દ્રવિડને પડકાર ફેંકતી જોવા મળી રહી છે. રાજ્યમાં દ્રવિડ રાજકારણ કરનારા બે પક્ષો ડીએમકે અને એઆઈડીએમકે ભાજપ અને કોંગ્રેસ હંમેશા નીચો દેખાડવાનો પ્રયાસ કરતી રહે છે. અહીં ભાજપની છબી બ્રાહ્મવાદી અને હિન્દુ સમર્થક પાર્ટીની છે, તેથી ભાજપને પગપેસારો કરવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. 

ભાજપે તમિલનાડુમાં અનેક પડકારો જોયા

જોકે તેમ છતાં વર્ષ 1998માં ભાજપે એઆઈડીએમકેના નેતા જયલલિતાના સમર્થનથી જ અટલ બિહારીની સરકાર બનાવી હતી. જયલલિતા બ્રાહ્મણ હતા અને દ્રવિડ રાજકારણ કરતા હતા. જોકે જયલલિતાએ સમર્થન પરત ખેંચી લેતા એક વર્ષ બાદ અટલ બિહાર સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ડીએમકે-ભાજપે ગઠબંધન કર્યું અને ડીએમકેના સમર્થનના કારણે વાજપેયી સરકારે પાંચ વર્ષ સુધી સત્તા જમાવી. ત્યારબાદ વર્ષ 2004ની ચૂંટણીની ઠીક પહેલા ડીએમકેએ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું. આમ ભાજપે તમિલનાડુમાં અનેક પડકારો જોવાની નોબત આવી.

ભાજપ અને AIDMKનું ગઠબંધન કેમ તૂટ્યું?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ આઈપીએસ અધિકારી અન્નામલાઈ દ્રવિડ રાજકારણના મુખ્ય ટીકાકાર છે. તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને દ્રવિડ આંદોલનના નેતા અન્નાદુરઈ વિરુદ્ધ મોરચો ખોલવામાં પણ ખચકાતા નથી અને તેઓ અન્નાદુરઈ વિરુદ્ધ જાહેરમાં શાબ્દિક પ્રહારો કરતા રહે છે. આ જ કારણે એઆઈડીએમકે અને ભાજપનું ગઠબંધન તૂટ્યું હતું. એઆઈડીએમકે અન્નામલાઈએ કરેલી ટિપ્પણીઓથી નારાજ થયું હતું અને તેણે અન્નામલાઈને હટાવવાની માંગ કરી હતી. જોકે ભાજપે (BJP) તેમની વાત ન માની.

ભાજપે ઉત્તર ભારતનો ફોર્મ્યૂલાનો તમિલનાડુમાં ઉપયોગ કર્યો

કે.અન્નામલાઈ (K.Annamalai)એ ઘણી મહેનત કરી દ્રવિડ રાજકારણને ટક્કર આપવા હિન્દુત્વનું રાજકારણ ઉભુ કર્યું છે. તેમના પરિણામે જ તમિલનાડુમાં દ્રવિડ રાજકારણની વિરોધી શક્તિઓ ભાજપ સાથે આવી રહી છે. ભાજપે તમિલનાડુમાં ઉત્તર ભારતનો ફોર્મ્યૂલાનો ઉપયોગ કર્યો છે અને ત્યાં પાર્ટીના મોટા પદો પર અન્ય પછાત વર્ગની મોટી જાતિઓને સ્થાન આપ્યું છે. જેના કારણે ભાજપને તેનો ફાયદો પણ મળતો દેખાઈ રહ્યો છે. ભાજપની ઓળખને કારણે બ્રાહ્મણવાળું ટેગ હટી રહ્યું છે અને પછાતની પાર્ટીનું ટેગ જોડાઈ રહ્યું છે. ભાજપે દ્રવિડ રાજકારણને પડકાર આપવા જ્ઞાતિનું રાજકારણ શોધી લીધું છે. ભાજપ ત્યાં બ્રાહ્મણ અને પછાત જાતિઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો ભાજપ અહીં સફળ થઈ જશે તો રાજ્યમાં ત્રીજી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.

વડાપ્રધાન મોદીએ તમિલનાડુમાં 11 રેલીઓ સંબોધી

તમિલનાડુમાં દબદબો ઉભો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ જોરદાર મહેનત કરી છે. તેમણે 2024માં રાજ્યમાં 11 ચૂંટણી રેલીઓને સંબોધી હતી. તેમણે તમિલનાડુને ધ્યાને રાખી વારાણસીમાં તમિલ સમાગમનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત સંસદની નવી બિલ્ડિંગમાં લવાયેલ સેંગોલ પણ તમિલનાડુથી લવાયું હતું. આ પણ દ્રવિણ રાજકારણ પર હિન્દુત્વના રાજકારણનો એક પ્રકારનો પ્રહાર હતો.


Google NewsGoogle News