VIDEO: ‘છોકરી છે, તું છોકરી છે ?’ ફૂટબોલ મેચ હારતા કોચ સાહેબે ખેલાડીઓ પર લાફા અને લાતો વરસાવી
Teacher in Salem kicks students: સોશિયલ મીડિયાની તાકાત દિવસેને દિવસે વધતી જઈ રહી છે. દરેક વાતને ઉજાગર કરતા તમામ પહેલુંઓ સમાજિક પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે. આજકાલ તમિલનાડુની એક સ્કૂલના ફૂટબોલ કોચનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં એક કોચ સ્કૂલની ફૂટબોલ ટીમના ખેલાડીઓના વાળ પકડીને થપ્પડ મારતો અને લાતો મારતો જોવા મળી રહ્યો છે. બાળકો પરની આ ક્રૂરતા અંગે ચોતરફ ભારે વિરોધ થઈ રહ્યો છે.
તમિલનાડુના આ વાયરલ વીડિયોમાં છોકરાઓ ફૂટબોલ મેચ હારી જતાં કોચ ગુસ્સે થયો અને ટીમના દરેક વિદ્યાર્થીઓને મારી રહ્યો હતો. વીડિયોમાં ફૂટબોલ ટીમના સ્ટુડન્ટ કોચ જમીન પર બેઠેલા છે અને કોચ તેમને લાઇનમાં એક બાદ એકને ઠપકો આપતા અને માર મારતા નજરે પડી રહ્યા છે. કોચ છોકરાઓના વાળ પકડીને લાતો મારીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. વીડિયોમાં ખેલાડીઓની આસપાસ હાજર ભીડ પણ દેખાઇ રહી છે, જે કંઈ પણ બોલ્યા વગર તામશો જોઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના તમિલનાડુના સલેમ જિલ્લાના મેટ્ટુર નજીક એક સરકારી સહાયતા પ્રાપ્ત શાળામાં બની હતી. પોતાના જ વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર શિક્ષકની ઓળખ અન્નામલાઈ તરીકે થઈ છે. કોચ ગોલકીપરને પૂછે છે કે, "શું તું છોકરી છે? તે સામે વાળાને ગોલ કરવા જ કેમ દીધો ?” કોચ ત્યારબાદ બીજાને પૂછે છે, “તે બોલને પોતાના પાસેથી જવા જ કઈ રીતે દીધો? થોડા અમથા પ્રેશરમાં રમી પણ નથી શકતા?” એક ખેલાડીને મારતા-મારતા પૂછે છે કે કોઈ કોમ્યુનિકેશન કેમ ના કર્યું ?
આ વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે. વીડિયો કઈ સ્કૂલનો છે અને ઘટના શું હતી અને વિદ્યાર્થીઓને વધુ ઈજા તો નથી થઈને તે ચકાસ્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 'અમે શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે અને આ મામલે સંપૂર્ણ તપાસ કરીશું.'
લોકોમાં ફૂટ્યો ગુસ્સો: બેન જ કરી દો આવા કોચને
મનફાવે તેમ ફૂટબોલ ટીમના ખેલાડીઓને મારતા કોચનો આ વાયરલ વીડિયો જોઈ લોકો ગુસ્સે થઈ ગયા ચે અને કોચ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. એક યુઝરે લખ્યુંકે, 'આને જેલના સળિયા પાછળ નાંખો.' બીજાએ કહ્યું, 'કમનસીબે, આ પહેલી ઘટના નથી, ભાઈ. હું હજુ પણ જોઉં છું કે યુવા કોચ હાર કે ખરાબ પ્રદર્શન બાદ ખેલાડીઓને જ કોસતા હોય છે. હું મારી શાળાની ટીમ માટે રમતો હતો ત્યારે પણ અમે એક ટૂર્નામેન્ટ હારી જતા કોચ દરેકનું અપમાન કરતા હતા. આજની આ સ્થિતિ જોઈને હજુ પણ દુઃખ થાય છે.’ અન્ય એક યુઝરે તો પોસ્ટ કર્યું કે, 'આ છે કોણ? તેના પર ફૂટબોલ રમવા-શીખવાડવા પર જ પ્રતિબંધ મૂકવો જોઈએ.'