દક્ષિણ ભારતમાં ભાજપના સુપડા સાફ થઈ જશે!, આ રાજ્યના CM અને કદાવર નેતાની ભવિષ્યવાણી

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
દક્ષિણ ભારતમાં ભાજપના સુપડા સાફ થઈ જશે!, આ રાજ્યના CM અને કદાવર નેતાની ભવિષ્યવાણી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા અને વધુમાં વધુ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં એનડીએ 400 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ભાજપે છેલ્લા એક દાયકાથી તમિલનાડુમાં પોતાનો પગ જમાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. જો કે આ રાજ્યમાં પાર્ટીને હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

તમિલનાડુમાં લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં મતદાન થશે

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું છે કે દક્ષિણ ભારત લોકસભા ચૂંટણીમાં ભાજપના વર્ચસ્વને મોટો ઝટકો આપવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખો નજીક છે અને તમિલનાડુથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનનું આ નિવેદન ઘણું મહત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત 19મી એપ્રિલે મતદાન થવાનું છે.

ભાજપ તમિલનાડુમાં સફળતા મેળવી શક્યું નથી 

ભાજપનો ઉત્તર ભારતના રાજ્યોમાં જેટલો દબદબો છે તેટલો દક્ષિણ ભારતમાં નથી. તમિલનાડુ એ રાજ્યોમાંનું એક છે જ્યાં લાખો પ્રયાસો છતાં ભાજપ સફળતા મેળવી શક્યું નથી. દક્ષિણ ભારતનો કિલ્લો જીતવો હંમેશા ભાજપ માટે મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે. જો કે આ વખતે ભાજપે કેટલીક બેઠકો જીતવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે સ્ટાલિનને દક્ષિણ ભારતમાં ભાજપની એન્ટ્રી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'દેશનો દરેક પરિવાર આ પાર્ટીથી પરેશાન છે.'

ભારતનો દરેક પરિવાર મોદી સરકારથી પરેશાન : ડીએમકે વડા

હકીકતમાં ડીએમકેના વડાને પૂછવામાં આવ્યું હતું કે ભાજપ દક્ષિણમાં પોતાને મજબૂત કરવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેનો સામનો કરવા તમારી પાર્ટી કેટલી તૈયારી કરી રહી છે? આ સવાલના જવાબમાં સ્ટાલિને કહ્યું હતું કે 'સત્ય એ છે કે ભાજપનો ઉત્તર ભારતમાંથી પણ પ્રભાવ ગાયબ થઈ રહ્યો છે. ભારતનો દરેક પરિવાર જનવિરોધી મોદી સરકારથી કોઈના કોઈ રીતે પ્રભાવિત થયો છે.' તમિલનાડુ સીએમએ વધુમાં જણવાવ્યું કે, 'સમાજના તમામ વર્ગો, ખાસ કરીને ગરીબો, ખેડૂતો, વેપારી સમુદાય, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, માછીમારો અને યુવાનો છેલ્લા 10 વર્ષથી ભાજપના કુશાસનની પીડાઈ રહ્યા છે. વધતી મોંઘવારી અને બેરોજગારીમાં અભૂતપૂર્વ વધારાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતનો હવે પર્દાફાશ થઈ રહ્યો છે. ભાજપની ઉત્તર ભારતમાં છબી ઘણી ખરાબ છે.' 

તમિલનાડુમાં  ભગવાનો ઉદય એ માત્ર એક કલ્પના : સ્ટાલિન

સવાલોના જવાબ આપતા મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે 'ભાજપ ઉત્તર ભારતમાં સંભવિત નુકસાનની ભરપાઈ કરવા માટે દક્ષિણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભાજપના અથાક પ્રયાસો અને વડાપ્રધાન મોદીના અનેક રોડ શો છતાં, કોંગ્રેસે દક્ષિણના બંને કર્ણાટક અને તેલંગાણા રાજ્યોમાં સરકારો બનાવી છે.' ડીએમકે ચીફે છેલ્લે કહ્યું કે, 'તમિલનાડુમાં ભગવાનો ઉદય એ માત્ર એક કલ્પના છે. તમિલનાડુ હંમેશાની જેમ ધર્મનિરપેક્ષ ગઢ બનીને રહેશે અને આ વખતે પણ દક્ષિણ ભારતના લોકો ભાજપને મોટો ઝટકો આપશે.'

દક્ષિણ ભારતમાં ભાજપના સુપડા સાફ થઈ જશે!, આ રાજ્યના CM અને કદાવર નેતાની ભવિષ્યવાણી 2 - image


Google NewsGoogle News