અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVKની પહેલી જનસભા, જાહેર કર્યો મેનિફેસ્ટો
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજયે પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. તમિલ સિનેમા અભિનેતા વિજયે રાજકારણમાં તેમના પ્રથમ પગલામાં, વિલ્લુપુરમ જિલ્લામાં એક ભવ્ય રાજકીય રેલી યોજી હતી. આ કાર્યક્રમમાં વિજયે તેમની પાર્ટી, તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) ની વિચારધારા અને ધ્યેયો શેર કર્યા અને લાખો સમર્થકોને તેમના સંકલ્પ વિશે વિગતવાર સમજાવ્યું.
'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ની પહેલી રેલી રવિવારે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિકરાવંદીમાં યોજાઈ હતી. જેમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી. રેલીમાં વિજયે ભાર મૂક્યો હતો કે તમિલને અદાલતો અને મંદિરોની ભાષા તરીકે માન્યતા આપવી જોઈએ. આ માત્ર ભાષાનો પ્રશ્ન નથી, પરંતુ તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું અભિયાન છે. પાર્ટીનો ધ્વજ લહેરાવીને તેમણે સમર્થકોને ઉત્સાહભેર સંબોધિત કર્યા.
TVKની પ્રથમ જાહેર સભામાં પોતાના સમર્થકોને સંબોધતા વિજયે કહ્યું હતું કે, 'કેટલાક પક્ષો લોકોને વિભાજિત કરવાની રાજનીતિ કરી રહ્યા છે, આવી પાર્ટીઓ વૈચારિક સ્તરે આપણા દુશ્મન છે.' આ સાથે, વિજયે દ્રવિડ મોડલના નામે છેતરપિંડીની નિંદા કરી અને "એક પરિવાર પર રાજ્યને લૂંટવાનો" આરોપ લગાવ્યો.
એક્ટર વિજયે આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં કામ કરવા માટે એક અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં તેમણે પાર્ટીનો ધ્વજ અને પ્રતીક પણ લોન્ચ કર્યું હતું. ટીવીકેને સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. આ સાથે પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી પણ મળી ગઈ છે. પાર્ટીને માન્યતા મળ્યા પછી, વિજયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટીની પ્રથમ જાહેર સભા કરશે.
પાર્ટીની વિચારધારા પર શું કહ્યું?
રવિવારની જાહેર સભામાં TVKની વિચારધારા સમજાવતા, એક્ટરમાંથી રાજકારણી બનેલા વિજયે કહ્યું હતું, અમે દ્રવિડ રાષ્ટ્રવાદ અને તમિલ રાષ્ટ્રવાદને અલગ કરીશું નહીં. આ બે આ માટીની બે આંખો છે. આપણે આપણી જાતને કોઈ ખાસ ઓળખ સુધી સીમિત ન કરવી જોઈએ. TVKની ઓળખને એક જૂથ સુધી મર્યાદિત રાખવાને બદલે, તેમણે ન્યાય, એકતા અને સામાજિક વિકાસ પર બિનસાંપ્રદાયિકતાની હિમાયત કરી.
વિજયે કહ્યું હતું કે, તેમની પાર્ટી પેરિયાર દ્વારા બતાવેલ માર્ગને અનુસરશે, જેમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય વિશેના વિચારોનો સમાવેશ થાય છે. જો કે, તેમણે નાસ્તિકવાદ સાથે સંબંધિત પેરિયારની થિયરી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. TVK રાજ્યમાં બે ભાષાઓ અપનાવવાની નીતિ પર કામ કરશે. તેમણે સરકારી કામકાજ માટે તમિલ અને અંગ્રેજી ભાષાની હિમાયત કરી હતી. તેમની પાર્ટી જાતિ ગણતરીનું સમર્થન કરે છે.
પાર્ટી 2026ના ચૂંટણી જંગમાં ઉતરશે
વિજયે કહ્યું કે TVK 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી આ માટે ગઠબંધન માટે તૈયાર છે. જો કે, વિજય પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેમની પાર્ટી 2026માં તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડશે. વિજયની આ જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું છે કે તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણી રસપ્રદ બની રહેશે. તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)નું વર્ચસ્વ રહ્યું છે.
જો કે હવે ભારતીય જનતા પાર્ટી (BJP) પણ અન્નામલાઈના નેતૃત્વમાં રાજ્યમાં પગ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તમિલનાડુમાં ભાજપ એક પણ સીટ જીતી શકી નથી.
TVKનો મેનિફેસ્ટો
- ગવર્નરને દૂર કરવા
- અદાલતોમાં વહીવટી ભાષા તરીકે તમિલનો પ્રચાર
- મહિલાઓ માટે સમાન તકો આપવી
- જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી
- રાજ્ય યાદી હેઠળ શિક્ષણ પુનઃસ્થાપિત કરવું
- ધર્મ, જાતિ, રંગ વગેરેના આધારે ભેદભાવ દૂર કરવા
- ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ
- કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓનો વિરોધ કરવો
- તમિલનાડુ માટે 2 ભાષા નીતિ
- તમિલનાડુને નશામુક્ત બનાવવું
- ધારાસભ્યો માટે આચારસંહિતા
- બિનસાંપ્રદાયિકતા, સામાજિક ન્યાય, સમાનતા અને લોકશાહી