અમે વધુ એક ભાષા યુદ્ધ માટે તૈયાર: તમિલનાડુના CM સ્ટાલિને કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર
Tamil Nadu CM Statement On Language War: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(એનઈપી)ને ધ્યાને રાખી એનડીએના નેતૃત્વવાળી કેન્દ્ર અને તમિલનાડુ સરકાર વચ્ચે ત્રણ ભાષા નીતિનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્ર સાથે કથિત રીતે હિન્દી થોપવા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને મંગળવારે (25 ફેબ્રુઆરી) ચેન્નઈમાં કેન્દ્ર દ્વારા કથિત રૂપે હિન્દી થોપવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું એક અન્ય ભાષા યુદ્ધના બીજ રોપવામાં આવી રહ્યા છે? જેના જવાબમાં સ્ટાલિને કહ્યું કે, 'હા, નિશ્ચિત રૂપે. પરંતુ, અમે તેના માટે તૈયાર છીએ.'
તમિલ અને અંગ્રેજી પૂરતી છે
સત્તાધારી પાર્ટી ડીએકે ત્રણ ભાષા નીતિનો વિરોધ કરી રહ્યા છે અને ભાર મૂકી રહ્યા છે કે, તમિલનાડુમાં તમિલ અને અંગ્રેજી પૂરતી છે. આ સિવાય તેમણે કેન્દ્રમાં રહેલી ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર જબરદસ્તી હિન્દી થોપવાનો આરોપ પણ લગાવ્યો છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા આ આરોપોને નકારી દીધા છે.
લોકસભા સીમાંકન મુદ્દે કરી વાત
સચિવાલયમાં કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં સમયે મુખ્યમંત્રીએ કહ્યું કે, 'લોકસભા સીમાંકન મુદ્દે ચર્ચા કરવા માટે 5 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમિલનાડુને પોતાનું રાજ્ય ગુમાવવાનું જોખમ છે. કારણ કે, રાજ્યએ કુટુંબ નિયોજનના કાર્યક્રમને સફળતાપૂર્વક લાગુ કર્યો છે, જેનાથી જનસંખ્યા નિયંત્રણ થઈ હતી. સીમાંકનના કારણે દક્ષિણી રાજ્યો પર તલવાર લટકેલી છે. રાજ્ય તમામ વિકાસ સૂચકઆંકમાં અગ્રણી હતું. પરંતુ, હવે સીમાંકન બાદ લોકસભા બેઠકો પર હારનું જોખમ સામે છે. કારણ કે, આ પ્રક્રિયા રાજ્યની જનસંખ્યા પર આધારિત છે. તમિલનાડુને કુટુંબ નિયોજન કાર્યક્રમના માધ્યમથી જનસંખ્યા નિયંત્રણમાં સફળતા મેળવી છે. ફક્ત આ જ કારણે તમિલનાડુમાં લોકસભા બેઠકોમાં કાપ મૂકાશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.'
તમિલનાડુનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે
સ્ટાલિને આ વિશે વધુ વાત કરતાં કહ્યું કે, 'અમે આઠ બેઠક ગુમાવવવા જઈ રહ્યા છીએ અને પરિણામે અમારી પાસે ફક્ત 31 સાંસદ હશે, ન કે 39 (વર્તમાન સંખ્યા). સંસદમાં અમારું પ્રતિનિધિત્વ ઓછું થઈ જશે. તમિલનાડુનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચમાં નોંધાયેલા રાજકીય પક્ષોને સર્વપક્ષીય બેઠક માટે નિમંત્રિત કરવામાં આવશે, જેમાં હું રાજકીય મતભેદોને દૂર રાખીને એકતાની અપીલ કરી છું.
તમિલનાડુના અધિકાર માટે પાર્ટી લાઇન મૂકીને બોલવું જોઈએ
આ મુદ્દે વધુ વાત કરતાં તમિલનાડુનાં મુખ્યમંત્રીએ સ્ટાલિને કહ્યું કે NEP, કેન્દ્રીય ભંડોળ અને NEET જેવા મુદ્દાઓ પર સંસદમાં અવાજ ઉઠાવવા માટે પૂરતી સંખ્યામાં સાંસદોની જરૂર છે. આ તમિલનાડુના અધિકારોનો મામલો છે અને તમામ નેતાઓ અને રાજકીય પક્ષોએ પાર્ટી લાઇનથી દૂર હટીને એક સાથે બોલવું જોઈએ.