Get The App

તમિલનાડુમાં થયો BJPનો ફજેતો, કેમ્પેઈન વીડિયોમાં મુક્યો કાર્તિ ચિદંબરમના પત્નીનો ફોટો

Updated: Mar 31st, 2021


Google NewsGoogle News
તમિલનાડુમાં થયો BJPનો ફજેતો, કેમ્પેઈન વીડિયોમાં મુક્યો કાર્તિ ચિદંબરમના પત્નીનો ફોટો 1 - image


- જે ગીતનો ઉલ્લેખ થયો હતો તે ડીએમકેના પ્રમુખ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિ દ્વારા લખવામાં આવેલું

નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર

તમિલનાડુમાં પોતાના મૂળિયા મજબૂત કરવા કમર કસી રહેલી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર મોરચે ફજેતો થયો છે. ભાજપના તમિલનાડુ યુનિટે પાર્ટીનો વીડિયો પોસ્ટ કર્યો હતો જે પ્રચારનો હિસ્સો હતો. પરંતુ આ વીડિયોમાં જે મહિલા કલાકાર બતાવવામાં આવી હતી તે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના પત્ની શ્રીનિધિ ચિદંબરમ હતી. આ વાતનો ખુલાસો થયા બાદ ભાજપે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી વીડિયો હટાવી લીધો હતો. 

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમના દીકરા અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના પત્ની શ્રીનિધિ ચિદંબરમ એક આર્ટિસ્ટ છે અને સાથે જ મેડિકલ પ્રોફેશનલ પણ છે. ભાજપે પોતાના વિઝન અને મેનિફિસ્ટો સામે રાખવા એક કેમ્પેઈન વીડિયો બનાવ્યો હતો જેમાં તમિલનાડુના કલ્ચરના ઉલ્લેખ દરમિયાન શ્રીનિધિ ચિદંબરમને ભરતનાટ્યમ કરતા બતાવ્યા હતા. 

એટલું જ નહીં, તે હિસ્સામાં જે ગીતનો ઉલ્લેખ થયો હતો તે ડીએમકેના પ્રમુખ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિ દ્વારા લખવામાં આવેલું હતું. આ સંજોગોમાં કેમ્પેઈન માટેનો વીડિયો ભાજપ માટે મુશ્કેલી વધારનારો બની રહ્યો. સોશિયલ મીડિયામાં ભાજપના આ કેમ્પેઈનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યું હતું અને બાદમાં ભાજપે વીડિયો હટાવી લીધો હતો. 

કોંગ્રેસી સાંસદ કાર્તિ ચિદંબરમે પણ ટ્વીટર દ્વારા આ જાણકારી શેર કરી હતી. જ્યારે તમિલનાડુ કોંગ્રેસે ટ્વીટ કરીને ભાજપે શ્રીનિધિની મંજૂરી વગર તેમની તસવીર વાપરી હોવાનો આરોપ મુક્યો હતો. સાથે જ લખ્યું હતું કે, આ કેમ્પેઈન વીડિયોથી સિદ્ધ થાય છે કે, ભાજપ પાસે પોતાનું કોઈ વિઝન નથી. 

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં 6 એપ્રિલના રોજ એક જ ચરણમાં મતદાન થવાનું છે. ભાજપ આ વખતે પણ AIADMK સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં એક રેલીને સંબોધિત કરી હતી. 


Google NewsGoogle News